aaj re sapnaman mein to Dolta Dungar ditha jo - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો

aaj re sapnaman mein to Dolta Dungar ditha jo

આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો

આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો,

ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો,

દહીંદુધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો લવીંગ લાકડી દીઠી જો,

ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,

સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે,

આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો,

તુળસીનો કયારો રે, સાહેલી, મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,

ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારા સપનામાં રે,

ડોલતા ડુંગર તો અમારો સસરો જો,

ખળખળતી નદીએ રે સાસુજી મારાં નાતાં'તાં રે,

ઘમ્મરવલોણુ તો અમારો જેઠ જો,

દહીં—દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં'તાં રે,

લવીંગ લાકડી તો અમારો દેર જો,

ઢીંગલે ને પોતિયે દેરાણી મારાં રમતાં’તાં રે,

જટાળો જોગી તો અમારો નણદોઈ જો,

સોનાની થાળીએ રે નણંદી મારાં ખાતાં'તાં રે.

પારસ પીપળો તો અમારો ગોર જો,

તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટા તો અમારો પરણ્યો જો,

ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981