abhimanyuno parajiyo - Lokgeeto | RekhtaGujarati

અભિમન્યુનો પરજિયો

abhimanyuno parajiyo

અભિમન્યુનો પરજિયો

ઓય રે! અભેમન રણવાટે જાય, ભાલા ઝાલ્યા રે અર્જુન ભીમના-

ઓય રે! બાવા! ધડુકીઓ મેઘ, દે દૈત્યનાં દળ જોને ઉમટ્યાં :

ઓય રે! બાવા ઉંચી મેડી રે આસમાન, ત્યાં રે ઢળાવો બાઈનો ઢોલિયો.

ઓય રે! બાવા! શરદ પૂનમ કેરી રાત, શમણાં લાગ્યાં રે રાણી ઓતરા :

ઓય રે! દીકરી, સ્વપ્નું છે આળ પંપાળ, સ્વપ્નું પડજો રે સૂકે લાકડે.-

ઓય રે! માડી, બીજા બીજા પહોરની રાત, સ્વપ્નું લાગ્યું રે રાણી ઓતરા.

ઓય રે! દીકરી, વાંઝિયો પામે કંઈ પુત્ર, જાગી જુએ ત્યારે કંઈ નહીં !

ઓય રે! માડી ચોથા પહોરની રાત, સ્વપ્નાં લાગ્યાં રે રાણી ઓતરા :

ઓય રે! માડી, મેલ્યો પાટણવાડો દેશ, આવ્યો નાયકડો નવલા વેષનો

ઓય રે! દીકરી, સાંઢડીની કોટે ઘૂઘરમાળ, નાયકડાને કાને રે વાળીઓ :

ઓય રે! વીરા, પોળીડા, રે પોળ ઊધેડ, ઓતરાને આણા આવિયાં.

ઓય રે! ડોશીડા રે, હાડ ઊઘેડે, ઓતરાને ચુંદડીઓ વહોરવી.

ઓય રે! એની ચુંદડીઓ રોળાઈ રોળાઈ જાય, કાળાં કાસમીયાં આવે બાઈના હાથમાં.

ઓય રે! જોશીડા રે જોષ જોઈ આપ, ઓતરાને સાસરે વળાવતી :

ઓય રે! કંકુડાં રોળાઈ રોળાઈ રોળી જાય, કંકુનાં ફીટી શાહીનાં ઊઘડ્યાં !

રસપ્રદ તથ્યો

આ લોકગીત સ્વ. રમણલાલ દેસાઈએ, પોતે વીજાપુર વહીવટદાર હતા ત્યારે, એક બારોટણ બહેન પાસેથી મેળવ્યું હતું અને મને આપ્યું હતું. –સંપાદક.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963