surti lala shelani - Lavni | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુરતી લાલા સ્હેલાણી

surti lala shelani

બેહેરામજી મેરવાનજી મલબારી બેહેરામજી મેરવાનજી મલબારી
સુરતી લાલા સ્હેલાણી
બેહેરામજી મેરવાનજી મલબારી

(લાવણી)

છેલછબીલા! મનમોજીલા! સુરતી લાલા સ્હેલાણી!

વાડી, ગાડી, લાડીમાં તેં જિંદગી કીધી ધૂળધાણી. (ટેક)

પ્રથમ વસ્તી કસબે રાંદેરે હશે હિંદુ મિતાહારી,

તાપિમાતને પુણ્યપ્રતાપે, સુખમાં વસતાં નરનારી.

ક્યાંથી આવ્યાં, ક્યારે વસિયાં, વસ્તી એક કે જૂદાની?

દંતકથા કથવા બેસું, વાત રહી જશે મુદ્દાની.

વાત ખરી કે પ્હેલાં લોકે ઉદ્યમમાં આનંદ દીઠો;

ધન્ય હિંદુઉદ્યોગ તને રે, ધન્ય તારો સંતોષ મીઠો!

પણ સુખી સંસાર રહ્યો નહિ ઝાઝા દિન રાંદેરતણો,

લાંબે પલ્લે વ્હાણો ચાલ્યાં, લોભ થતો ચાલ્યો બમણો.

દેખી પરદેશી લલચાયા, વધ્યું દ્રવ્ય વસ્તી સાથે,

ધનની ખૂબ ખુમારી લાગી, લોભ લોહી ચ્હડિયું માથે.

(ઝૂલ)

ચ્હડ્યું લોહી અભિલાષાનું;

વધ્યું જ્ઞાન પરભાષાનું–

પરભાષા પરરીતભાતતણું,

પ્રસર્યું રે ખમીર પરજાતતણું.

પંચરંગ વસ્તી વધવા લાગી, સિંધીથી લઈ અરમાની; વાડી, ગાડી, લાડીમાંo

સુરત તરફ ફરી આંખ હવે, જ્યાં પહેલાં તો જંગલ વેરાન,

સામે પાર બારું બંધાયું, ધક્કા, ફૂરજા, મ્હોટાં વ્હાણ.

વધે ઉદ્યમ ચોમેર; સેંકડો વ્હાણ ફરે દશ દરિયા દૂર,

લાખ અસરફી લાવે એકક, લાંબી સફર કરીને પૂર.

કોણ હતો રાજા ટાણે, તવારીખ કહેતાં ચૂકે,

પણ એકેક શ્રીમાન એવો, બે રાજા ગજવે મૂકે.

સોદાગર સંસ્થાન તું સુરત! શું વેનિસ, શું ઈસ્તમબોલ?

તારા આગળ જાય વટાવે, દોલત મહિમાનું નહિ તોલ.

બિગડી નજર દેખી પરદેશી, બિગડી વળી તુજ લક્ષણથી,

મોહમેદન ઉત્તરથી ઊતર્યા, ચઢ્યા, ચઢ્યા મરાઠા દક્ષિણથી.

(ઝૂલ)

બહુ લક્ષણ તારાં બૂરાં;

હજી પાપ શાં હશે અધુરાં?

ફળ સર્જિત ખાશે પૂરાં;

હજી ચાખીશ કંઈ કંઈ અસુરાં.

વાર થતાં પૂરી તુજ સરજત, શાસનની હદ લંબાણી; વાડી, ગાડી, લાડીમાંoર

દિનથી પડતો પાસો તુજ, દેખીતી બહુ આબાદી,

ગયા ટેક વિવેક વસ્તીના, ગઈ આગલી નિષ્ઠા સાદી.

મુસલમાની અમ્મલનું સું કહું? –દશા પાછલી બહુ ડોળાઈ,

દશા વિશા નહિ અમલદારમાં, દ્યાનત લશ્કરની બદલાઈ.

બાર કોશના મંડપ બાંધે, નવાબ બેસી મધ્યરાતે,

ખાડા ખડબા કંઈ નડે નહિ, દશ યોજન માપે હાથે.

