anan 3 - Lokgeeto | RekhtaGujarati

આણાં-3

anan 3

આણાં-3

મારે તે આંગણે લીંબડી,

કંઈ પંખી બેઠાં ચાર, હળવા રો’ને.

અળખામણીનાં આંણલાં આવ્યાં,

કંઈ આવ્યા લોકોલોક, હળવા રો’ને.

હોળી ચોળીને માથાં ગૂંથિયાં,

એને ચોટલે ઝાઝી લીખ, હળવા રો’ને.

ડાબા તે હાથમાં દીવડો,

એના જમણા હાથમાં થાળ, હળવા રો’ને.

રમઝમ કરતાં મેડે ચડ્યાં,

ઠાકોરિયા લેવને દાણ, હળવા રો’ને.

બેઠા ઊતા તેના સૂઈ ગયા,

ઠાકોરિયે ના ઝીલ્યાં, દાણ, હળવા રો’ને.

રમઝમ કરતાં ઊતર્યાં,

એની સહિયર પૂછે વાત, હળવા રો’ને.

કેવી સહિયર તારી સાસરી,

તને કેવો મળ્યો ભરથાર? હળવા રો’ને.

બળી સહિયર મારી સાસરી,

મારો છૂટી પડ્યો અવતાર! હળવા રો’ને.

મારે તે આંગણે લીંબડી,

કંઈ આવ્યા દિયર-જેઠ, હળવા રો’ને.

હોળી-ચોળીને માથાં ગૂંથિયાં!

એને સેંથલે શેર સિંદૂર! હળવા રો’ને.

ડાબા તે હાથમાં દીવડો,

એના જમણા હાથમાં થાળ, હળવા રો’ને.

રમઝમ કરતાં મેડે ચડ્યાં,

ઠાકોરિયા લેવને દાણ, હળવા રો’ને.

સૂતા ઊતા તેના બેઠા થયા,

ઠાકોરિયે લીધું દાણ, હળવા રો’ને.

રમઝમ કરતાં ઊતર્યાં,

એની સહિયર પૂછે વાત, હળવા રો’ને.

કેવી સહિયર તારી સાસરી,

તને કેવો મળ્યો ભરથાર, હળવા રો’ને.

સારી સહિયર મારી સાસરી,

મને સારો મળ્યો ભરથાર, હળવા રો’ને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957