adhraye ele kankan nakhi re - Lokgeeto | RekhtaGujarati

અધરાયે એળે કાંકણ નાખી રે

adhraye ele kankan nakhi re

અધરાયે એળે કાંકણ નાખી રે

સોન કોદાળી રૂપલા પાવડો, અધરાજા નવાણ ગળાવે રે.

સોના ઇંઢોણી રૂપા બેડલું, રુક્ષ્મણી પાણી નિહાર્ય રે.

અધરાજે એળે કાંકર નાખી, નંદવ્યું મારું સોનલા બેડું રે.

રોતાં રુસવતાં દીકરી ઘેર આવ્યાં, આવી ઊભાં દાદાને દરબાર રે.

દાદાએ દીકરી કહીને બોલાવીયાં, કહોને દીકરી, કોણે દીધી ગાળ રે?

દાદા કોઈએ નથી દીધી ગાળ, દાદા કોઈએ નથી દીધી ભેળ રે.

ઓલી તે નગરીનો અધરાજા, એણે એળે કાંકર નાખી રે.

નંદવ્યું મારું સોનલા બેડું, દાદા નંદવ્યું મારું સોનલા બેડું રે.

આગળ દાદા ને પાછળ દીકરી, અધરાયને ગોતવા જાય રે.

પહેલી તે પોળમાં પેસતાં, સામી મળી કુંવારિકા ચાર રે.

ચારેના હાથમાં કંકાવટી, જાણે ગોર્યો પૂજવા જાય રે.

શુકન ભલેરાં થાય, દાદા શુકન ભલેરાં થાય રે.

બીજી તે પોળમાં પેસતાં, સામી મળી ગવતરી ચાર રે.

ચારે જવ ચરવા જાય, શુકન ભલેરાં થાય રે.

ત્રીજા તે પોળમાં પેસતાં, સામી મળી વહુવારુ ચાર રે.

ચારેના હાથમાં બેડલાં, તો જળ ભરવા જાય રે.

શુકન ભલેરા થાય, દાદા શુકન ભલેરા થાય રે.

ચોથી તે પોળમાં પેસતાં, સામા મળ્યા નિશાળિયા ચાર રે.

ચારેના હાથમાં પોથિયું રે, ચારે વેદ ભણતા જાય.

શુકન ભલેરા થાય, દાદા શુકન ભલેરા થાય રે.

પાંચમી પોળમાં પેસતાં, સામી મળી અધરાયની ઘોડી રે.

ઊભા રહો, ઊભા રહો અધરાય, તમને પરણાવું મારી છોડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966