sat soparine panman biDan - Lokgeeto | RekhtaGujarati

સાત સોપારીને પાનમાં બીડાં

sat soparine panman biDan

સાત સોપારીને પાનમાં બીડાં

સાત સોપારીને પાનમાં બીડાં,

કે જાવ રે જોશીઘેર પૂછવા રે!

જોશી કે રૂડા જોશ જોઈ આલ,

કે મુરત આલ વેગળાં.

પડવે રે રાજા પડતેરો દા’ડો,

કે બીજે ગામ ચાલીએ રે!

બીજ રે રાજા અસાડી બીજ,

કે તરીજે ગામ ચાલીએ રે!

ત્રીજ રે રાજા તેતરી તરીજ,

કે ચોથે ગામ ચાલીએ રે!

ચોથ રે રાજા ગણેશ ચોથ,

કે પાંચમે ગામ ના ચાલીએ રે!

પાંચમ રે રાજા નાગપાંચમ,

કે છઠે ગામ ચાલીએ રે!

છઠ રે રાજા રાંધણછઠ,

કે સાતમે ગામ ચાલીએ રે!

સાતમ રે રાજા શીયોળ સાતમ,

કે આઠમે ગામ ચાલીએ રે!

આઠમ રે રાજા ગોકળા આઠમ,

કે નૂમે ગામ ચાલીએ રે!

નૂમ રે રાજા અખા નૂમ,

કે દશમે ગામ ચાલીએ રે!

દશમ રે રાજા દહરાનો દા’જો,

કે અગ્યારશે ગામ ચાલીએ રે!

અગ્યારશ રે રાજા મોટાનાં વરત,

કે બારશે ગામ ચાલીએ રે!

બારશ રે રાજા પારણા બારશ,

કે તેરશે ગામ ચાલીએ રે!

તેરશ રે રાજા ધનતેરશ,

કે ચૌદશે ગામ ચાલીએ રે!

ચૌદશ રે રાજા કાળીચૌદશ,

કે અમોવસે ગામ ચાલીએ રે!

અમોવસ રે રાજા દિવાળીનો દા’ડો,

કે ઘેર ઘેર દીવા પરગટિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957