sandesho - Lokgeeto | RekhtaGujarati

સંદેશો

sandesho

સંદેશો

મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.

વા’લાજીના દેશ, રૂડા આંબાનાં ઝાડ છે; ડાળે બેસીને ટહુકજે;

મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં,

જા તો સંદેશો જઈ ને કહેજે, મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં,

તમો વસો વા’લા, દેશ પરદેશમાં, અમો વસીએ એકલ વાસમાં રે;

મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.

તમો વિનાના સુનાં આંગણિયાં, વળી સુનાં છે હૈયાં આવાસ રે,

મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.

કરૂં ઉજાગરા, ને વાટડી જોઉં, હજુ આવ્યા દીનાનાથ રે,

મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.

ઝૂરી, ઝૂરીને, ઝેર થયાં છે, છેલુકા મળવાની આશ રે,

મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.

આટલો સંદેશો જઈને કે’જે, મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968