રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસંધ્યાના સ્તબ્ધ રંગોમાં પોઢેલાં કુરુસૈન્યના
યુદ્ધના પડઘા છેલ્લા ઘૂંટાતા વ્યગ્ર વ્યોમમાં.
સંધ્યાતણાં આંતર રક્ત ચાટતી
કરાલ કાળી કુરુક્ષેત્ર ભૂમિ
પરે દળો નિસ્તળ અંધકારનાં
પ્રચંડ કો ઘુમ્મરી ઘટ્ટ લેતાં.
શોણિતે ખરડાયેલી પૃથ્વી પેટાળની વ્યથા
નિઃશ્વાસે દહતી સર્વે યુગોની ચિરશાંતિમા.
ત્યાં ભીષ્મ, દુઃશાસન, દ્રોણ, કર્ણ,
વીકર્ણ, કાશીપતિ, શૈલ્ય, દ્રૌપદ્
દ્રુપદ્, શિખંડિન્, અભિમન્યુ, શૈબ્ય,
અશેષ અક્ષૌહિણી દૃઢ સર્વ,
ભવિષ્યની સંસ્કૃતિપાદપીઠે
ખપી ગયાં એક અપૂર્વયુદ્ધે.
સશસ્ત્ર ભગ્ન અંગો એ પડેલાં રક્ત-કીચડે:
સાચવ્યું દેહનાં દાને વીરત્વ-ક્ષાત્ર-ધર્મને.
ઘવાયલાં અંગ અસંખ્ય લોટતાં,
ને ખદબદે શોણિતકુંડ કુંડમાં,
હોમાઈ જાતાં રણયજ્ઞજ્વાલમાં
કરાલ કો અંતિમ ચીસ નાખતાં,
યુદ્ધાન્તની એ અવશેષ યાતના
સહી સહી અંતિમ મૃત્યુવેદના.
કૃતાન્ત એ તાંડવ નૃત્યકાળનાઃ
સંહારતા તાલ કરાલ મૃત્યુના.
સશસ્ત્ર દૂર અંધારે બાઝે ભવ્ય મહારથી;
દુર્યોધન સહે ભીમ ખેલે યુદ્ધ ગદા ધરી.
અન્યોન્ય સાથે અફળાય જોરથી
ગદા, કડાકાન્ત પ્રચંડ ઘોષની
થાપી પડે દુઃસહ દિગ્મૃદંગ પે,
બ્રહ્માંડ પેટે પ્રતિઘોષ ગાજેઃ
શું તૂટશે! તૂટી જ! એમ કમ્પતી
તોળાઈ રે’તી પરિધિ મૃદંગની.
ફંફોળીને ઘુમ્મરીમાં ગદાને
ભીમે કૂદી દુસ્સહ ઝીંક મારી;
સુયોધને ઝીલી ન ઝીલી ત્યાં પડી
જંઘા પરે, અંગ તૂટ્યાં પ્રહારેઃ
આંખે વળ્યાં વર્તુળ અંધકારનાં;
ઢળી પડ્યો તમ્મર ગાઢ આવતાં.
‘દુર્યોધન પડ્યો' ગાજી હર્ષથી ભીમ ઊછળ્યો.
પોઢેલાં કુરુ સૈન્યો પે જયઘોષ ફરી વળ્યો.
વીંટાઈને પાંડવ કૃષ્ણ સાથે
હસી મહાવિગ્રહ સાર્થ માને.
ને શાશ્વતી કૌરવ રાજ્યલક્ષ્મી
કો ભૂતનાં માર્મિક દુઃખ લોપી
શબે શબે મંગળ પાદ માંડતી
શું પાંડવોને વરમાળ રોપતી!
ભીમ સ્વેદ લૂછી હાંફી ગદા સ્કંધે નમાવતો,
રક્તાર્દ્ર પગ ઠોકીને શત્રુશિરે પછાડતો.
ઝબકી ઊઠી ધર્મ વદે “અરે તેં
હણ્યો અધર્મે પદઘાત શું હવે!”
“ઊંહ્ ધર્મ આજે નહિ કૈંજ જાણું
મરી જતો આમ જ સાર્થ ન્યાળું.”
