awla nar - Lokgeeto | RekhtaGujarati

અવળા નર

awla nar

અવળા નર

દૂબળી ગાયનાં દૂઝણાં, હેઠે વાછરું ધાવે;

લાલ પડોશણ પાતાળી, છાશ લેવાને આવે,

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે;

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

લાલ, ચોમાસાં આવીઆં, નેવે ઢોલિયા ઢળાવે;

નેવે ઢળાવે ઢોલિયા, ઉપર મેવલા વરસાવે,

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે;

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

લાલ, શિયાળા આવીઆ, ચોકમાં ઢોલિયા ઢળાવે;

ચોકમાં ઢળાવે ઢોલિયા, ઉપર વાહર નંખાવે,

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે;

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

લાલ, ઉનાળા આવીઆ, ખૂણે ઢોલિયા ઢળાવે;

ખૂણે ઢળાવે ઢોલિયા, હેઠે અગન ધખાવે,

નંદનો કુંવર લાડકો, દૂધ પીવાને આવે;

સાંભળ સૈયર વાતડી, દુઃખ કોને રે કઈએ?

અવળા તે નરને બોલડે, ઊભા કેમ કરી રઈએ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968