bhabhino winjhno - Lokgeeto | RekhtaGujarati

ભાભીનો વીંઝણો

bhabhino winjhno

ભાભીનો વીંઝણો

અધમણ સોનું સવામણ રૂપું,

તેનો મેં તો વીંઝણો ઘડાવિયો.

વીંઝણો મેલીને હું તો જળ ભરવા ગઈ’તી,

નાને દિયરિયે લીધો.

નાના દિયર! તમને ઘોડીલો લઈ આલું,

આલો અમારો વીંઝણો.

ઘોડીલે તો ભાભી! બેસતાં ના આવડે,

નથી લીધો તારો વીંઝણો.

નાના દિયર! તમને હાથીડા લઈ આલું,

આલો અમારો વીંઝણો.

હાથીડે તો ભાભી! બેસતાં ના આવડે,

નથી લીધો તારો વીંઝણો.

નાના દિયર! તમને બેની પરણાવું,

આલો અમારો વીંઝણો.

તમારી બે’નીને પાટલે પધરાવો,

પાછલે પડાળ તારો વીંઝણો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957