baluDe wesh - Lokgeeto | RekhtaGujarati

બાલુડે વેશ

baluDe wesh

બાલુડે વેશ

રામે જોડી રેંકડી, ને લખમણે બાંધ્યાં બાણ,

લખમણે મારગ પૂછિયા, ને એને નેણે હાલ્યાં નીર.

સરખે સરખી સાયેલી, ને સરખે સરખી જોડ,

એમાંથીને વચન પૂછિયાં, ને બાઈ કિયો તમારો કંથ?

બાઈ કીયો રે એનો દેશ? હરિ વન હાલ્યા બાલુડે વેશ.

ગોરે ગાલે દેર અમારા, ને ભીને વાને ભગવાન.

ધનુષની અણસારે બાયું, નીરખજો ભગવાન;

બાઈ કિયો રે એનો દેશ? હરિ વન હાલ્યા બાલુડે વેશ.

અમારા સસરાને ત્રણ છે રાણી, ત્રણે છે પટરાણી,

ત્રણ વચ્ચે ચાર પુતર જનમિયા, થયાં છે ઠકરાણી;

બાઈ કયો રે એનો દેશ? હરિ વન હાલ્યા બાલુડે વેશ.

દાદાને તો ના’વી દયા, ને માતાને ના’વી મે’ર,

વનમાં જઈને વતન કરીશ, ને તાકીને મારીશ તીર;

બાઈ કિયો રે એનો દેશ? હરિ વન હાલ્યા બાલુડે વેશ.

કૈકેયીએ તો કેર કીધો, ને દીધા હરિને વનવાસ,

ભરતજીને રાજ દીધાં, ને રામ જાય વનવાસ;

બાઈ કિયો રે એનો દેશ? હરિ વન હાલ્યા બાલુડે વેશ.

સીતા નાનું છોકરૂં, ને એને રાખ્યાં ઘેર,

લખમણે મારગ પૂછિયા, ને એને નેણે હાલ્યાં નીર;

બાઈ કિયો રે એનો દેશ? હરિ વન હાલ્યા બાલુડે વેશ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968