“શું માનવીધર્મ બધો નકામો?
આ વૈર તૃપ્તિ થકી દાહ શામતો?
જા દૂર, કહીને ધર્મે ભીમને દૂર ખેસવ્યો.
કમ્પતો કર રક્તાર્દ્ર ગાન્ધારેય શિરે ધર્યો.
ધમણ શ્વાસ ગ્રહન્ત સુયોધન.
વચન ગદ્ગદ કંઠ યુધિષ્ઠિર
ઉચરતાં 'પ્રિય બંધુ'; ફરી વળ્યાં
અસહ ભાવિ વિકલ્પન, થંભતા.
એ રાજ્યસિંહાસન પાદ માંડતાં
સત્કારતી ઘુવડ સાથ ચીબરી.
ને પાંડવોના જયઘોષ બોલશે
રથો તણાં ભાંગલ ચક્ર ને ધરી!
વૃદ્ધ પ્રાસાદ એ મૂંગા યુદ્ધ કારણ પૂછશે.
શૂન્ય પથ્થર હાસ્યે એ સ્તબ્ધ આવાસ કંપશે.
અશબ્દ આકાશ, નિરન્ન પૃથ્વી,
પ્રજાહીણું રાજ્ય, ન કોઈ માનવી,
વિશૂન્ય પહોળા જનમાર્ગ લાંબા,
ઊભાં ગૃહો મંગળ ચિહ્નહીન,
સૌભાગ્યહીણાં કુલલક્ષ્મી લોચનો
માબાપ લ્હોતાં મૃતપુત્રને સ્મરી.
સંતોષ શાંતિ સુખભાન હીણી
અસહ્ય એ નિષ્ફળ જિંદગીની
હોલાઈ જાતી શબ પાસ એકલી
સંકોરવી વાટ હતાશ ઉરની.
ને યુદ્ધ ક્લેશ વૈરોના દાવાનળ જ્વલંતમાં
તતડી ભસ્મ થાશે શું ઉદ્યાનો મનુવંશનાં?
નીતરતી દૃગ ભાવિ વિકલ્પને,
અનુભવે ઉર આજ અનિષ્ટને,
નિમિષ કષ્ટ દબાવી સુયોધન
ઉચરતો જીવનાંત વિચારને.
“કુટુમ્બ સૌહૃદ સ્નેહી ભોગવ્યાં સુખ સર્વનાં,
अहं પંચેન્દ્રિયો ચિત્ત તોષ્યાં શું દુઃખ મૃત્યુમાં?
પ્રેમદંભ બધે માન્યું જે વાંસે ઘોર સ્વાર્થની
જ્વાલા મૂંગી જલે, ભોળાં-રક્તપ્યાસી સનાતન.
દયા શાંતિ જગદ્વ્યાપી અનુકમ્પા છતાં સદા
આચરી મૃત્યુને ટાણે તાર્યું જીવન આ તમે.
હું –” બોલતાં કો અતિ દૃઢ આંચકે
ઊલ્ટી થતાં રક્ત તણી ઢળી પડ્યો.
કૌંતેય ધારે કર, સ્તબ્ધઃ અંધના
શું અંધની નિર્મળ આંખ ઊઘડી?
પાસે હસી શ્રી યદુરાજવી એ
ધન્વી તણો હસ્ત અદૃષ્ટ દાબ્યો.
અવાક્ ઉચારે દૃગથી જ માત્ર
જવા વિષે સૂચક ભાવ દાખવ્યો.
પાંડવ જયઘોષોનો વિશ્વોન્નતિ તણા તટે
ધમ્યો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે
પ્રચંડ એનો રવ સ્તબ્ધ ગાઢ
સૂને રણે નિષ્પ્રતિકાર ધાતો.
દિગન્તમાં કો અટહાસ દેતો
વિદીર્ણ ઊંડો પડઘો વિલંબતો.
શૃગાલો રડતાં સામે ચોપાસે ગીધડાં ઉડે,
ક્રંદનો શબ્દ પાંખોનો અશાંત વાયુમાં ભમે.
