awal boli - Lokgeeto | RekhtaGujarati

અવળ બોલી

awal boli

અવળ બોલી

સોનલ ઉભી વડપીપળ છાંય રે,

વે’વારિયે વા’ણ હંકારિયાં રે લોલ.

સોનલ મારી ઘર કેરી નાર રે,

જી રે જોઈએ તી મંગાવજો રે લોલ.

લાવજો લાવજો હીર માંયલાં ચીર રે,

લાવજો સેવાળ કેરી કાંચળી રે લોલ.

અવળાબોલી અવળું શું બોલ રે,

અવળે બોલે તી અમે લાજિયે રે લોલ.

લાવજો લાવજો શેરડી માંયલો પોક રે,

લાવજો જુવાર માંયલાં ઝીંઝરાં રે લોલ.

અવળાબોલી અવળું શું બોલ રે,

અવળે બોલે તી અમે લાજિયે રે લોલ.

લાવજો લાવજો શોક્યું માંયલાં સાલ રે,

લાવજો આગમજાયાં છોકરાં રે લોલ.

અવળાબોલી અવળું શું બોલ રે,

અવળે બોલે તી અમે લાજિયે રે લોલ.

(પાઠાંતર-1)

ઊભલાં રે ગોરી રંગ મો’લમાં રે, આંગણે ઘોડો હણહણે રે;

માગો માગો ગોરી મોરી, પાછલે પરોઢિયે મારે ચાલવું રે.

લાવજો રે, સાહ્યબા શિંગાળું ઘોડા, લાવજો વણશિંગાળો ડોળિયો રે;

લાવજો સાયબા, પાયાળી પાલખી રે, લાવજો વણપાયાળો ઢોલિયો રે.

જડે રે ગોરી, શિંગાળું ઘોડા રે, જડે વણશિંગાળુ ડોળિયો રે;

જડે ગોરી મોરી, પાયાળી રે, જડે વણપયાળો ઢોલિયો રે.

લાવજો રે સાયબા, ચાલંતાં ચીર રે, લાવજો રે મુખ બોલંતી કાંચળી રે;

લાવજો રે સાયબા, કીડીની જીભ રે, લાવજો મકોડા દાંતનો ચૂડલો રે.

જડે ગોરી મોરી, ચાલતાં ચીર રે, મળે મુખ બોલંતી કાંચળ રે;

જડે ગોરી મોરી, કીડની જીફ રે, મળે મંકોડા દાંતનો ચૂડલો રે.

લાવજો રે સાયબા, શેરડીના પોંખ રે, લાવજો જાર કેરાં ઝીંડવાં રે;

લાવજો રે સાયબા, શોક્યુંના સાલ રે, લાવજો આગમજાયાં છોરૂંડાં રે.

જડે ગોરી મોરી, શેરડીના પોંખ રે, જડે જાર કેરાં ઝીંડવાં રે;

જડશે રે ગોરી મોરી શોક્યુંનાં સાલ રે, ના જડે આગમજાયાં છોરૂંડાં રે.

(પાઠાંતર)

ઊભાં રે ગોરી મોરી, રાજદુવાર,

નવલખ તેજી ઘોડો હણહણે;

માગો રે ગોરી મોરી, માગો તે આપું,

લગનવેળા રે ગોરી વહી જશે.

માગું રે સાયબા, કીડીની જીભ,

કે માંગું મંકોડા દંતનો ચૂડલો;

મળે રે ગોરી મોરી, કીડીની જીભ,

મળે મંકોડા દંતનો ચૂડલો.

અવળાં રે ગોરી મોરી, અવળાં કાં બોલો,

અવળું બોલ્યે ઘર કેમ ચાલશે? ઊભાં રે ગોરી.

માગું રે સાયબા માંકડનો મસાક,

કે માગું ચાંચડ કેરાં ચામડાં;

અવળાં રે ગોરી મોરી, અવળાં કાં બોલો,

અવળું બોલ્યે ઘર કેમ ચાલશે? ઊભાં રે ગોરી.

માગું રે સાયબા, પીપર કેરાં ફૂલ,

કે માગું રે કેર કેરાં પાંદડાં;

મળે રે ગોરી મોરી, પીપર કેરાં ફૂલ,

કે મળે કેર કેરાં પાંદડાં,

અવળાં રે ગોરી મોરી, અવળાં કાં બોલો,

અવળાં બોલ્યે ઘર કેમ ચાલશે? ઊભાં રે ગોરી.

માગું રે સાયબા, કાગળની વે’લ,

કે માગું રે સિંગ વિનાનો ડોળિયો;

મળે રે ગોરી મોરી, કાગળની વે’લ,

કે મળે સિંગ વિનાનો ડોલિયો,

અવળાં રે ગોરી મોરી, અવળાં કાં બોલો,

અવળાં બોલ્યે ઘર કેમ ચાલશે? ઊભાં રે ગોરી.

માગું રે સાયબા, હિંદવાણી રાજ,

માગું રે શોક્ય વિનાની સેજડી3;

હશે રે ગોરી મોરી, હિંદવાણી રાજ,

તો થાશે રે સોક્ય વિનાની સેજડી,

સવળું રે ગોરી મોરી, સાચું રે બોલ્યાં,

સવળું બોલ્યે ઘર ચાલશે. ઊભાં રે ગોરી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968