દુનિયા જેનો ગુપ્ત જનાનો, અનુભવ ખાવાપીવાનો,

તે શું જાણે દુઃખ પ્રજાનાં, કે લ્હાવો દુનિયાનો?

શિરે પ્હોરના છૂટે ધડાકા, કોણ દિયે શીખ એવાને?

“આખા જગના આપ રાજા”, તત્પર લહુવા કહેવાને.

(ઝૂલ)

ખરાં માનની જ્યાં છે ખૂટ,

ખોટાં પર પડે લૂંટાલૂંટ;

બળી કાળજી માથાકૂટ,

મોજમઝાની સહુને છૂટ.

કાયરતા કર્તવ્ય સહુનું, આળસ મોટી મર્દાની; વાડી, ગાડી, લાડીમાંo

હુકા ચિલમ ને પાન સુપારી, શરાબના પ્યાલા ફરતા,

રાત બધી વહિવટ ચાલે, દિવસે સાહેબ સૂઈ જતા.

જોઈ રાજ્યકર્તાના રંગ એ, બિગડ્યા ઘણા અમલદારો,

સોદાગર શ્રીમાનો બિગડ્યા, બિગડ્યા શૂરા સરદારો.

મોજમઝા ને સિપાહી લૂંટે, પ્રજા રડે અંતે હારી.

કંપી કર જોડીને બેસે, નિરાશ થઈ રૈયત આખી,

રળે રોટલા કોને માટે? લૂંટે દુષ્ટ પીંખી નાંખી?

કુર કુર કરતા ખાઓ મઝેથી, ભર્યું ભોંયરે કે વાડી,

ખૂટે ત્યારની વાત તે વારે, ભરશું પેટ ખાતર પાડી.

(ઝૂલ)

બમણાં ખાતર, નહિ કંઈ ફેર;

લૂંટ ફાટ નિત ઘેરેઘેર;

ચોર સિપાહી કરતો કહેર;

ઘરના ચોરને પણ નહિ મ્હેર.

લૂંટ અંદરની, લૂંટ બ્હારની, કેમ ટકે દોલત છાની? વાડી, ગાડી, લાડીમાંo

પ્હેલી બિગડી કોમ પારસી, નકલકાર સહુથી પ્હેલા,

નિશાબાજી ને જારબાજીએ બન્યા છેક અલબેલા.

પછી હિંદુનો આવ્યો વારો, બ્રાહ્મણ ને કાયસ્થ વણિક,

શેઠ સાહુકારો બહુ બિગડ્યા, પ્રજા નહીં બિગડી થોડીક.

સળો એમ પેઠો સંસારે, થોડા નર જે સ્વચ્છ રહ્યા,

માઈપૂત તે થાકી આખર દેશવટે ત્યાંથી નીકળ્યા.

તજી ગયા ઘરબાર સુજન સહુ, શી સોભા હવે નગરીની?

દેવાલયમાં દીપક ઝાંખા, બજાર તંગી વકરીની.

સૂની શેરીઓ, હાટ, હવેલી, ચૌકી, ચૌટાં પચરંગી,

રાત પડે રંગીલા લાલા, જાગે દારુડિયા ભંગી.

(ઝૂલ)

નફા ગયા, નુકસાન અપાર;

જ્યાં ત્યાં જારીનાં બજાર;

આળસ ઇર્ષાને અવતાર,

રૈયાત હિંડતી જુઓ વાર.

હીણા આંધળા હજી દેખે : દશા કશી પસ્તાવાની?વાડી, ગાડી, લાડીમાંo

મોજમઝા ને ખાણીપીણી, હડખું લાગ્યું રૈયતને,

ગજું પારકું નહિ પોતાનું જુએ જન્મ કે મૈયતને.

હર બ્હાને દોલત ઉડાવે, ભેગી કરેલી વડવાની,

મોટા નાના નાચ નચાવે, સર અવસર વણ ઉજાણી,

શાલ દુશાલા દિલે લપેટી, પાન સોપારી ભરી મુખવાસ,

બગી પાલખી બેસી પારખ “ઈંજન” કરવા નીકળે ખાસ.

