walo namori - Lokgeeto | RekhtaGujarati

વાલો નામોરી

walo namori

વાલો નામોરી

નામોરી નર છે વંકો રે, વાલાનો દેશમાં ડંકો,

અકલ હૈયાની ઊલટી વાણ, વાલાનાં પરદેશમાં પ્રયાણ,

જૂનાગઢ સુધી જાણ તો થાય, લાજ રાખી દાતાર. નામોરી.

સાતસો ચોકીમાંથી મઢમને લીધી, ધરાર દીધો જવાબ,

પાંચસો કોરીનું કાપડું આલે, જીભની માનેલી બહેન. નામોરી.

કેડ્યે કટાર તે શોભતી વાલા, ભલી બાંધી તે તલવાર,

શેજી ઘોડી તારી રાંગમાં વાલા, હીર મોતીના વાઘા. નામોરી.

હાલી ચાલીને કાંપમાં ગયો, મરવું એક વાર,

ભાગું તો મારી ભોમકા લાજે, થનારી હોય તે થાય, નામોરી.

માળિયા સરખુ ગામડું, કળજડી બેઠક થાય,

મોરલી સંદેશા મોકલે વાલા, એક વાર મળવા આવ્ય. નામોરી.

એક ઠૂંઠે હાથે જંજાળ વાલા, સાતસો કદમ જાય,

રણમાં વાલે ધીંગાણુ કીધું, ઠાર માર્યા છે ચાર. નામોરી.

નથી ગાયો તુરી, બારોટે, નથી ગાયો લોક માગણે,

કળજડી મોતીનાથ ગાય, રાખ્યું અમર નામ,

નામોરી નર છે બંકો રે, વાલાનો દેશમાં ડંકો. નામોરી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966