vilashni shobha - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

૧. ધીરા સુગન્ધી અનિલે વહી વારેવારે

આકાશનો વિમલ વાળી પ્રદેશ કીધો :

ને તેજના રજતમેઘ ઢળી-ઢળીને

રુપેરી ત્ય્હાં લલિતલોલ ધરો ઉગાવી.

૨.પુષ્પે લચેલ વનવેલ ગૂંથી-ગૂંથીને

સિંહાસનો સુભગ કીધ રસે રસેલાં :

મોતી ભર્યાં અનુપ છત્ર સુહન્ત શીર્ષે,

ને કાન્ત નીલમણિના પદપાટ ઢાળ્યા.

૩.સંધ્યા સુરેખ ગઈ લપ્પઈ વ્યોમહૈયે,

ને ચંદની ચમકતી ભરી ચારું ચોક :

ત્ય્હાં રાત્રિને ઉજવવા, રસઝીલ લેવા

આવ્યાં ત્રિલોકથી અસંખ્ય દેવદેવી.

૪.સૌન્દર્યનું સુભગ છે સર પૃથ્વિતીર્થે,

તીરે વસે નગર સુન્દરીઓનું એક :

આલમ્બી ચેતન, ધરી રુપ ભાવનાનાં,

ત્ય્હાંથી પધારી ત્રણ સુન્દર ચૌવનાઓ.

૫. ભાવો ગૂંથી હૃદયનાં રચિયાં વિમાન,

ત્હેમાં ચ્હડી ગગનમંડપ તેહ આવ્યાં :

ને પારખી સ્વરુચિનાં, ધરી શરીરો

વ્યોમે રહી વિલસતાં નવદેહમાં સૌ

૬. બ્રહ્માંડનાથ તણી ઉજ્જવલ દૃષ્ટિ જેવું

ખુલ્લું અનત ઉઘડ્યું હતું અન્તરિક્ષ :

જ્ય્હાં સ્નેહનાં યુગલ રાસ અખંડ ખેલે

એવી અનેક મહીં ડોલતી તેજકુંજો.

૭. ને એક ત્ય્હાં અમૂલરત્ન હતું કદમ્બ,

નાજુક કાન્તિવતી ન્હાની ધટા ઝૂકેલી

ત્ય્હાં રત્નઘુમ્મટ નીચે, ઢળી ચન્દનીમાં

ગાતી વિલાસગીત એહ સખીત્રિપુટી.

૮. તેજોમયી તનુ, સુતેજસ નેનબાણ,

તેજસ્વી અમ્બર હતાં સહુ દેવીઓનાં;

ધાર્યા હતા સખીગણે નિજ નિજ રંગો,

તે રંગની વિરલ છાય પડેલ હૈયે.

૯. મન્દાકિની મધુર, ચન્દ્રકલા હલેતી,

ને ઝાંખું ઝાંખું કંઈ ઝાંખતી એક તારા,

એવાં લઈ મધુર અદ્ભુત દેવદેહ

ખેલે વિલાસભર એહ કદમ્બકુંજે.

૧૦. ને મન્દ મન્દ વચમાં કરી છાની ગોષ્ટિ

એકાન્તતીર ઉરના પડદા ઉઘાડે :

ને રમ્ય રાત્રિ રસની લહરો વહે, ત્ય્હાં

જામી કથી રસિક અદ્ભુત ભાવ ઊંડી.

૧૧. ગોષ્ટિ સૌ પ્રગટતી વપુની લીલામાં,

ગીતને વપુની વેલડી તાલ દેતી;

હાસ્ય લાસ્ય ગતિ ગૌરવ હાવભાવે

આન્દોલને હૃદયઊર્મિ પ્રકાશતી સૌ.

૧૨. નીચું નિહાળી, તીરછી દૃગ માંડી જોતી,

ને એમ ઝાંખી નિજ પાડતી તેજમાલા

મન્દાકિની વદન વારતી બોલ બોલી

નેત્રે હતી સરલ બાલ સખીની શ્રદ્ધા.

