jay jay garwi gujrat - Lavni | RekhtaGujarati

જય જય ગરવી ગુજરાત

jay jay garwi gujrat

નર્મદ નર્મદ
જય જય ગરવી ગુજરાત
નર્મદ

જય! જય! ગરવી ગુજરાત!

જય! જય! ગરવી ગુજરાત!

દીપે અરુણું પરભાત,

જય! જય! ગરવી ગુજરાત!

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,

તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને, પ્રેમભક્તિની રીત-

ઊંચી તુજ સુંદર જાત,

જય! જય! ગરવી ગુજરાત!

ઉત્તરમાં અંબામાત,

પૂરવમાં કાળીમાત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,

ને સોમનાથ ને દ્વારકેશ પશ્ચિમકેરા દેવ.

છે સહાયમાં સાક્ષાત;

જય! જય! ગરવી ગુજરાત!

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાગર સાગર,

પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;

સંપે સોહે સહુ જાત;

જય! જય! ગરવી ગુજરાત!

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધરાજ જયસિંગ;

તે રંગથકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત;

જન ઘૂમે નર્મદા સાથ;

જય! જય! ગરવી ગુજરાત!

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
  • વર્ષ : 2023