ઘેર ઘેર ભમતા થઈ ભાવિક, “કૃપા કરોજી આજની રાત;

આપ પધાર્યે દેવ પધાર્યા. માનીશ હું મનથી સાક્ષાત્.”

નાચને મુજરા, ફૂલના ગજરા, ઊડે ફુવારા અત્તરના,

દેશદેશથી આવે ગવૈયા, વરસ સાઠથી સત્તરના.

(ઝૂલ)

ડફ તબલા, સારંગ સિતાર,

પેંડા બરફી, માઝમ માર;

શરાબ શરબત, લે પોબાર;

નાચ રંગ ને જાર જુગાર.

ઈંદ્રપુરી સમ સહુ મહિમા, સસ્તી નાચતી ઈંદ્રાણી; વાડી ગાડી, લાડીમાંo

નાચે કંચની થન થન થન થન, ગાતી મનહર મધુરા રાગ,

સૂર તાલ નહિ ચૂકે એક પણ, દીન ધર્મના ભજવે ભાગ.

નાચરંગ, વાહ વાહ, શા શોભે! પાક પારસીનાં મુક્તાદ;

મુસલમાનની ઇદ મુબારક, વાહ રે કંચની હૈદરાબાદ!

જો કિલ્લા મેદાનસિંહ અહીં, માણેકઠારીનો શો ઠાઠ!

હોળી, દિવાળી, બળેવ, દશરા-વરસતણા દિન ત્રણસેં સાઠ;

શ્રાવણ શિળીસાતમનો મહિમા–સ્વર્ગ અદેખું છે દેખી;

ગાનતાને ગુલતાન બનેલા સુરત તારી શી શેખી!

દિવસ દિવસના જુદા રાગરંગ, ઢોંગ સોંગ નટ નાટકના,

જાદુગર ને જુવો મદારી, નગ્ન નાચ વળી પાતકના.

(ઝૂલ)

નથી એક આવેશ વિકાર,

પણ સુરતે ભોગવ્યો બે વાર;

હજી અને જીવે કરાર;

પાપ દુઃખનો ભરવો ભાર.

ભાર થશે પણિયારી શિર પર, પાપતણાં ઊકળે પાણી; વાડી, ગાડી, લાડીમાંo

ખ્યાલ અખાડા રોજ રાતના, કલગી તોરા ને કુસ્તી

ઘોડદોડ ને દડીમારની સમી સાંઝ ચાલ મસ્તી.

ગોરી ગરબા ગાય શેરીએ, ભાગળ આગળ થાય ભવાઈ;

રાજમણીઓ ગાય મરસિયા, સુણતાં આવે આંખ ભરાઈ.

હિંદુ જાય ઈસલામી ઘેરે, મુસલમાન હિંદુને ત્યાં

પારસી તક એકે નવ ચૂકે, આજે ત્યાં કાલે અહીંયાં.

પાનાં પાસા વાળુ પછી જો, શી રૂપાની રેલ છૂટે?

શાહ ચોર સાવધ રહી કેવો છાકટ મૂરખને લૂંટે?

જન્મ મરણ ને લગ્ન ટાંકણે, બીજાં તીર્થ તો દૂર રહ્યાં,

ઉપવીતદીક્ષા, શ્રાદ્ધ, અઘરણી, સુંનત ને નવજોત કહ્યાં.

(ઝૂલ)

ક્યાં તહેવારનો આવે અંત,

સુખ ભોગવવાની જ્યાં ખંત?

ભૂલા પડે સાધુ ને સંત,

મોજમજા જ્યાં રહે અનંત.

અનંત ગજા તારી છે સુરત મોત સજા ભોગવવાની : વાડી, ગાડી, લાડીમાંo

વગર આવકે ક્યાં તક ચાલે રોજિંદી દિવાળી?

કમાઈ માટે વખત મળે નહિ, મ્હેનત કોણ કરે ઠાલી?

અગ્રેસર વસ્તીના એમ સર્વ થયા ખીસે ખાલી,

વિષનો પ્યાલો પીધો કોઈએ, કોઈએ પાઘ ઊંઘી ઘાલી.

લખ લાગ્યો નહિ જાય નઠારો, મિલકત ખોતાં બાપીકી,

કોરે પાને કરજ કઢાવે, સત્વર સહી કરતાં શીખી.