૧૩. મન્દાગિની :- સખિ! મુજ દેવિ! પધારો!

વનનો નિરખો મહિમા :

તેજ તણાં ભરિયાં સુસરોવર,

તેજસ ત્ય્હાં કમલો ઉધડ્યાં :

તેજને માંડવ તેજનાં પુષ્પો

તેજનું મન્દિર રસનું વડું,

તેજની વેલી ઝૂલાવે ઝૂલો નિજ,

અંતર મ્હારું ઝોલે ચ્હડ્યું.

૧૪. ફૂલડાં વીણતાં વીણતાં

વરમાળ ગૂંથી મુજ નેહ લખી,

માંહિ પૂર્યા મુજ રંગ વિલાસ,

ઉજાસભર્યા, સુકુમાર, સખિ!

વૈજયન્તી માળ મહીં મુજ

દેહ છૂપાવી છૂપાતી રહું :

ક્હે જગ ભાવ છૂપાવ, કુમારી

વિતકો જઈ કય્હાં હું કહું?

૧૫. ત્હો ઢળે ઉભરાઈ, સખિ!

મુજ અન્તર મુજ માળ વિશે,

વારું, હું વારું વળી વળી, ત્હો

ઢળે ઉભરે કાંઈ કાંઈ મિશે.

પ્રાણ મહીં પ્રગટ્યો રસજ્યોતિ,

ત્હેની ઝગે અંગ અંગ શિખા,

ફૂલ-ફૂલે, મુજ માળે દળેદળ

રસજ્યોતિ ખરે તણખા.

૧૬. આહ જલે ધૂપ જેવી, જપું મુખ આરત,

ગન્ધ અનંગ ભર્યો,

મુજ મન્દિર દેવ દીપાવવા

આજ સ્વયંવર મ્હેં આદર્યો :

સ્નેહનું કુંકુમ ભાલે લગાવી,

અંજન આંજી અમીરસનું,

સૌન્દર્યના શણગાર સજી

જગ શોધું છું સ્વામી સખીવર! હું.

૧૭. જોઈ હસે મુજ આંખ, ઠરે મુજ આત્મન,

પ્રેમની ભરતી ચ્હડે,

દાખવ, દેવિ! ભાખ, સખિ!

મુજ વલ્લભ કોણ? ક્યાંહી જડે?

નેત્રે સુધા વરસે વિરલી,

ઉરમાં ઉછળે રસઓઘ, અને

પુણ્યપરાર્થી ઉદાર બહાદુર—

વર બાઈ! બતાવ મ્હને.

૧૮. હૈયાની લક્ષ્મીથી કોને વધાવું?

દેહલતા સોંપું કોને કરે?

કોને સખિ વરમાળ ઘરાવું હું?

કોને પૂજું પધારવી ઉરે?

નેનનું કિરણ નયને શમે,

શમશે મનની આશ શું મનમાં

રૂપ દીધું, રસ દીધ, રસિક દીધ,

વિધિ તુજ શી ક્રૂરતા?

૧૯. ચન્દેરી અમ્બર ધરી વિલસે કુમારી,

હસ્તે હતી અમૃતપુષ્પની સ્નેહમાલા :

તે ચાંપી ચાંપી હૃદયે, જલ સીંચી સીંચી,

શોધે વિશાલ નભ પ્રીતમ નીલ ચક્ષુ.

૨૦. ત્હેને જરાક અડકી દ્યુતિઅંગુલીથી,

વિશ્વે ઉડાવી મદતેજ તણા તરંગો,

આનન્દકન્દ નિજ નેનકમાન માંડી

ચન્દ્રી સખીગણ વિશે વદી વેણ ત્ય્હાં :

૨૧. ચન્દ્રકલા :- મા ભર લોચન, મા કરમાવ

વીરી! સુકુમાર શરીરલતા:

સૌભાગ્યના તિલકે ભૂલ મા,

તિલકે નથી સહુ સૌભાગ્યવતાં :

વસ્ત્રની દીપ્તિ, ઉછીના પ્રકાશ, ને

મ્હો અલંકારની ચમકે :

ઊંડું નિહાળી જરીક વીરી! જો,

જવાલામુખી ઉર મ્હારે ધખે.

