abola - Lokgeeto | RekhtaGujarati

અબોલા

abola

અબોલા

ઓ રંગરસિયા! કાં રમી આવ્યા રાત જો?

આંખલડી રાતી રે બહુ રે ઉજાગરા રે લોલ.

અમે ગયા ’તા ગોરી! માનેતીને મો’લ જો,

સોગટડે રમતાં વાણલાં વાઈ ગયાં રે લોલ.

ઓ મોરી સૈયર! દાતણ આલતાં જાવ જો,

અબોલા લીધા રે બાળાવેશમાં રે લોલ.

ઓ મોરી સૈયર! દાતણ આલતાં જાવ જો,

દાતણની મોશે રે મૂરખ બોલશે રે લોલ.

એ રે મૂરખડે હાથે દાતણ લીધાં જો....અબોલા.

ઓ મોરી સૈયર! ભોજન આલતાં જાવ જો,

ભોજનની મોશે રે મૂરખ બોલશે રે લોલ.

એ રે મૂરખડે હાથે ભોજન લીધાં જો....અબોલા.

ઓ મોરી સૈયર! ખરી બપોરે પાણી જજો જો,

દાઝણની મોશે રે મૂરખ બોલશે રે લોલ.

સૈયર મોરી ખરી બપોરે પાણી ચાલ્યાં જો,

ઓ મોરી ગોરી! મોજડી પે’રતાં જજો જો.

પગનાં તળવાં દાઝશે રે લોલ!