itihasni aarsi - Lavni | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(લાવણી)

રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?

કઈ સત્તા પર કૂદકા મારો? લાખ કોટિના ભલે ધણી.

લાખ તો મૂઠી રાખ બરાબર, ક્રોડ છોડશે સરવાળે;

સત્તા સૂકા ઘાસ બરાબર, બળી આસપાસે બાળે;

ચક્રવર્તી મહારાજ ચાલિયા, કાળચક્રની ફેરીએ;

સગાં દીઠા મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. (ટેક)

ક્યાં છે રાજ્યરાજન આગળનાં? દિવ્ય કહું જે દેવસ્થાન;

શોધ્યાં મળે સ્થાન, દશા કે મળે શોધ્યાં નામનિશાન.

લેવો દાખલો ઈરાનનો, જે પૂર્વ પ્રજામાં પામ્યું માન;

ચોગમ જેની ધજા ઊડી રહી. રૂમ, શામ ને હિંદુસ્તાન.

હાલ વ્હીલું વેરાન ખાંડિયર, શોક સાડી શું પ્હેરી એ?

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

ક્યાં જમશેદ, ફરેદુન, ખુશરો? ક્યાં અરદેશર બાબેગાન?

રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં? નહિ તુજને મુજને તે ભાન.

ખબર નહીં યુનાની સિંકદર, કે રૂમી સીઝર ક્યાં ગૂમ?

અવની કે આકાશ કહે નહિ, સારો ભવ મર મારે બૂમ.

હશે કહીંક તો હાથ જોડી ઊભા કિરતારકચેરીએ,

સગાં દીઠા મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

રામ, કૃષ્ણ, નરસિંહ, પરશુરામ, દશ અવતારો થયા અલોપ;

વિક્રમ જેવા વીર રાજનો, ખમે કાળનો કેવો કોપ?

ક્યાં મહમદ ગઝની? ક્યાં અકબર? રજપૂતવીર શિવાજી ક્યાં?

રાજપાટના ધણી ધુરંધર, આજ યુદ્ધની બાજી ક્યાં?

રાજમ્હેલમાં ઢોર ફરે, ને કબર તો કૂતરે ઘેરી એ;

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

ક્યાં નેપોલિયન ચીલઝડપિયો? જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ;

જાતિલોભનો ભોગ બિચારો, અંતે વલખાં મારે પંડ.

સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ સ્વપ્નાં કે સાચે ઇતિહાસ?

નહિ સમજાતું નિશ્ચયપૂર્વક, ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્વાસ.

વિજયરૂપી સળો શું લાગ્યો? વિજયવાયુ બહુ ઝેરી એ;

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

ક્યાં ગઈ ફૂટડી કિલઓપેટ્રા? ક્યાં છે એન્ટની સ્હેલાણી?

જંતુ ખાય કે વળગે જાળાં? ભમરા કીટ કહો કહાણી!

કબર ગીધડાં ખણે ખોતરે, શિયાળ સમાધિ પર બેસે;

સંત શરમથી નીચું જોયે, મહારાજા કોને કહેશે?

રાજ્યપતિ રજકણથી નાનો છે આયુષ આખેરીએ,

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ, કીર્તિકોટ આકાશ ચ્હડ્યા;

ખરતાં ખરતાં પથ્થર બારી, ચૂના માટીએ જકડ્યા.

દિલ્હી, આગ્રા, કનોજ, કાશી, ઉજ્જન ઉજ્જવલતા ન્હાસી,

રૂમ, શામ ને ઈરાન ઉજ્જડ, રડે ગળામાં લઈ ફાંસી.

તવારીખના ચિહ્ન કાંઈ, જાણે બધી મશ્કેરી એ;

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

દીઠાં અયોધ્યા, બેટ, દ્વારિકાં, નાથદ્વાર ને હરદ્વારી;

ઘરને આંગણે સુરત દેખતાં છાતી ધબકે છે મારી.

ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શા? હાય! કાળના કાળા કેર;

દખ્ખણ દુઃખમાં દેખી શત્રુની આંખ વિષે પણ આવે ફેર.

હજી જોવી શી બાકી નિશાની રહી રે વિનાશ કેરી એ?

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

કોટિગણા તુંથી મોટા તે ખોટા પડી ગયા વીસરાઈ:

શી તારી સત્તા, રે રાજા! સિંહ સમીપ ચકલી તું ભાઈ.

રજકણ તું હિમાલય પાસે, વાયુ વાય જરી જોરથકી,

ઈશ્વર જાણે ઊડી જશે ક્યાં? શોધ્યો મળવાનો નકી.

શક્તિ વ્હેમ, સત્તા પછડાયો : હા છાયા રૂપેરી એ,

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.

દ્રવ્ય મટોડું, હિંમત મમતા, ડહાપણ કાદવનું ડોળું;

માનપાન પાણી પરપોટો, કુળ-અભિમાન કહું પોલું.

આગળ પાછળ જોને રાજા-સત્તાધીશ કે કોટિપતિ,

રંક ગમે એવો દરદી પણ મરશે નહિ તે તારી વતી.

ભૂલઈ જવું મરવે, બહુ દુઃખ સર્જ્યું કાળ નમેરીએ;

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૦

કુલીન કુળમાં કજાત પુત્રો પ્રગટ દીસે દુનિયામાં;

બળિયા વંશજ જુઓ બાયલા, રોગી નિરોગી જગ્યામાં.

સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ, નીચેથી ઉપર ચઢતું,

ચઢે તે થકી બમણે વેગે પૃથ્વી પર પટકઈ પડતું.

શી કહું કાળ! અજબ બલિહારી? વિદુરમુખી તુજ લ્હેરીએ!

સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૧

રસપ્રદ તથ્યો

કવિની નોંધ : એક વાર આગ્રાથી સિકંદરા તરફ જતાં એક મુસલમાન બાઈ મારા જોવામાં આવી; તેના વિષે સામાન્ય રીતે કહેવાતું કે તે શાહ આલમની ઓલાદની છે. તે બાઈને મ્હોંડે બુરખો અને શરીર ઉપર ચીથરેહાલ જાભ્ભો હતો; છતાં તેની કાન્તિ એવી તો સુકુમાર હતી કે કોઈ પણ તેને રાજકુંવરી ધારે. બીજી વાર, બીજાપુરની પાસે સડક બનાવતા એક મુસલમાનને બતાવી મારા મિત્રે મને કયું કે, ‘એ બિચારો અહીંના આગલા રાજાના વંશનો છે.’

સ્રોત

  • પુસ્તક : મલબારીનાં કાવ્યરત્નો (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ફિરોઝ બેહેરામજી મેહેરવાનજી મલબારી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000