chakari - Lokgeeto | RekhtaGujarati

ચાકરી

chakari

ચાકરી

ઊઠ દાસી, દીવડિયા અજવાળ રે,

કાગળિયાં આવ્યાં માઝમ રાતના રે લોલ.

બાળી બાળી અધમણ રૂની દિવેટ રે,

સવા મણ તેલે પ્રગટી રે લોલ.

લખી લખી ચારે કોર સલામ રે,

વચમાં તે વેરણ ચાકરી રે લોલ.

ચાકરીએ જેઠજીને મેલો રે,

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ.

જેઠ ઘેર જેઠાણી ઘમ્મર ઘોડો રે,

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ.

ચાકરીએ દીયરજીને મેલો રે,

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ.

દીયર ઘરે દેરાણી નાનું બાળ રે,

મહેલોમાં બીકું એને લાગશે રે લોલ.

ઊભી જઈ અટારી મોઝાર રે,

પિયુજી ક્યારે પાછા આવશે રે લોલ?

ગોખે ચડી જોજો તમે વાટ રે,

છઠે ને માસે ઘરે આવશું રે લોલ.

લીલી ઘોડી પાતળિયો અસવાર રે,

પાતળિયો ચાલ્યા ચાકરી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968