૨૨. આનંદના અમી શી લહરી મુજ,

આશ સમ ઉજમાળી પ્રભા,

કોડવતી રસઆંખડલી,

મદલોલ વિલાસ વસન્ત સમા;

અન્તરના અભિલાષ અમૂલખ,

સ્વપ્ન સૌભાગ્યસુખોનાં વડાં,

ને કવિતા મુજ અન્તરની :

સહુ ફોગટ સ્નેહની તૃપ્તિ વિના.

૨૩. સ્વામીના તેજથી શોભું હું તો

પણ સ્વામી કને શકું હસી,

પુણ્ય નથી મુજ પાંગરતાં, સખિ!

નાથના નેહની હું તરસી.

અંગ સમારી અટારી ચ્હડું,

ભરરાત સદા વણનાથ તપું :

નિત્યવિજોગણ હું રસજોગણ,

વરથી ભલું ના વરવું.

૨૪. કોડવતી કન્યકાની ખીલે કળી,

પુષ્પ પ્રફુલ્લે સહસ્ર દળે,

વ્યર્થ ખીલવું ફૂલવું સહુ

ઉર પરાગ જો પમરે :

સૌભાગ્ય કામક્રીડામાં નથી.

રંગ વિલાસ વિહારે સૌભાગ્ય,

સૌભાગ્ય સ્નેહસુહાગે, સખિ!

૨૫. આશા ઉણી પૂરાય, ઉઠે દવ અન્તર,

કોડ હું કલ્પી બળું,

વિશ્વ નથી પણ કલ્પના,

જગમાં જગના થઈ સંચરવું :

ફૂલ નથી એક છોડે બધાં,

નવ રંગ બધા એક ફૂલડે રમે :

અંગ અંગે ઉઘડે છે ઉષા તુજ,

જો! દિનવ્હોણી તે વિરમે.

૨૬. ઉલટે અહીં તેજનો સાગર,

તેજની ભરતી હિન્ડોલે હીંચે,

ડોલે મહીં કંઈ દેવ ને દેવી,

ઘેરું ઘેરું ને અનેરું, હલે!

નાચી રહે મુજ હોડલું, નાચે હૈયું,

હું યે તે ભરતીભીની

નૃત્ય કરું મન્દ મન્દ મયૂર શું,

ખોલી કલા મુજ કિરણની.

૨૭. જોતી સ્વંયવર જયન્ત દૃગે કુમારી

વ્હાલાનું શીર્ષ વરમાળ થકી વધાવે;

એવે કપોલ તરતા નવભાવ આવે:

ચન્દ્રીમુખે રમી રહી રસઉર્મિ એવી.

૨૮. તેજનાં રમણ, હસવાં હતાં જ્ય્હાં

ત્ય્હાં તારિકા ઝબકતી જરી ઝીણું ઝીણું;

જાણે શું કોઈક જપે જપ યોગબાલા,

વૈરાગ્યનું ચીર સમારતી એવું બોલી;

૨૯. તારિકા :- ના, સખિ ના, નથી કંઈ શાશ્વત :

ઉત્સવ, કુંજ ને તેજઝડી,

ઇન્દ્રધનુષ્યો અન્તરનાં ઉડી જાય,

દીપી રસરંગે ઘડી.

સુખ કહી શણગારો છો કાયા,

સુખ નામ, નથી સુખ :

સુખશૂન્ય છું, જાગે જ્વાલા,

જોઈ લીધાં, સુખવૃદ્ધ છું એ.

૩૦. નેનનાં જોવાં, અંગનાં અડવાં,

ઇન્દ્રિયનાં રમવાં રસીલાં,

દેહકથા, મદભોગ સહસ્રધા,

હાસ્ય ને નૃત્યની લોલ લીલા:

જગ, જગના રસ, ને

છોળે ઝીલન્ત રસિક, અરે!

