pawaDo - Lokgeeto | RekhtaGujarati

પવાડો

pawaDo

પવાડો

સરસ્વતી માતાને વિનવું, ગુણપત લાગું પાય;

અવિચળ વાણી માતા આપજો, ગુણ તમારા ગવાય.

બળ રે હો બવ તારા વિહળા, ઓળખું આપોઆપ;

ધન રે વિહળ તારા ધામ, પરગટ થિયો પાળિયાદ.

પે’લે રે પવાડે રાવણ રોળિયો, સાયર બાંધી પાળ;

મેઘનાથ સરીખાને મારી મારિયા, સોંપ્યું વિભીષણને રાજ.

બીજે પવાડે થંભ ફાટયો, ધર્યું છે નરશંગ રૂપ,

હરણાકંશને મારીઓ, ને ઉગાર્યો પ્રેલાદ.

ત્રીજો રે પવાડો તારો ત્રીકમા, મથુરામાં મહારાજ;

મામા તે કંસને મારીઓ, નાથ્યો કાળીનાગ.

ચોથે પવાડે બાણાસુરના, હજારો કાપ્યા હાથ;

અનિરુદ્ધને ઉગારવા, ગજ, ગુનકાને કાજ.

પાંચમો પવાડો પાંડવે કર્યો, ભેળા જાદવરાય;

કુરુક્ષેત્રના મેદાનમાં, કૌરવો હણ્યા છે હજાર.

છઠો પવાડો સકવે કર્યો, મધ પીધાં મહારાજ;

વરાહના મુખમાં પ્રથવી લીધી પ્રથમી જાતી’તી પાતાળ.

સાતમે પવાડે ચીર સાંભર્યાં, નવસો નવાણું પૂર્યા નાથ;

જૂનાણે માંડળિક મારીઓ, સર્વે ભેળાણું સાચ.

આઠમે પવાડે ઈન્દ્ર આવીઆ, હરિ આગળ જોડ્યા હાથ;

ટચલી આંગળીએ વા’લે તોળિયો, ગોવરધન ગોપાળ.

નવમો પવાડો નામદેવનો, ઉતારી કોલી ગાય,

બાદશાએ પરચો માગીઓ, મો’લુમાં લાગી આગ્ય.

દસમે પવાડે હરિ આવિયા, રાજા કંસને દુવાર;

આયુષ માગી હરિએ એટલી, આપ્યાં કાયાનાં દાન.

અગિયારમે પવાડે હરિ આવિયા, વામન ધર્યો અવતાર;

સાડાત્રણ ડગલાં માગી પરથમી, બળિને ચાંપ્યા પાતાળ.

બારમો પવાડો વિહળદેવનો, ઓતમના અવતાર;

ગાય, શીખે, સુણે સાંભળે, એનો વૈકુંઠ હોજો વાસ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968