jethibhaino rasDo - Lokgeeto | RekhtaGujarati

જેઠીભાઈનો રાસડો

jethibhaino rasDo

જેઠીભાઈનો રાસડો

સૂની ડેલી ને સૂના બંગલા, એવી સૂની છે આકરૂ ગામની બજાર રે;

જેઠીભાઈ, આવડા તે બહારવટાં નહોતાં ખેડવાં.

પહેલું પ્રયાણ તે લાઠીદડ આદર્યું, ભાંગ્યા કંઈ ભાવનગરનાં ગામ રે,

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

બીજુ ધિંગાણુ સાલાસર આદર્યું, જોટે ભાંગ્યાં રાયકા જેવાં ગામ રે;

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

સગા તે સંદેશા મોકલે, સાંઢિડા એકદા તું કસુંબા પીવા આવ્ય રે.

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

ધ્રુજાવ્યા કંઈ રજોડા જેવા ગામ રે, તાર તો કર્યા અમદાવાદ રાજના;

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

જોટાળી રાયફલ તારા હાથમાં રહી, ગઈ છે કંઈ બીજા જોટાની હામ રે;

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

બાવલજી ભાઈબંધ તારી સાથમાં, (2)

ગભું ભાઈબંધ તારી સાથમાં, ભાંગ્યા કંઈ લીંમડાના ગામ રે,

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

ત્રીજુ ધીંગાણું પાટણા આદર્યું, દીધી છે કંઈ નાગનેશમાં જાણ રે;

છાલિયે તળાવ ડેરા નાખીયા, કંઈ લીંમડીમાં થઈ છે જાણ રે,

લીંમડીના ઠાકોર સંદેશા મોકલે, એકવાર કસુંબા પીવા આવ્ય રે,

બાવલજી ભાઈબંધે દગો આદર્યો, લીધી જોટાળી એણે હાથ રે,

પહેલે રે ભડાકે જેઠીભાઈને મારિયા, રહી ગઈ છે કંઈ હૈયામાં હામ રે;

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં,

બહેન તો રુએ નવાણિયે ધ્રુસકે, મરાણો કંઈ માડીજયો વીર રે,

હૈયાની ધારણ બેચરદાસ ગાય છે; જેઠીભાઈના જીવતા અમર નામ રે;

જેઠીભાઈ બહાદુર, આવડાં તે બહારવટાં નહોતાં ખેડવાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966