amblo ropyo - Lokgeeto | RekhtaGujarati

આંબલો રોપ્યો

amblo ropyo

આંબલો રોપ્યો

દુર્વાસા ઋષીયેં ગોટલી મેલી, એમાં મેલી ગાર,

પકવી આલો પાંડવો, મારે કરવી છે ફરાળ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ.

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

ઘઉં ચણાની ગોટલી, ને ત્રીજી શેકેલ શાળ;

ધરમનો આંબો રોપિયો, ને ધર્યાં હરિનાં ધ્યાન;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

ભીમને તો ભાવ ઘણેરા, ને ભલે પધાર્યા ગોર;

સમરણ કીધું શામળાનું, તો આંબે આવ્યો મોર;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

અર્જુનને તો આદર ઘણેરા, ને નત્ય ભજે ભગવાન,

સમરણ કીધું શામળાનું, તો આંબે આપ્યાં પાન;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ.

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

નેકુળને તો નીમ ઘણેરાં, ને નત્ય ભજે ભગવાન,

સમરણ કીધું શામળાનું, તો ચાખડિયે ખખડાટ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ.

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

સ’દેવને તો શારદા ઘણેરી, ને લીધી પોથી હાથ,

સમરણ કીધું શામળાજીનું, તો ફળ થયાં છે શાખ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

સતી ધ્રપતીને સત ઘણેરાં, ને લાંબી કાઢી લાજ,

કર જોડીને ઉભાં રિયાં, તો ફળ થયાં હજાર;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ.

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

થાળ ભરી આંબો વેડિયો, ને કરો ઋષી ફરાળ,

હાથનો વેડેલ આંબલો, મારે ફળ આવે કામ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ.

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

માતા કુંતાનાં સત ઘણાં, ને અવલખી અવતાર,

પાંડવ જઈને પગે પડ્યા, તો ફળ ખર્યાં હજાર;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

ઋષી જમાડીને રાજી કીધા, ને બીડલે વેંચ્યાં પાન,

સતને કારણે સાંભળે, એનાં સત રાખે ભગવાન;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

આંબલો રોપ્યો આજ, રાખો તમે લખમીના વર લાજ;

પાંડવને ઘેર આંબલો રોપ્યો આજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968