ranakdewDi - Lokgeeto | RekhtaGujarati

રાણકદેવડી

ranakdewDi

રાણકદેવડી

વાગ્યા વાગ્યા રે કાંઈ જાંગીના ઢોલ રે,

રાજાને ઘેર કુંવરી અવતર્યાં.

તેડાવો કોઈ જાણતલ તે જોશી રે,

કુંવરીના જોશ જોવડાવો;

પહેલો વાહો રે એના દાદાને ભારે રે,

બીજો વાહો એના મામાને.

ત્રીજો વાહો એના કાકાને ભારે રે,

ચોથો વાહો રે એની કાકીને.

પાંચમો વાહો રે એના વીરાને ભારે રે,

છઠ્ઠો વાહો એની ભાભીને રે,

મંગાવો મંગાવો કોઈ દખણનાં ચીર રે,

કુંવરીને ભો’માં ભંડારિયાં.

ઓઝો-ઓઝી કાંઈ ધૂળ ખોદવા જાય રે,

ધૂડ ખોદંતા બાળક લાધિયાં.

ઘેલી ઓઝી રે, બાળક ખંખેરી લેજે રે,

વાંઝિયાં મેણાં રે આપણાં ભાંગિયાં.

ઘેલા ઓઝા ઘેલડીઆ શાં બોલો રે,

થાન વિનાનાં બાળ ક્યમ ઊઝરે.

લેજે લેજે રે કાંઈ ચારે સતીનાં નામ રે,

ટચલી આંગળીએ ધાવણ છૂટિયાં,

ઓઝો ઓઝી બાળક લઈ ઘેર આવિયાં રે,

ઘેર જઈ ઝાંપલાં રે દઈ દીધાં;

ઘોડાં છૂટ્યાં રે, કાંઈ રાજાની છડી રે,

ઓઝાને ઘેર ઘોડી જઈ ચડી.

ઘોડી હાંકી રે કાંઈ હાંકી ઓઝાની કુંવરીએ રે,

કંકુના થાપા પડી રહ્યા;

ઘેલા ઓઝા, કાંઈ ઝાંપલિયાં ઉધેડ રે,

તારી તે કુંવરીનાં માંગા આવિયાં.

ઘેલા રાજા તમે ઘેલડિયાં શાં બોલો રે?

તમે રે રાજા, ને અમે દુભિયાં;

પરણે પરણે રે કાંઈ રા’ ને ખેંગાર રે,

રાણામાં પરણે રે રાણકદેવડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968