bhaibij - Lokgeeto | RekhtaGujarati

ભાઈબીજ

bhaibij

ભાઈબીજ

વર્ષા તણી કાળી વાદળી રે, વીરા વિનવું વહાલે;

વરસીને વેગથી વઇ જતી રે, વેણ મારૂં પહોંચાડે.

વરસજે વીરની વાડીએ રે, શોષી સાગર ખારો;

સંજિવની સઉ સૃષ્ટિની રે, માનું પાડ હુ તારો.

ભૂલી ગયો ભાઈ બેનને રે, બધું વા’લ વીસાર્યું;

બાર મઈના વીરા, થઈ ગયા રે, નથી મુખડું ભાળ્યું.

ભાભીએ કામણ શું કર્યા રે, કે શું ભરાવ્યું કુડું?

આજ્ઞ લોપી નથી મેં કદી રે, દુઃખ લાગ્યું શુ ઊડું?

ભાભી સોહાગણ માહરાં રે, પૂરવ પ્રીતિ ભૂલાઈ;

દોષ દીઠો શું મુજમાં રે, ભોળો ભોળાવ્યો ભાઈ.

અમે પરદેશી ચરકલી રે, ઘડી બે-ઘડી રઈએ;

દિલ ઊંચું જરા દેખીએ રે, ઊડી આઘેરાં જઈએ.

સાસરિયાંથી બળીઝળી રે, ઠરવા ઠામ પિયરનો;

પરવશ પડેલ પંખિણી રે, લેતી શ્વાસ મૈયરનો.

પીયર પનોતી હું તમ વડે રે, છતાં છેક વીસારી;

બાપુ વિનાની બાળકી રે, અંતરમાંથી ઉતારી.

પરવણીએ પેખું પંથને રે, થાકે નયનો બીચારાં;

ચીરાતું ચરચર ચીતડું રે, આંખે આંસુની ધારા.

ઘરકામમાં નહિ ગોઠતું રે, તળે ઉપર હું થાતી;

ભણકારા વાગે આવ્યા તણા રે, ઉઠી આંગણે જાતી.

ભાઈબીજે મળે આવીને રે, થનગન ઘોડો ખેલાવી;

પડઘી વાગે ઘોડલા તણી રે, જોતી ઝરૂખે આવી,

દેખી દૂરે ધૂળ ઉડતી રે, અમર આશા બંધાણી;

ઊડતી પાઘડી છેડલો રે, દેખી હરખાતી છાતી.

બારે આવીને ઊભો રહે રે, બેની કઈને બોલાવે;

દોડતાં ભાણેજ ઊંચકી રે, ચુમી લાડ લડાવે.

ભાઈ મેળાવણ બીજડી રે વેગે આવતી વીરા;

આવજો આંગણે માહરે રે, ઠરશે અંતર અધીરાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968