baal lagn geet - Lokgeeto | RekhtaGujarati

બાળ લગ્ન ગીત

baal lagn geet

બાળ લગ્ન ગીત

મા, મારી સાસુ એમ કે’છે;

વહુ અચ્છેરની ખીચડી ઓરો,

—મનોરબાઈ એમ કે’છે.

મા, હું નાંનેરું શું સમજું;

અધમણની ખીચડી ઓરી,

—મનોરબાઈ એમ કે’છે.

મા, મારી તે સાસુ એમ કે’છે;

વહુ ડોબાંને ગાંતુ મેલો,

—મનોરબાઈ એમ કે’છે.;

મા, હું નાંનેરું શું સમજુ;

મેં તો ડોહાને ગાંતો મેંલો,

—મનોરબાઈ એમ કે’છે.;

મા, મારી તે સાસુ એમ કે’છે;

વહુ ચૂલામાં મોરણ મૂકો,

—મનોરબાઈ એમ કે’છે;

મા, હું નાંનેરું શું સમજુ;

મોભારે મોરણ મેલું,

—મનોરબાઈ એમ કે’છે.

મા, મારી તે સાસુ એમ કે’છે.

વહુ બેડે પાણી ભરો,

—મનોરબાઈ એમ કે’છે.

મા, હું નાંનેરું શું સમજુ

મેં તો દેડે પાણી મેલું,

—મનોરબાઈ એમ કે’છે.