ગુજરાતીનું નામ મળે નહિ, કરે ફારસીમાં લવરી;

મુનશી, મોલવી, અટક લખાવે, ફિસિયારીમાં જાય મરી.

મળી આવે કો ભોળો બિચારો, બ્હારગામનો નાણાવટી,

મિયાં પડાવી નવું ખાતું ને નવી ચલાવે ચટાપટી!

(ઝૂલ)

વાહ રે સુરતની ચટાપટી!

નહિ લટપટ ખટપટ ઘટી;

નાણાવટ આખી નકટી,

પણ નહિ નાખતાઈ હઠી.

નાખતાઈ વાજાં વગડાવે, કરે જલસા વળી મુલતાની; વાડી, ગાડી, લાડીમાંo

હજી હવસનું જોર રહે તે ભીખ માગી પાડે પૂરો;

લાલ હોઠ ને પ્હોળી છાતી, સરફરાજ સુરતી શૂરો.

કોઈ જાદુ કૌતુકે તણાયે, કોઈ કિમિયામાં જાય ચસી,

ગયલી દોલત પાછી લાવવા, વધૂ કરજમાં પડે ફસી.

કોઈ શીખે વળી વીર મૂકતાં, માગી વસ્તુ સહુ આવી મળે–

ધન તો શું પણ ગયલું જોબન! વૃથા વ્હેમ કેમ ટળે?

જુદા જુદા સ્વાંગ સુરતમાં થતા હતા કહું વારંવાર,

ઘરખૂણે, કાં નદીકિનારે, સ્મશાનમાં ને હાટ બજાર.

બૂત તથા ડાકણના વ્હેમ ત્યાં હત્યાની શી પૂછો વાત?

હારેલા એકલપટાથી નિર્દોષોથી થાય ઘાત.

(ઝૂલ)

પશુ બાળકનાં કાપે શિર;

જખમી કરે સ્ત્રી પુરુષ શરીર;

કાઢે ચામડી નખ ને રુધિર,

ક્રિયા કાંઈ કરવા ગંભીર!

ઘાતક એવી ક્રિયા થકી, શઠ! ગઈ દોલત શું મળવાની? વાડી, ગાડી, લાડીમાંo ૧૦

લાખે લેખાં જે લખતા તે મૂઠી રાખના છે મ્હોતાજ

ભીખ માગતાં હવે થાકે, શું કરવું સૂઝે નહિ આજ.

ગામ ગિરાસો ગયાં તણાઈ, બાગ બંગલા સહુ તારાજ;

રૂપિયાના પૈસા મૂલે પણ કોણ લીયે થાતાં હર્રાજ?

પછી મરકીની આવી વારી, મોજમઝાનું પરિણામ;

વ્હીલાં બાવરાં, વંઠ્યા, લોકો નાસે ગામેગામ.

ભોગ મળ્યા તારા શા સુરત? મરકી પાછળ દુષ્ટ દુકાળ,

કાળ મ્હોંનો ક્યાંથી આવ્યો? શ્હેર સકળની કાઢે ખ્યાલ.

બાકીસાકી રહી સરજત તે, આગ રેલ વાળે મ્હોકાણ;

શેરી શેરી શું ઘર ઘર ફના ફાતિયાના સામાન :

(ઝૂલ)

સૂની શેરી ને સૂના હાટ;

સૂનાં મ્હેલ મંદિર ને ઘાટ;

નગર ખાલી ખંડિયર ને કાટ;

પાપ દુઃખનો પડે ઉકળાટ.

કળીકાળની પાપપ્રસાદી, સુરત! તને છે સ્હેવાની; વાડી, ગાડી, લાડીમાં. ૧૧

મોટાં મોટાં વલખાં મારે, આંટ નહીં પૈની હાટે,

નવાબ પેટે ઢોલ વગાડે બે ટુકડા રોટી માટે;

બક્ષી ઊભા હાથ પસારી, “ખુદા વાસતે દ્યો બક્ષીસ”;

નિરાશ બેગમ ભૂખ દુઃખથી, સૂતાં ભડકી પાડે ચીસ.

