sami dariyani teDe - Lokgeeto | RekhtaGujarati

સામી દરિયાની તેડે

sami dariyani teDe

સામી દરિયાની તેડે

સામી દરિયાની તેડે સાંઢો ચરે,

માના જાયા મામેરે આય,

હું યે નથી કાંઈ માગતી.

મારા સસરાને લાય રૂડા ડગલા,

સાસુડીને સાડલાની રીત,

હું યે નથી કાંઈ માગતી.

મારા જેઠને લાય રૂડાં ઘોડલા,

જેઠાણીને દખણીનાં ચીર,

હું યે નથી કાંઈ માગતી.

મારા દિયેરને લાય રૂડાં સોગઠાં,

દેરાણીને ગંચોળાની રીત,

હું યે નથી કાંઈ માગતી.

મારી નણદીને લાય રૂડાં ઢેગલાં,

નણદોયાને ખાસડાંની રીત,

હું યે નથી કાંઈ માગતી.

મારા કટમમાં લાય રૂડાં કાપડાં,

પરનાતને સોપારીની રીત,

હું યે નથી કાંઈ માગતી.

મારા ગોરજીને લાય રૂડાં ધોતિયાં,

ગોરાણીને અબોટિયાની રીત,

હું યે નથી કાંઈ માગતી.

તમારા જમાઈને લાય રૂડાં વેડિયાં,

તારી બેનીને સોળ શણગાર,

હું યે નથી કાંઈ માગતી.

વીરા! એટલું મળે તો વેલા આવજો,

નકે રે’જો તમારા ઘેર,

હું રે સંતોષણ બેનડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 258)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957