bheeD - Lokgeeto | RekhtaGujarati

ભીડ

bheeD

ભીડ

રામે ભાંગી મારી ભીડ રે હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

અશોક વનમાં બેઠાં સીતાજી,

સાત સમુદર નીર રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

વનમાં સીતાજી કાગળિયાં મોકલે,

સંદેશો લઈ જાવ હનુમાન વીર રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

કાગળ વાંચીને રામ વે’લેરા આવજો,

સીતાજીની ભાંગજો ભીડ રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

રામ વિના સીતાને નીંદરા આવે,

શોષેં સુકાણાં શરીર રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

રામ વિના સીતાને અન્ન ભાવે,

કંઠે ઉતરે નીર રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

કાગળ વાંચીને રામ વેગે પધાર્યા,

સીતાજીની ભાંગી ભીડ રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

સૂરજના રથ પર ભમરો બેઠો,

લખમણે સાંધ્યા બાણ રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

રાવણ મારીને રામ વેલા પધાર્યા,

સીતાજીની ભાંગી ભીડ રે, હરિહર!

રામે ભાંગી મારી ભીડ રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968