jyan jyan vase ek gujarati - Lavni | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

jyan jyan vase ek gujarati

અરદેશર ખબરદાર અરદેશર ખબરદાર
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
અરદેશર ખબરદાર

(રાગ : આસાવરી-લાવણી)

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ,

⁠જ્યાં ગુર્જરના વાસ;

⁠સૂર્યતણાં કિરણો દોડે ત્યાં

⁠સૂર્યતણો પ્રકાશ :

જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

⁠ગુર્જર વાણી, ગુર્જર લહાણી,

⁠ગુર્જર શાણી રીત:

⁠જંગલમાં પણ મંગલ કરતી

⁠ગુર્જર ઉદ્યમપ્રીત :

જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

⁠કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી

⁠પુણ્યવિરલ રસભોમ;

⁠ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે -

⁠કોણ જાત ને કોમ!

ગુર્જર ભરતી ઉછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાનાં કોડે,

⁠અધૂરાં પૂરાં થાય;

⁠સ્નેહ, શૌર્ય ને સત્યતણા ઉર

⁠વૈભવરાસ રચાય :

જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

સ્રોત

  • પુસ્તક : રાષ્ટ્રિકા (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : અરદેશર ફરામજી ખબરદાર
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની
  • વર્ષ : 1940