kalo chaDiyo kali kanthino meh - Lokgeeto | RekhtaGujarati

કાળો ચડિયો કાળી કાંઠીનો મેહ

kalo chaDiyo kali kanthino meh

કાળો ચડિયો કાળી કાંઠીનો મેહ

કાળો ચડિયો કાળી કાંઠીનો મેહ;

આજ રે ચડાઉ મેવલો વરસિયો.

પે’લો વરસ્યો મારા દાદાને દેશ;

પછી રે વરસ્યો મેવલો બધે દેશ. કાળો.

ઘરે આવજો મારી નણદીબાના વીરા;

આજ રે હાળીડે હોળ જોતર્યાં.

હોળે જોડયે તારા દીયોર અને જેઠ;

અમે રે પાડોસણના પરોણલા. કાળો.

ઘરે આવજો મારા નણદીબાના વીર;

આજ રે દાતણ વેળા થઈ ભલી.

દાતણ કરો રે તારાં છોરુડાં ને તૂં;

અમે રે પાડોસણનાં પરોણલા. કાળો.

ઘરે આવો મારી સાસુડી જાયા કંથ;

આજ રે નાવણિયા વેળા થઈ ભલી.

નાવણ નાજે રે તારા કટમી ને તૂં;

અમે રે પાડોસણના પરોણલા. કાળો.

વાવલીયા રે, તું મારો માડીજાયો વીર;

ઉડાડયે પાડોસણ કેરાં છાપરાં.

વિજલડી, તું મારી મા-જણી બોન;

બાળ્યે રે પાડોશણનાં છાપરાં.

મેવલિયા તું મારો માડીજાયો વીર;

તાણ્યે રે પરાં પાડોશણનાં છાપરાં. કાળો.

ખડકી ઉઝેડો નાના છોરુડાંની માડી

ઘોડલિયો ભેંજાશે સવા રે લાખનો.

નેંચી ઉતરું તો મને કરડે કાલો નાગ

સાંકોળે સરપેણું દે ઘુઘવાટ. કાળો.

રસપ્રદ તથ્યો

ઉત્તર ગુજરાત અને વઢિયાર તથા બનાસકાંઠા જીલ્લાની સરહદે છૂટીછવાયી વસેલી આંજણાં કોમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. સુદૃઢ શરીરના બાંધા સાથે કુદરતે તેમને સૌન્દર્ય આપ્યું છે તેમનામાં શિક્ષણ ઓછું હોવાને કારણે ઘણી વિશેષ પ્રકારની સામાજિક રૂઢિઓમાં જકડાઈ રહેવું પડે છે. કચ્છના રણની નજીક હોવાથી આ પ્રદેશની જમીન ખારાશ પડતી છે. ભાંભળાં અને ખારાં પાણી પીનાર માનવોનાં મન મીઠાશથી ભરેલાં છે. સ્વામાન પ્રિય અને આદરસત્કારવાળું જીવન જીવતી આ કોમ લોકમાતા કુંવારકા નદી સરસ્વતીને આદરપૂર્વક માને છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 269)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966