bairino das chhe - Lokgeeto | RekhtaGujarati

બૈરીનો દાસ છે

bairino das chhe

બૈરીનો દાસ છે

મારી દેરાણી બેઠી ઘઉં દળવા, ને

દેર બેઠો ઓરવા, કે દેર મારો બૈરીનો દાસ છે.

તો દળી દળીને થાકી, ને

બેઠી પોકે રોવા, કે દેર મારો બૈરીનો દાસ છે.

સ્વામિ, તડકે મેલો હવે ઘંટી, ને

મને કરી દો ચંપી, કે દેર મારો બૈરીનો દાસ છે.

દેર ન્યાંથી હળવે હાલ્યા, ને

આવ્યા મારે મો’લે, કે દેર મારો બૈરીનો દાસ છે.

ભાભી, તમે તારો, ને કાં મારો,

ને હાથ ઝાલો મારો; કે દેર મારો બૈરીનો દાસ છે.

ભાભી, તમારા ઘરનો ગોલો, કે

બૈરીથી ઉગારો; કે દેર મારો બૈરીનો દાસ છે.

દેર, તમે મલકના છો ઢીલા, કે

લ્યો સાંબેલાં; કે દેર મારો બૈરીનો દાસ છે.

દેર, કેડ બાંધીને થાવ સીધા, ને

ભાંગો દેરાણીનાં ઢીંઢાં; કે દેર મારો બૈરીનો દાસ છે.

બૈરીને રાખો પગને ખાહડે, ને

રયો તમે મરદની ધોડ્યે; કે, દેર મારો બૈરીનો દાસ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 239)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968