mahiyari maline chali mahi - Lokgeeto | RekhtaGujarati

મહિયારી મળીને ચાલી મહી

mahiyari maline chali mahi

મહિયારી મળીને ચાલી મહી

મહિયારી મળીને ચાલી મહી વેચવા,

મધ શી રાધા રૂપ તણો ભંડાર જો;

ગોપીજન કોણ કોણ સંગે હતાં,

કરવો તેના નામ તણો ઉચ્ચાર જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

લલિતાજી, ચંદ્રભાગા, ચંદ્રાવલી,

ચંપકલતા, વિશાખા, લીરની વૃંદા જો;

રસિકકલા, રસિક રસની રેલમાં,

મધુરુખિણી, પ્રવિણા, પ્રેમદા, ગંગા જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

આઠે સખી ચાલી સહુ સમજણી,

મનમાં મોહન મળવા તણો ઉચાટ જો;

સખી, દામા, ફુલહંસા, મધુ માધવી,

સરખે સરખી લીધી વ્રજની વાટ જો;

મહિયારી મળીને ચાલી મહી વેચલા.

કોઈ કે’, શ્યામ ઘાટે હશે શામળો,

કોઈ કે’, કદમખડીમાં ભેળાં થાશું જો;

કોઈ કે’, દાણની વાટે એને દેખશું,

કોઈ કે’, આપણ બંસીબટમાં જોશું જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

તે સમે શ્રી ગોવરધનની તળેટીમાં,

અંતરજામીએ કીધો વેણ નાદ જો;

ગાય મશે ગિરિ ચડ્યા ગોપાળ ત્યાં,

સમજણ કરવા કીધો લાંબો સાદ જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

સરવે સખી ગિરિ ચડ્યાં ગોવરધન ભણી,

લાગી તાલાવેલી, ભૂલી સૌ ભાન જો;

મારગડો મેલો રે મોહન લાલજી,

મનમાં આતુરતા, ને પ્રગટ્યું માન ગુમાન જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

કૃષ્ણ કહે, દાણ દધીનાં લાગશે,

અધર ડસીને ચોંટી લીધી ગાલ જો;

બોલ ખરું, તારા ગોરસનું શૂં મૂલ છે?

મૂલ ચૂકવીને લેશું તારો માલ જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

મારી મટકીમાંથી મોંઘાં મહી તો છલકાશે,

આઘા રહો, અલબેલા, કરો આળ જો;

વાત કરો અળગા રહી અલબેલડા,

નઈં તો ખાશો મારા મુખની ગાળ જો;

મહિયારી મળીને ચાલી મહી વેચવા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 259)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968