bar bar warse pasmal padharya - Lokgeeto | RekhtaGujarati

બાર બાર વરસે પસમલ પધાર્યા

bar bar warse pasmal padharya

બાર બાર વરસે પસમલ પધાર્યા

બાર બાર વરસે પસમલ પધાર્યા, ઘોડા બાંધો ઘોડાહાર,

પસમલ ભલે પધાર્યા.

ચોરે તે બેઠા હો દાદાજી, જોજો વહુવારૂનાં ખેલ;

મોતીયલ ક્યાં વેરાણાં?

હું શું જાણું મારા પસમલ દીકરા, જઈ માતાને પૂછો;

પસમલ ભલે પધાર્યા.

સાંગા માંચીએ બેઠાં હો માતાજી, જો જો વહુવારૂનાં ખેલ;

મોતીયલ ક્યાં વેરાણાં?

હું શું જાણું મારા પસમલ દીકરા, જઈ બંધવાને પૂછો;

પસમલ ભલે પધાર્યો.

ઘોડો ખેલવતા હો બંધવાજી, જોજો વહુવારુનાં ખેલ;

મોતીયલ ક્યાં વેરાણાં?

હું શું જાણું મારા પસમલ બંધવા, જઈ ભોજાઈને પૂછો;

પસમલ ભલે પધાર્યા.

બેટડી ધવરાતાં હો ભોજાઈ જી, જોજો વહુવારૂનાં ખેલ;

મોતીયલ ક્યાં વેરાણાં?

દિયર ભોજાઈ બે હોળી રે રમતાં, હડિયે પડીયેલ હાથ;

મોતીયલ ત્યાં વેરાણા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966