balo jogi - Lokgeeto | RekhtaGujarati

બાળો જોગી

balo jogi

બાળો જોગી

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, બાલુડો જોગી બેઠો નહાવા રે.

હાથપગ ચોળે એના ઘરની અસતરી, વાંસાના મોર ચોળે એની માડી રે.

મોર ચોળંતા એનું હૈડું ભરાણું ને, નેણલે આંસુડાની ધાર રે.

નહિ રે વાદલડી, ને નહિ રે વીજલડી, ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે?

આવી કાયા તારા બાપની હતી જો, એરે કાયાના મરતુક થિયાં રે.

કહો તો માતાજી અમે દુવારકાં જાઈ જો, દુવારકાની છાપું લઈ આવું રે.

કહો તો માતાજી અમે હિગળાજા જાઈં જો, હિંગળાજના ડૂમેરા લઈ આવું રે.

કહો તો માતાજી અમે કાશીએ જાઈં જો, કાશીની કાવડ્યું લઈ આવું રે.

કહો તો માતાજી અમે જોગીડા થાઈં જો, કહો તો લઈએ ભગવો ભેખ રે.

બાર બાર વરસ બેટા રાજવટું કર જો, તેરમે વરસે લેજો ભેખ રે.

બાર વરસ માતા કોઈએ જોયા જો, આજ લેશું રે ભગવો ભેખ રે.

દેશ જાજે રે દીકરા, પરદેશ જાજે જો, એક જાજે બહેનીબાને દેશ રે.

આંબાની ડાળે ને સરોવર પાળે જો, ઉતરી છે જોગીની જમાત રે.

નણંદની દીકરીને સોલનબાઈ નામ જો, સોલનબાઈ પાણીડાની હાર રે.

કહોતો મામી તમારો વીરોજી દેખાડું જો, કહોતો દેખાડું બાલુડો જોગી રે.

સાચુ બોલો તો સોનલબાઈ સોનલે મઢાવું જો, જૂઠું બોલો તો જીભડી વાઢું રે.

હાલો દેરાણી, ને હાલો જેઠાણી જો, જોગીડાની જમાત જોવા જાઈં રે.

થાળ ભરીને શગ મોતીડે લીધો જો, વીરને વધાવાને જાઈં રે.

બહેની જુએ ને બહેની રહ રહ રોવે જો, મારો વીરોજી જોગી થયો રે.

કહો તો વીરાજી મારા, પાલખી મંગાવું જો, કહો આપું પાછાં રાજ રે.

પાલખી જોઈએ, બહેની રાજ નવ જોઈં જો, કરમે લખ્યો છે ભગવો ભેખ રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 265)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966