khanji bahawatiyano rasDo - Lokgeeto | RekhtaGujarati

ખાનજી બહાવટિયાનો રાસડો

khanji bahawatiyano rasDo

ખાનજી બહાવટિયાનો રાસડો

એવા ખાનજી ઠાકોર, આવાં ધીંગાણાં નો’તાં માંડવાં.

નાનપણ નાનપણે ગાળતાં,

ફરતા માતાજી મઢની સોડમાંય રે, એવા ખાનજી ઠાકોર.

જસોજી ધીંગાણે ચડી ચાલિયા,

રૂણ ચડ્યું તેરા જાગીરમાંય રે, એવા ખાનજી ઠાકોર.

પાંચસો ભડમાંથી જસો એકલો,

ત્રાટક્યા કાળા તળાવ કેરી ધાર રે, એવા ખાનજી ઠાકોર.

દાદુભા દિયે છે રંગ વીરને,

ખમ્મા જેણા તલવાર કેરા ઘાવ રે, એવા ખાનજી ઠાકોર.

એવા વીરના કુંવર એકલા,

ઊછર્યા માતના ડુંગરમાંય રે, એવા ખાનજી ઠાકોર.

નાનુભાને મોકલે સંદેશડા,

હું તો માગું ખેતર બે-ચાર રે, એવા ખાનજી ઠાકોર.

વાળ્યા ગાડાં એણે ધાનનાં,

કીધા ખાલી જાગીરના કોઠાર રે, એવા ખાનજી ઠાકોર.

કીધા કેસરિયા એણે કારમા,

પાછો લીધો બાપુકો ગિરાસ રે, એવા ખાનજી ઠાકોર.

છોડ્યું ટીલું ને ગિરાસને,

દીધાં કુંવરને રાજપાટ રે; એવા ખાનજી ઠાકોર.

સાંખી શક્યો શારૂભાઈ કીરતિ,

ઠાકોરના ફસાવ્યા આરંભ્યા પેંતરે, એવા ખાનજી ઠાકોર.

સેલુને પકડવાનું ઝલાયું બીડલું,

ના આવી એના કાવતરાની ગંધ રે, એવા ખાનજી ઠાકોર.

ભુજના ફોજદાર એને ભોળવે,

કીધો છે કાંઈ દગો અપરંપાર રે, એવા ખાનજી ઠાકોર.

ઊછળ્યો વીર હુંહુકારથી,

જાણે કેસરી ભરે છે ફાળ રે, એવા ખાનજી ઠાકોર.

ભાંગ્યું પેલું ખાનાએ ગામડું,

લીધી ડુમરાની સારસંભાળ રે, એવા ખાનજી ઠાકોર.

દેવીસરના ભાટિયાને રોળિયો,

ચડી બુટા સુજાપર વાર રે, એવા ખાનજી ઠાકોર.

બાંડિયે ચેતાવી હુતાશણી,

જેના ભડકા ફેલાયે ચોપાસ, રે, એવા ખાનજી ઠાકોર.

નેત્રા લૂંટ્યું બબ્બે વારથી,

સૂના થયા સુસકુના વેપાર રે; એવા ખાનજી ઠાકોર.

સાંધાણના રસ્તા ઉજ્જડ કર્યા,

બિટિયારીમાં ફર્યો અંધકાર રે; એવા ખાનજી ઠાકોર.

દોડે વારું ચારે પાસથી,

વરસે ગોળીઓનો ધુંધવાર રે, એવા ખાનજી ઠાકોર.

છટકી જતો ઘેર વીર સાબદો,

જેના માથે માતાજીના હાથ રે, એવા ખાનજી ઠાકોર.

લેફરીના ડુંગરે ઘેરિયો,

ચડ્યા ત્રણ ત્રણ તાલુકાના ફોજદાર રે, એવા ખાનજી ઠાકોર.

પાંચસો બંધુક હતી સાબદી,

વીર ઊભો ધરી નિજ દેહ રે, એવા ખાનજી ઠાકોર.

છટકી ગેયો ભડભાંખડે

માર્યા ઉમેદલાલ જેવા ફોજદાર રે, એવા ખાનજી ઠાકોર.

ભાગ્યા પોલીસો ઘસી હાથને,

નાવ્યો કચ્છનો જોધો એને હાથ રે, એવા ખાનજી ઠાકોર.

નો’તા રે રજવાડા જેના સાથમાં,

હતો એકલિયો અસવાર રે, એવા ખાનજી ઠાકોર.

નો’તા લૂંટ્યા ગરીબ કે ખટવર્ણને,

નો’તો ઝાલ્યો અબળા કેરો હાથ રે, એવા ખાનજી ઠાકોર.

નો’તા લૂંટ્યા વરરાજા કે જાનને,

હતો જે એક માતાનો આધાર રે, એવા ખાનજી ઠાકોર.

નો’તી પરવા એને નાના કુંવરની,

છોડ્યો સિંહણ રાણીનો સંગ રે, એવા ખાનજી ઠાકોર.

ધોળા વાળો પોતાની માતના,

જેને કાયા બતાવી શકાય રે, એવા ખાનજી ઠાકોર.

રે મરદને હતી ઝંખના,

સૂતી રાજપૂતીને કરવા પડકાર રે, એવા ખાનજી ઠાકોર.

એકલો ઝૂઝયો ને ઝૂઝી જાણિયો,

નમ્યો નો’તો કોઈને લગાર રે, એવા ખાનજી ઠાકોર.

કચ્છનો વીર છેલ્લો થઈ ગયો,

હતી મુછો જેની ભરાવદાર રે, એવા ખાનજી ઠાકોર.

ઘાયલ દેહે સમુદ્ર તરી ગયો,

હાથ આવી એની લાશ રે, એવા ખાનજી ઠાકોર.

કોઈ કે છે હજી જીવતો,

કોઈ કે’ ગયો સરગવાસ રે, એવા ખાનજી ઠાકોર.

જીવતો હોય તો જીવી જાણિયો,

મોત ભેટ્યે કૈલાસનો વાસ રે, એવા ખાનજી ઠાકોર.

ગાય, શીખે, ને સુણે સાંભળે,

હોજો એનો વીરોમાં વાસ રે, એવા ખાનજી ઠાકોર.

રસપ્રદ તથ્યો

કચ્છમાં તેરા જાગીરમાં સંવત 2006 માં દેવપરના નાના કુંવર સામે ખાનજી સુડધ્રોવાળાએ બહારવટું ખેડેલું તેનો રાસડો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968