sahu chalo jiwta jang - Lavni | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સહુ ચલો જીતવા જંગ

sahu chalo jiwta jang

નર્મદ નર્મદ
સહુ ચલો જીતવા જંગ
નર્મદ

(લાવણી)

સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે;

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. ટેક.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,

શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;

હજિ સમય નથી આવિયો, કહી દિન ગાળે,

જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;

ઝંપલાવવાથી સિદ્ધિ, જોઇ બળ લાગે,

યા હોમo સહુ ચo યા હોમo

સાહસે કર્યો પર્શુએ પુરો અર્જુનને,

તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;

સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,

સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;

થઈ ગર્દ જંગમાં મર્દ હકક નિજ માગે,

યા હોમo સહુ ચo યા હોમo

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,

સાહસે નેપોલ્યન ભિડ્યો, યુરપ આખામાં;

સાહસે લ્યુથર તે થયો, પોપની સામાં,

સાહસે સ્કોટે દેવુંરે, વાળ્યું જોતાંમાં;

સાહસે સિકંદર નામ, અમર સહુ જાગે.

યા હોમo સહુ ચo યા હોમo

સાહસે જ્ઞાતિના બંધ, કાપિ ઝટ નાંખો,

સાહસે જાઓ પરદેશ, બ્હીક નવ રાખો;

સાહસે કરો વેપાર, જમે બહુ લાખો,

સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;

સાહસે નર્મદા દેશ, દુ:ખ સહુ ભાગે,

યા હોમo સહુ ચo યા હોમo

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004