wishwshanti - Khandkavya | RekhtaGujarati

વિશ્વશાંતિ

wishwshanti

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
વિશ્વશાંતિ
ઉમાશંકર જોશી

હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી

વર્ષી'તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી!

સંગ્રામની ભીષણ કંદરામાં

કૂદી પડી માનવજાત ઘેલી!

ને આત્મહત્યા કરવા ચડેલી

ઘવાઈ પૂરી રણખેલનામાં!

તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં;

યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ?

યુદ્ધની દારુણ કાળજ્વાળા

યુગો તણી સંપદને પ્રજાળે,

નિર્દોષનાંયે રુધિરો વહાવે,

દૂધે ભરી સંસ્કૃતિઓ સુકાવે!

સુધાનું -શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ,

સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું

ત્યાં શાંતિના સૂર અનેક ઊઠતા,

પુષ્પો નીચે ખડગધારા ઝબૂકે.

રેતી પરે વજ્જરકોટ જૂઠના

ઊડી જાશે સત્યની એક ફૂંકે!

લોહીલીંપેલે આંગણિયે ઊભીને

મંડાણ જોશો યુદ્ધનાં ત્યાં રચાતાં!

ને દેખશો કૈં દૂઝતા ઘા હયાના,

પ્રજાપ્રજાના શોણિતલેખ વાંચશો!

ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી,

સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ!

આજે જગે કરપીણ યંત્રણા

કરો, કરો મંગલ પ્રેમઘોષણા!

ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી

આપો, ગુરો, મંગલ પ્રેમબુટ્ટી!

વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી,

જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી.

સંગ્રામની સૌ જડને ઉખેડી,

બતાવજો શાંતિની સ્નેહકેડી!

તપ્યાં ઉરે ચંદનલેપ દેજો,

દાઝ્યાં તણાં આશિષવેણ લેજો!

સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની,

પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી!

ખૂલે જ્યાં લોચનદ્વાર ઇંદુનાં,

ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં;

સંતો તણી ઊઘડતાં આંખડી

ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી.

અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!

શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.

જુઓ છો ભાવને સામ્યે રાષ્ટ્રોનો માર્ગ ઐક્યનો,

ગજાવો મહા મંત્ર ઊંડો માનવપ્રેમનો.

માનવી માનવી ઉરે એક માનવભાવ છે;

પેખીને પ્રેમની પીડા નકી પીગળી ઊઠે.

એક મ્હેકે મઘમઘે બધાયે મનુમંડપો

સુવાસે સર્વ ડોલે છે, ભલે દુર્ગંધ ક્યાંક હો!

બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં,

દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં.

કહે કવિ : માનવતા જીવંત

પ્રાણી, પ્રજાઓ સહુ એહ અંગ;

ને એક એને ધડકંત ઉર,

વહાવતું નિર્મળ પ્રેમપૂર,

સૌના હયાને ધબકાર-તાને

ગાજી રહંતું સુખશાંતિ ગાને.

છૂટાં નથી, એકશરીર આપણે,

ખેલંત ભોળાં શિશુ એક આંગણે.

તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા,

પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા.

બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે

સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને!

તમે તો પૂર્વના છો ના,કે છો પશ્ચિમનાય ના,

અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?

સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,

ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.

પૂંજી કેવલ વર્તમાનની!

ત્રિકાળની પાળ વિશાળ ભેદતી

તો અનંતે દિનરાત ઊભરે,

અખંડ વ્હેણે અવકાશને ભરે.

આજે ધરાનાં સુખસિંચનાર્થે

પ્રેમધારા તમ અંતરે ફૂટી,

જીવો તણા શાશ્વતમંગલાર્થે

વર્ષ્યા કરો નિત શાંતિમૂર્તિ!

ભાવિએ મીટ માંડીને જોઈ'તી તમ વાટડી,

આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી?

ને રક્તરંગ્યો અતિચંડકાય,

સૈકાં થકી માનવ ભક્ષતો જે,

ફળેલ દેખી નિજ કર્મને, તે

હસી રહ્યો હર્ષથી ભૂતકાળ.

હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને!

પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને!

વિશાળે જગવિસ્તારે નથી એક માનવી :

પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!

વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!

પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!

જીવો તણી કાય મૂંગી કપાય છે!

કલેવરો કાનનનાં ઘવાય છે!

રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુઃખડાં;

અમી પી ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં!

છે પત્ર ને પુષ્પની પાંખડીએ

પ્રભુ તણાં પ્રેમપરાગપોઢણાં.

કલ્લોલતાં પંખીની આંખડીએ

ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં!

પ્રકૃતિમાં રમંતા દુભાશે લેશ જો દિલે,

શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે?

સૌ જીવ આજે ઉરથી વહાવીએ

કારુણ્યની મંગલ પ્રેમધારા,

વસુંધરાનાં સહુ બાળકો મળી

બજાવીએ અંતરએકતારા,

હૈયેહૈયાં પ્રેમગાને જગાવી,

પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી,

ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,

ગજાવીએ સૌ જગઉંબરે ઊભી:

માનવી પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम!’

ને જશે શબ્દ અનંત વીંધી

જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,

જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,

यत्र विश्वं भवत्येकनीडम् |

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005