welyun chhutiun re wira waDina waD hethya - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વેલ્યું છૂટીઉં રે વીરા વાડીના વડ હેઠ્ય

welyun chhutiun re wira waDina waD hethya

વેલ્યું છૂટીઉં રે વીરા વાડીના વડ હેઠ્ય

[ઊભા ઊભા ગાવાનો એક તાળીનો રાસડો]

વેલ્યું છૂટીઉં રે વીરા વાડીના વડ હેઠ્ય,

ધોળીડા બાંધ્યા રે વડને વાંકીએ.

ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્ય,

વચલી પાણિયારે વીરને ઓળખ્યો.

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર,

બાપની બોલાશે વીરને ઓળખ્યો.

વીરા ચાલો રે દખણી બેનીને ઘેર,

ઉતારા દેશું ઊંચા ઓરડા.

વેલ્યું છોડજો રે વીરા! લીલા લીંબડા હેઠ,

ઘોળીડા બાંધજો રે વચલે ઓરડે.

નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય,

ઉપર નીરીશ રાતી શેરડી.

રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર,

પાંશેર રાંધીશ કાજુ ખીચડી.

પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચંદ,

ઉપર આદું ને ગરમટ આથણાં.

જમશે જમશે રે મારો માડીજાયો વીર,

ભેળી બેસશે રે એક બેનડી.

ઊંચી મેડી રે વીરા ઊગમણે દરબાર,

તિયાં રે ઢળાવું તારા ઢોલિયા.

પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર,

પાસે બેસે રે એક બેનડી.

કરજે કરજે રે બેની સખદઃખની વાત,

ઘેર જાશું તો માતા પૂછશે.

ખાવી ખાવી રે વીરા ખોરુડી જાર,

સૂવું રે માડીના જાયા સાથ રે.

બારે બારે વરસે રે વીરા માથડિયાં ઓળ્યાં,

તેર વરસે રે તેલ નાખિયાં.

મેલો મેલો રે બેની તમારલા દેશ,

મેલો બેની તમારાં સાસરાં.

વીરા વીરા રે બેની માસ માસ,

આખર જાવું રે બેનને સાસરે.

ભરવાં ભરવાં રે વીરા ભાદરુંનાં પાણી,

ભાદરની રેલે બેની તણાઈ ગયાં.

ને કાંઠે રે વીરો રહ રહ રુએ,

ઓલ્યે કાંઠે રુએ એની માવડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