રાજપતિ અરજી લઈ જાયે, પરદેશી વેપારી પાસ

ઈંગરજ બ્હાદુર નામ સુના તુમ, મુગનેકું આએ હમ ખાસ.”

એમ રડે રાજાના પુત્રો, કોણ સુણે એની ફરિયાદ?

ટપલી મારી નાંખે ટુકડો, દયાવાન કો નર એકાદ.

હાથ પારકે શરમ આબરૂ, રાખ પ્રભુ સુરતની લાજ;

આંખ વિંચી મરવા સૂતું, ઉજાગરાથી થઈ તારાજ.

(ઝૂલ)

સુરત જાગતું કે સૂતું?

મુવું પડ્યુ કે છે જીવતું?

હશે, હતું તે તો તું હતું;

બની શકે તો થા ફરી છતું.

સતું થા તું ભલે છતું થવા, પણ સ્થિતિ તારી પસ્તાવાની; વાડી, ગાડી, લાડીમાંo ૧ર

કહો પડતીના પાર હવે શા? લખતાં લેખકકર ધ્રૂજે;

નફટ નફકરા સુરતી લાલા! નહિ તુજને રસ્તો સૂઝે.

ક્યારે સુધરે, સુરતી લાલા! હિંદુ, પારસી, મહમદિયાન?

છોડી ખોટી મોટાઈ મૂરખ! મોટાઈએ વાળ્યો ઘાણ.

હશે બાપદાદા તુજ મોટા, તેમાં શું તુજ દિન ઊઘડે?

ઝેર ફાડવા પાઈ મળે નહિ, જો મોટપ ગિરવી મૂકે.

છોડે નકલ, બેઅક્લ બાયલા! પગ પેખી પાથરણું તાણ,

મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી, ક્હેણીની કરી પિછાન.

છોડ અદેખઈ અંટસ ઝાઝી, કજિયા લડવા દરબારે;

અંટસનું ચે ઝેર બુરું રે, કજિયા કરો કર ભારે.

(ઝૂલ)

કર કાળું મ્હોં ક્લેશતણું,

મોજ મઝા ને દ્વેષતણું.

તજી સ્વાર્થસુખ થોડુંઘણું,

કર રહે મધ્યબિન્દુ દેશતણું!

ધર્મ ગમે તે હોય પારસી, હિંદુ કે મૂસલમાની; વાડી, ગાડી લાડીમાંo ૧૩

સુધર હજીયે લાગ મળે તો, સૈકો એક વહ્યો ખાસો,

દુરાચાર ને આપમતલબે, સદા પડ્યો ઊંધો પાસો,

સુધર હવે ઝટ, સુરતી લાલા! દેશદાઝ ધર હૈડામાં;

નથી સાર જાદૂ કિમિયામાં, માલ વ્હેમી વૈદામાં.

સુધર, સુધર તૂં પંડે પ્હેલો, પછી સુધારો કર ઝાઝો;

શોધ કમાણી સત્ય મારગે, શ્હેરી ઉદ્યમ કર તાજો.

શોધ કમાણી સત્ય મારગે, શ્હેરી ઉદ્યમ કર તાજો.

જળમાર્ગે ને જમીનમાર્ગે, ફરી સજીવ ધંધો કર તું

તાપીમાતનાં હાડ સુધારી, લોહી નવું કરી દે ફરતું.

નાનાં નાનાં બંદર રસ્તા, સસ્તાં સાધન આવકનાં,

જાવકના મારગ કર ખુલ્લા લાભ લઈ લે શુભ તકના.

(ઝૂલ)

પણ સહુથી મોટી જે ગરજ,

સુરતી! સમજ તુજ પ્હેલી ફરજ;

જૂનું શ્હેર, ને માથે કરજ;

જૂનું પાપ તે જૂનો મરજ.

મૂળ મરજનાં કાપ, શોધ રીત જૂનું પાપ ધોવાની, –વાડી, ગાડી, લાડીમાં,

તેં જિંદગી કીધી ધૂળધાણીo ૧૪

સ્રોત

  • પુસ્તક : મલબારીનાં કાવ્યરત્નો (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ફિરોઝ બેહેરામજી મેહેરવાનજી મલબારી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000