devi nu khappar - Lavni | RekhtaGujarati

દેવીનું ખપ્પર

devi nu khappar

અરદેશર ખબરદાર અરદેશર ખબરદાર
દેવીનું ખપ્પર
અરદેશર ખબરદાર

ભર ભર મારું ખપ્પર, ભૈયા! ભારતના વાસી!

ઘર ઘર ભીખું હરનિશ ફરતી, હું જુગજુગની પ્યાસી :

ખપ્પર ભરો ભરો હો!

ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી;

બાર બાર સૈકાથી ભટકું અરે અરે! ઉપવાસી :

ખપ્પર ભરો ભરો હો!

અંજલી નાખે, ખોબો નાખે, નાખે કો ભર પ્યાલી;

જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી :

ખપ્પર ભરો ભરો હો!

ભૈયા! જુગના જુગ વીત્યા, હવે નહીં ચાલે;

નદ ઊલટાવો, સિંધુ ભરાવો છલછલ ભરો ઉછાળે :

ખપ્પર ભરો ભરો હો!

ગાજવીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી;

એક ઝાપટે નવ ચોમાસું : વીર! તૃષા છિપાતી;

ખપ્પર ભરો ભરો હો!

જ્યોતિ જ્યોતિ ઘર ઘર જો સળગ્યા, રોતી રોતી શું માગું?

શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આઘું!

ખપ્પર ભરો ભરો હો!

એક કેસરીની ત્રાડે તો ભરી દીસે વન-વસ્તી;

એક વીરરસની મસ્તીમાં કરુણ તણી ક્યાં હસ્તી?

ખપ્પર ભરો ભરો હો!

અધઊઘડ્યાં દ્વાર પ્રભાનાં : ભૈયા! ઝટ આવો!

ખપ્પર મારું ભરો વીરત્વે! પૂર્ણ પ્રભા રેલાવો!

ખપ્પર ભરો ભરો હો!

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941