aambo - Lokgeeto | RekhtaGujarati

આંબો

aambo

આંબો

આંબો અખંડ ભુવનથી ઊતર્યો,

વ્રજભૂમિમાં આંબાનો છે વાસ;

સખિરી, આંબો રોપીઓ.

ભરમાએ ચાર તે પતર લખિયા,

મુની નારદે કીધી છે જાણ;

સખિરી, આંબો રોપીઓ.

વાસુદેવજીએ બીજ રોપિયાં,

થયાં દેવકી ખેતર પરકાશ;

સખિરી, આંબો રોપીઓ.

આંબે જશોદાજીએ જળ સિંચિયાં,

ગોપ ગોવાળ સૌ આંબાના રખવાળ:

સખિરી, આંબો રોપીઓ.

દાદશ કંધ આંબા કેરાં ફળ ઠર્યાં,

ત્રણસેં પાંસઠ અધ્યા છે ડાળ:

સખિરી, આંબો રોપીઓ.

એક હજાર શલોકો છે તીરખાં,

અકસર લખ્યાં આંબે છે પાન:

સખિરી, આંબો રોપીઓ.

કલપવૃક્ષમાંથી રે આંબો દૂઝિયો,

એની ચૌદ ભુવનમાં છે છાંયઃ

સખિરી, આંબો રોપીઓ.

તેંતાળીશ દરશન કેરાં આંબે ઝૂમખાં,

શ્રીજી ભાગવત કેરાં છે આંબે ફળઃ

સખિરી, આંબો રોપીઓ.

તે ફળ વેડીને શુકદેવજી લઈ ગયા,

પરક્ષત બેઠા છે ગંગાજીને તીર:

સખિરી, આંબો રોપીઓ.

એનો રસ રેડ્યો છે પરક્ષત કરણમાં,

ઘણો અનુગરહનો છે આધાર:

સખિરી, આંબો રોપીઓ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968