shauryawtina wilap - Lavni | RekhtaGujarati

શૌર્યવતીના વિલાપ

shauryawtina wilap

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
શૌર્યવતીના વિલાપ
ઝવેરચંદ મેઘાણી

(ઢાળ : 'ધન્ય હો ધન્ય પુણ્ય પ્રદેશ' - લાવણીનો)

કંથનાં કોમળ દિલ ક્યમ કર્યા!

પ્રભુ! શીદ કાયર ભાવો ભર્યા!

મહા જ્વાલામુખી જ્યમ બુઝાય,

સિંધુજળ ઠરી ઠરી થીજી જાય;

આભથી તારક-મંડળ ખરે,

હિમગિરિ-શૃંગો ઉથલી પડે;

નિહાળી ગગનપતિની આંખ

ગરુડ સંકેલી બેસે પાંખ :

ગાઢ એહવાં હૈડાં પિયુનાં આજે ડગમગ થાય;

ગગન લગી ગજવેલાં એનાં શૌર્યગાન શોષાય.

કંથનાં કોમળ દિલ ક્યમ કર્યાં!

પ્રભુ! શીદ કાયર ભાવો ભર્યા!

રાખતો સદા રાતૂડાં નેન,

ભર્યા ભરપૂર કલ્પનાઘેન;

વીંઝતો જહીં વાણ-સમશેર,

ઊમટતા રણરસિયાના ઘેર;

મનાયો મહા શૌર્યચકચૂર,

મદોન્નત મેંગળ, ગાંડોતૂર :

તારાં તપ ડોલાવણ પાપી કોણ હૃદયમાં જાગે!

રોમ રોમ મુજ લજ્જિત દેહે ઝળળળ ઝાળો લાગે.

પિયુનાં પોચાં દિલ કાં કર્યાં!

પ્રભુ! ક્યમ કાયર ભાવો ભર્યા!

લલિત લાગણીઓના લલકાર

છોડ : ખંજરી બજાવે કાળ;

ચોયદિશ યુદ્ધધખારા ઝરે,

પુષ્પ-શા માતબેટડા મરે;

મોજ શેં સૂઝે તને મસાણ?

આગ બિચ ક્યમ ગમતી ફૂલલ્હાણ?

રસતરસ્યા! મધુરજનીને આજ સંભારાય;

પ્રલયદેવનાં ડહકત ડમરુ, ત્યાં મુજ મનડું ધાય.

કંથનાં કોમળ દિલ ક્યમ કર્યાં!

પ્રભુ! શીદ કાયર ભાવો ભર્યા!

દેખી ઘનઘટા મોરલો ધાય

ગગન કડકડે તેમ મલકાય;

વીજના વજ્રઘાત વરસન્ત,

પંખી ત્યમ અધિક મસ્ત હર્ષન્ત;

ઢેલડી એહ રૂપ પર ઢળે,

ટહુકતી પ્રણયવારણે લળે :

હુંય ટહુકાર અંતરે ભરી જોઉં છું વાટ;

રુદ્રરૂપ વહાલમજી, તારાં તલખું વરવા માટ!

કંથનાં કોમળ દિલ કાં કર્યાં!

પ્રભુ! શીદ કાયર ભાવો ભર્યા!

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 288)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997