winjhno lyo - Lokgeeto | RekhtaGujarati

વીંઝણો લ્યો

winjhno lyo

વીંઝણો લ્યો

ઢોલાજી ચાલ્યા ચાકરી રે, ઢોલાજી વીંઝણો લ્યો;

મને સાથે તેડતા જાવ રાજ, ઢોલાજી, જાવ રાજ!

ઢોલાજી, વીંઝણો લ્યો.

શિરપેચ સરખી વાંકડી, ઢોલાજી વીંઝણો લ્યો;

તારી પાઘડીમાં રમતી આવું રાજ, ઢોલાજી,

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

વાઘનખ સરખી વાંકડી રે, ઢોલાજી વીંઝણો લ્યો,

તારા હૈયામાં રમતી આવું રાજ, ઢોલાજી,

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

ઢાલ તે સરખી વાંકડી, ઢોલાજી વીંઝણો લ્યો;

તારા ખભામાં રમતી આવું રાજ, ઢોલાજી

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

કટાર તે સરખી વાંકડી, ઢોલાજી વીંઝણો લ્યો,

તારી ભેટ્યમાં રમતી આવું રાજ, ઢોલાજી;

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

તલવાર તે સરખી વાંકડી, ઢોલાજી વીંઝણો લ્યો,

તારી કેડમાં રમતી આવું રાજ, ઢોલાજી,

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

સોટી તે સરખી પાતળી, ઢોલાજી વીંઝણો લ્યો,

તારા હાથમાં રમતી આવું રાજ, ઢોલાજી;

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

સુડી તે સરખી વાંકડી, ઢોલા વીંઝણો લ્યો,

તારા ખીસામાં રમતી આવું રાજ, ઢોલાજી

આવું રાજ, ઢોલાજી વીંઝણો લ્યો.

મોજડી તે સરખી વાંકડી, મારૂજી વીંઝણો લ્યો;

તારા પગમાં રમતી આવું રાજ, ઢોલાજી

આવું રાજ, ઢોલાજી વીંઝાણો લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 283)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968