sujata - Khandkavya | RekhtaGujarati

તપે છે ધૂર્જટિ જેવો સૂર્ય વૈશાખમાસનો

આત્માની ઉગ્ર જ્વાલામાં હોમ રક્તમાંસનો. 1

નૈરંજરાને તટ વેળુ તપ્ત

ધીકી રહી છે હજીયે દિનાન્તે,

ને તીરપ્રાન્તે શુચિ બોધિવૃક્ષે

કો ક્ષીણ દેહે દુરિતો બળે છે. 2

વૃદ્ધત્વ દીઠું હતું જે બીજાનું

પ્રત્યક્ષ કીધું નિજ ક્ષીણ કાયે,

વ્યાધિ તણી જે હતી કલ્પના તે

હાવાં પ્રમાણી નિજની વ્યથામાં. 3

ને દેહથી આત્મ થતો અલિપ્ત

તે મૃત્યુછાયા કરી લીધ સ્પષ્ટ,

હવે વ્યથાને વિકસાવવી શી?

શાને હવે દુખભારકષ્ટ? 4

ગાંઠા દીસે સ્પષ્ટ કાલવેલે?

સાંધા દીસે તેમ અંગઅંગે,

ને ઊંટ કેરા પગ જેવી લાગે

તે કેડ જ્યારે નિજની નિહાળે. 5

કરોડ લાગે ઘટમાળ જેવી,

ભાંળ્યા ઘરે જેમ પડેલ વાંસ

વાંકાચૂકા ને વળી છિન્નભિન્ન

તેવી દીસે પાંસળી આસપાસ. 6

ફેરવે હસ્તને જ્યારે પોતાના પેટ ઉપરે

કરોડે હસ્ત તો લાગે, પૂઠ ને પેટ એકઠાં. 7

નક્ષત્રના કોઈ વિશાળ કૂપે—

પડેલ ઊંડા પડછાય જેવાં

ચક્ષુ દીસે છે; નથી કાંઈ બાકી.

—એવી દશા ગૌતમની કળાતી. 8

સર્વમેધ મહાયજ્ઞે હોમ્યાં છે ગાત્રગાત્રને,

દુરિતો સર્વને હોમ્યાં, તોયે જ્ઞાન વિહીન છે. 9

તપના માર્ગથી થાકી ઇચ્છે હૈયું ખસી જવા,

વૈશાખી પૂર્ણિમાએ તો વિચારોની નવી હવા. 10

“આવી દશામાં ઉર અંધકાર,

ને વેદનાના ઊછળે તરંગ;

આગે હવે જીવન અંતકાળ,

એવી રીતે કેમ જિતાય જંગ? 11

ક્યાંથી થવી જ્ઞાનની પ્રાપ્તિ આમ?

શ્રદ્ધા થકી આમ વધે જવામાં—

અંધારને દૂર તરી જવામાં

હું ઊર્ધ્વતા પ્રાપ્ત કરી શકું જો

તો દેહના ત્યાગ પછી કદાચ.

—સંસારકલ્યાણ તણું પછી શું?” 12

આવું જ્યાં વિચારે ત્યાં દૂરથી કોઈ આવતું,

નક્કી સાંજને ટાણે આવે છે મનભાવતું. 13

સુજાતા કન્યકા શુદ્ધ શોભન્તી ગાત્રગાત્રમાં,

હૈયાના પ્રેમના જેવો લાવે પાયસ પાત્રમાં. 14

એને ઉરે ના કશી કામનાયે,

એને નથી ધર્મ-અધર્મ ભાવ,

‘ભૂખ્યો તપસ્વી ભરવેદનામાં

રીબાય, ભિક્ષા ધરી જોઉં લાવ.’ 15

મૂકીને ચરણે ઊભી પ્રેમભાવ રગેરગ,

જિહ્વાનું કાર્ય આરંભે રહસ્યોથી ભર્યાં દગ. 16

“પત્ની નથી એ, નહિ એહ પુત્રી,

મારી સગીયે નથી રે, લગીર;

જોઈ નથી મેં કદિયે, અજાણ,

કેવી રીતે થઈ ઓળખાણ? 17

મારું નિહાળી દુખકષ્ટ એને

ક્યાંથી થઈ અંતરમાં કરુણા?

એના મધુરા શુચિ પાયસે શું

હણી લીધી ના મુજ વેદનાને? 18

મૈત્રી તણી ઉજ્જવલ ભાવના છે

પ્રાણી તણા અંતરમાં પ્રગૂઢ,

ત્યાંથી કરુણા મુદિતા ઉપેક્ષા—

એવા ક્રમોમાં પ્રગટી રહી છે. 19

જેણે હણી મુજ વેદનાને

તે શું હણે ના જગવેદનાને’?

મૈત્રી તણી ઉન્નત ભાવનામાં

પ્રાણી તણો સ્પષ્ટ વિકાસમાર્ગ. 20

કન્યા કનેથી કરુણા ગ્રહીને

બની ગયા ગૌતમ મુક્ત બુદ્ધ,

મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા—

સૂઝી ગયો બ્રહ્મવિહાર શુદ્ધ. 21

નૈરંજરાની બહુ તપ્ત વેળુ

ધીમે ધીમે શીતળતા ધરે છે,

શશાંક ઊગે નભચિત્ત પૂર્ણ,

બાહ્યાંતરો તેજ વડે ભરે છે. 22

સ્રોત

  • પુસ્તક : પલ્લવ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : ચંપકલાલ વ્યાસ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960