samai gyan sita mat jo - Lokgeeto | RekhtaGujarati

સમાઈ ગ્યાં સીતા માત જો

samai gyan sita mat jo

સમાઈ ગ્યાં સીતા માત જો

અવળાં સવળાં ગંગા નીર, વહુને ઘેર સાસુ બેસવા જાય;

વહુ બેઠાં સિંહાસન ચડી, ને સાસુ બેઠાં ચમર ઢળી.

વહુ રે વહુ, મોરાં સમરથ વહુ, લંકા લખીને દેખાડો;

કાનેં સાંભળ્યું બાયજી, લંકા નજરે દીઠું.

સાસુયેં રીસ ચડાવી રે, બાયજી દડવડ હાલ્યાં;

પાછાં વળોને મોરાં બાયજી રે, લંકા લખીને દેખાડું,

અતરીસ બતરીસ બેન લખી, તેત્રીસ કરોડ જમાઈ લખ્યા;

દશ માથારો રાવણ લખ્યો, માથા વિનાના માણસ લખ્યાં.

ચાંદો સૂરજ સાથે લખ્યા, રામ લખમણ બેય બાંધવ લખ્યા;

દન ઉગ્યો ને રામજી આવિયા રે, માતા જલ ભરી દયો ને.

તાંબા પિત્તળ લોટા જલેં ભર્યા, રામજી હાથેં ભરી લ્યોને,

હાથ ધોયા ને મોઢાં વીંછર્યાં રે, સામા વેરીને દીઠા.

માતા રે મોરી માવડી રે, વેરી કેનીયેં ચિતરિયો?

હું રે શું જાણું ભોળા રામજી રે, વીરા લખમણને પૂછો.

લખમણ લખમણ બાંધવા રે, વેરી કેંનીયેં ચિતરિયો?

હું રે શું જાણું ભોળા રામજી રે, બેની સુભદ્રા ને પૂછો.

સુભદ્રા રે બેની સુભદ્રા રે, વેરી કેનીયેં ચિતરિયો?

હું રે શું જાણું મોરાં બાંધવા રે, ભાભી સીતાને પૂછો.

સોળ સૈયરમાં સીતા રાસ રમે, તેને રામનાં તેડાં;

નથી ભાંગ્યું નથી ફોડિયું રે, શેનાં રામનાં તેડાં?

પે’રી પટોળી આછી પામરી રે, સીતા અડમડ ચાલ્યાં;

સીતા રે સીતા સાધુડી રે, વેરી કેનીયેં ચિતરિયો?

લખમણે ગઢડા દોરિયા રે, મેં તો વાનલે ભરિયા;

લખમણ સીતાને તું સંભાળ, નકર વનમાં મેલી આવ.

ઘેલા રામજી ઘેલાં શું બોલ, સીતાજી મારે માને રે તોલ;

કાળે ઘોડે રથ જોડિયા રે, એમાં સીતાને બેસાડ્યાં.

પરથમ રથડો વારીઓ ને, ખંભે કુહાડી ને લુહાર મળ્યો;

લખમણ લખમણ બાંધવા રે, માઠે શકનેં જાયેં,

જો રે જાયેં માઠેં શકનેં રે, પાછા રામને મળીએ.

સીતા તે મોરાં ભાભલડી રે, રામને તમારી ક્યાં ખપતી?

બીજો રથડો વારીઓ ને, ભીને પોતિયે ભામણ મળ્યો;

લખમણ લખમણ દેરીડા રે, માઠે શકનેં જાયેં.

જો રે જાયેં માઠે શકનેં રે, પાછાં રામને મળીએ;

સીતા તે મોરાં માવડી રે, રામને તમારી ક્યાં ખપતી?

ત્રીજો રથ વારીઓ ને, છાણાં વીણતી છોકરી મળી.

લખમણ લખમણ દેરીડા રે, માઠે શકનેં જાયેં;

જો રે જાયેં માઠે શકનેં રે, પાછાં રામને મળીએ.

સીતા તે મોરી માવડી રે, રામને તમારી ક્યાં ખપતી?

ચોથો રથ વારીઓ ને, દાતણ કરતી ડોશી મળ્યાં;

લખમણ લખમણ દેરીડા રે, માઠેં શકને જાયેં.

જો રે જાયેં માઠેં શકનેં રે, પાછાં રામને મળીએ.

સીતા તે મોરી માવડી રે, રામને તમારી ક્યાં ખપતી?

પાંચમો રથ વારીઓ ને, વનમાં જઈને ઊભો રિયો;

લખમણ લખમણ દેરીડા રે, વનમાં બીકું બહુ લાંગે,

ભાભી તે મોરાં સીતાજી રે, તમે રમજો ને રે’જો;

લખમણ લખમણ દેરીડા રે, વનમાં ટાઢું બહુ લાગે.

સાગ તે વનનાં પાંદડાં રે, તેને ઓઢીને રે’જો’

લખમણ લખમણ દેરીડા રે, વનમાં તરસ્યું લાગે.

ગોદાવરી નદી છે પાસે રે, પાણી પીજો ને રે’જો;

લખમણ લખમણ દેરીડા રે, વનમાં ભૂખડિયું લાગે.

વનમાં ભાભી, મીઠાં ફળ ઘણાં, તમે ખાજો ને રે’જો;

લખમણ લખમણ બાંધવા રે, સીતાને કેમ મેલ્યાં?

માતા વિનાનાં છોરું રડતાં રે, સીતાને એમ મેલ્યાં

લખમણ લખમણ બાંધવા રે, સીતાને કેમ મેલ્યાં?

ગાય વિનાનાં વાછરૂ ભાંભરે રે, સીતાને એમ મેલ્યાં;

લખમણ લખમણ બાંધવા રે, સીતાને કેમ મેલ્યાં?

પાણી વિનાનો પોરો તરફડે રે, એમ તરફતાં મેલ્યાં.

લખમણ લખમણ બાંધવા રે, સીતાને કેમ મેલ્યાં?

ઘડો ફુટે ને ઠીકરી રખડે રે, એમ રખડતાં મેલ્યાં;

લીલે ઘોડે રામ અસવારી રે, આવ્યા ગોદાવરી કાંઠે,

સામે કાંઠે સીતા નારી રે, એની રામ સામે રે નજરૂ;

ધરતી તે મારી માવડી રે, અમને મારગ દયોને.

ધરતી ફાટી ને ધરા ધણધણી, સીતા સમાઈને ગ્યાં છે.

પાસે ઊભા લખમણ દેરીડા રે, ભાભી વચન દયોને.

મારા માથાનો ચોટલો રે; એના ડાભડિયા ઉગે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