ને ધર્મનો હસ્ત ધરી શ્રીકૃષ્ણે
સંધ્યા થકી કાળ જવા બતાવ્યો.
રક્તાર્દ્ર આંખે હસી ભવ્ય શાંતિથી
સુયોધને શબ્દ ફરી ઉચાર્યો.
“થંભો નહીં, કૃષ્ણ થશે ઉતાવળા,
માતા હશે ઉત્સુક ઉર ઝૂરતી.
ભૂલી જજો આ ગત કાળ, પાળજો
પ્રજા રહી શેષ સ્વધર્મ સેવજો.
દુર્યોધન ઉઠાડે જ્યાં ધર્મને કર સાહીને;
નિર્વશ, ભીમને હૈયે અકથ્ય પ્રશ્ન ઉદ્ભવે.
ક્યાં વેર ઈર્ષાસ્મરણો અખંડ
કૈં કીટવત્ અંતર કોરનારાં?
ઉલ્લાસતી જીવન રોમ રોમ
ક્યાં પ્રેમની નિર્મળ શીતવારણા?
વિજેતાની ગદા ગલ્ભ જયાન્તે ભૂમિ પે પડીઃ
પ્રેમની જ્યોત એકાંતે હૈયે જળહળી રહી.
યુધિષ્ઠિરે અંતિમ અર્ધ્ય અર્પી
મૃત્યુમુખે એ કુરુરાજને તજી
અસ્વસ્થ માંડ્યો પગ, તુર્ત ઊંડો
કો આર્ત સીત્કાર સુણાય લાંબો.
દુર્યોધન તણાં દેખે ઘવાયાં અંગ તોડતો
ખેંચતો ચાંચથી વેગે ગૃધ તુર્ત ઊડી જતો.
જ્યાં ધાય દુર્યોધનની સમીપ
નિરોધતા તુર્ત જ કૃષ્ણ ધર્મને,
અગમ્ય કો ધીર ગભીર સસ્મિતે
અર્પી રહ્યા સાન્ત્વન કૃષ્ણ ધર્મને.
“અષ્ટાદશ દિનો અંતે યુદ્ધે છે જય ધર્મનો.
નધણીયાત પૃથ્વીના ધણી સાચા બની રહો.
ધૂળમાં ધૂળ શત્રુ આ, નિઃશત્રુ રાજ્ય ભોગવો.
રસાળ ભૂમિના ભોગો પાનો યથેચ્છ પી રહો.
થીજેલાં મોતની દાઢે ચોંટેલાં દંત-મધ્યમાં
કુરુસૈન્ય પરે દૃષ્ટિ ફેંકી શ્રીકૃષ્ણ ઉચર્યા.
નિસ્તેજ ભારે દૃગ ખિન્ન ઊંચકી
દુર્યોધને અંતિમ દૃશ્ય જોયું.
ક્યાં ધર્મ! ક્યાં કૃષ્ણ અગમ્ય શબ્દે
અસહ્ય દુઃખે નિજ મૃત્યુ ઝંખ્યું.
નિશાચરોનાં ભયપૂર્ણ ક્રંદને
થંભી જતો નિર્દમ શું ઘનાન્ધ?
ત્યાં તો ઘસાતાં પગલાં સુણાય,
ચાલી જતા પાંડવ ત્યાં જણાય.
ત્વગ્ હાડ લોહી ધૂળ માંસ કાદવ
ખૂંદી જતા શું પદ યુદ્ધ અંતે!
સુદૂર સૂની જય છાવણી પ્રતિ
વધી રહ્યા પાંડવ કૃષ્ણ સાથે.
ઉચ્ચાર એકે મુખથી નહિ થતો,
સુણાય છેટે પદઘોષ એકલો.
ઓળા બધા યે તિમિરે વિલાતાં
મીંચી ગયો એ નયનો બિડાતાં.
સ્રોત
- પુસ્તક : મનડામાં મોતી બંધાણું (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : ડૉ. જયન્ત પાઠક, પ્રા. સનતકુમાર મહેતા
- પ્રકાશક : જ્યોતિ મુ. પારાશાર્ય
- વર્ષ : 2005