asopalawnan jhaD ho ramji - Lokgeeto | RekhtaGujarati

આસોપાલવનાં ઝાડ હો રામજી

asopalawnan jhaD ho ramji

આસોપાલવનાં ઝાડ હો રામજી

આસોપાલવનાં ઝાડ હો રામજી!

ત્યાં મારો હિંડોળો બંધાવો રે;

હિંડોળે બેસીને એવી રઢ લાગી,

દાદા, મારી ટીલડી ઘડાવો રે.

દાદાએ કરાવી, મારા મામાએ મઢાવી,

વીરલે મોતી મૂકાવ્યાં રે,

ટીલડી ચોડીને હું સાસરે ગઈ, ત્યાં

સાસુનાં મન મોહ્યાં રે.

વહુ રે વહુ, મારા રાધા વહુ રે,

ટીલડી કોણે ઘડાવી જો?

દાદાએ કરાવી, મારા મામાએ મઢાવી,

વીરલે મોતી મૂકાવ્યાં જો!

ટીલડી ચોડીને હું તો જળ ભરવા ગઈ, ત્યાં

જળમાં ટીલડી ડૂબી જો;

મારા મહિયરના માછીડા બોલાવ્યા,

જળમાં જાળ નંખાવી જો!

જડી રે જડી, મારા કરમથી જડી,

મારી રુપલી રે ટીલડી જો!

આસોપાલવનાં ઝાડ હો રામજી!

ત્યાં મારો હિંડોળો બંધાવો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968