kyanna maheman? - Lokgeeto | RekhtaGujarati

ક્યાંના મહેમાન?

kyanna maheman?

ક્યાંના મહેમાન?

મારા ફળીમાં એક આંબલો, આંબલો ઘોર ગંભીર જો,

ઊંચી તે ઊંચી હું ચડી, જોઉં મારા માડીજાયાની વાટ જો.

ભાલમાં ઝબક્યાં રે ભાલસરાં, પછવાડે ઝબક્યાં પલાણ જો,

ચોરે તે ચમકી મોજડી, ઓરડિયે અબીલ ગલાલ જો.

ઢોલિયા ઢાળે રે વહુ ઉતાવળાં, આવ્યા મારા નવલા વેવાઈ જો.

ઢોલિયા ઢાળીને વહુ ઊભાં રિયાં, કો’ને બાઈજી ક્યાંના મેમાન જો?

વચલી કોઠીના ઘઉં ઝીણા દળજો, પછી પાડીએ મેમાનોની વિગતું જો,

ઘઉંડા દળીને વહુ ઊભાં રિયાં, કો’ને બાઈજી, ક્યાંના મે’માન જો?

વાસીદાં વાળો રે વહુ ઉતાવળાં, પછી પાડીએ મેમાનોની વિગતું જો,

વાસીદાં વાળીને વહુ ઊભાં રિયાં, કો’ને બાઇજી, ક્યાંના મે’માન જો?

પાણી ભરો રે વહુ ઉતાવળાં, પછી પાડીએ મેમાનોની વિગતું જો,

પાણી ભરીને વહુ ઊભાં રિયાં, કો’ને બાઈજી, ક્યાંના મેમાન જો?

મેમાન વળાવા બાઈજી હાલ્યાં, વઉ પૂછેછે મેમાનની વાત જો,

મેમાન વળાવી બાઈજી આવિયાં, કો’ને બાઈજી, ક્યાંના મેમાન જો?

કરડી ઘોડી રે વહુ તારા કાકાની, મરડી ઘોડી રે તારા મામાની જો,

રોઝી ઘોડી રે વહુ તારા દાદાની, તેજણ ઘોડીએ તારો વીરોજી જો.

ફટ રે સાસુડી ગોઝારણ, પાડિયું મેમાનોની વિગતું જો,

જો રે સરજી હોત ચરકલડી, મારા વીરને ભાલે બેસી જાત જો.

જો રે સરજી હોત વાદલડી, મારા વીરને છાંય કરતી જાત જો,

મારી ફળીમાં એક આંબલો, આંબલે ચડી પછાડી ખાઈશ જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 299)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968