છોળની પેઠ આવે ને જાયે,

ભરતી-ઓટે સહુ વિશ્વ રમે.

૩૧. મુજ પોપચું જો! સખિ! ઝબકે,

ઝબકા ઝબકી ને મીંચાય વળી,

જો! ઉઘડે ને બીડાય કીકી, એમ

બ્હેનાં! બીડાય બધું ઝબકી

સાગરનાં નીર આભમાં ઉછળે,

ઉછળી ઢળે છે ઊંડા ગર્તમાં :

એમ હીંચે જલ આશાનિરાશાના

જગના મહેરામણમાં.

૩૨. એક ઉગ્યો સૂર્ય જીવનમાં કોટિ કિરણે ભર્યો

ને મ્હેં માંડી પૂજા,

અર્ઘ્ય રહ્યા અંજલિમાં, ને મ્હારા

સૂર્યનાં ગ્રહણ સદાનાં થયાં :

મનમાં હતું મુજ ખીલ્યું સ્હવાર, ને

દિન અખંડ હવે તપશે :

મા કરશો મોહ આશાના, સહિયર

આશાના પડઘા નિરાશા છે.

૩૩. હર્ષ ને શોક, પ્રકાશ ને અન્ધાર,

સદગુણ-દુર્ગુણ દ્વન્દ્વો, સખિ!

શ્વેતપટે એમ શામળ માંડી

બ્રહ્માંડ કેરી કથા લખી.

સંસારને સર અમૃત ભરિયાં,

માંહિ ઘોળ્યા વિષના ઢગલા,

વિષ ને અમીના જલકુંડથી

પીશે અમી ધન્ય કો હંસલા.

૩૪. ભાવથી માળા જપું એક ત્હારી,

નાથ! તો હું ભવપાર તરું.

નિ:સાર ભવસાગરમાં

લાઘ્યું મ્હને સારનું મોતિડું

સૌન્દર્ય ને રસ જે કુંજ શોભે,

ત્ય્હાં વૈધવ્યવિયોગ વડાં :

સાર અસાર, કે સત્ કે અસત્ જગ

ભાગે કો ભેદની ભ્રમણા?

*

૩૫. જ્યોત્સ્ના ભરેલ મુજ પ્રિયતમની અટારી,

પ્રારબ્ધ શું ગહન ઉપર વ્યોમ છાયું.

હીંચે અનેક નીલસાગર તેજબાલ :

સૌ નેત્રમાં સુભગ ઉજ્જવલતા સુહાતી.

૩૬. તેજસ્વી વિસ્તરતી કાન્ત વિશાલ કુંજો,

ને ડોલતા ધવલ ચમ્મર મંજરીના :

સૌને સુગન્ધ વહતા અનિલો વધાવે :

લીલા બધી નિરખતો પ્રિયને બતાવું.

૩૭. આછે ઉજાસ પૂર પશ્ચિમનું પ્રકાશે,

રાજે ત્રિપુટિ સખીઓ તણી એહ દેશ :

મન્દાકિની, શશિકલા, હતી તારિકા ત્ય્હાં :

તેજબાલ પ્રિય જોઈ રીઝે-રીઝાવે.

૩૮. લાજન્ત એક અધઊઘડી કન્યકા શી,

ખીલે બીજી ભભક સપ્રભ પત્નીની, ને

ત્રીજી જરાક નિરખી જગ નેત્ર વારે :

એવા વિલાસ રસિલા સહુના અનેરા.

૩૯. પૃથ્વીપડે કંઈક માનવી આસુરી, ને

દૈવી છે કંઈક માનવ પુણ્યવાન :

ને કોઈ તો ઉભયમાં હિંચકા હિંચે છે :

એવી હિચન્તી ત્રણ પૃથ્વીની દેવીઓ તે.

૪૦. ઝીણા ઊંડા મધુર મોહક રમ્ય ભાવ

ગાતી-પ્રકાશતી સહુ સખીઓ સિધાવી :

નયને કંઈક નિરખ્યા, હૃદયે વધાવ્યા,

ને પ્રાણને પણ કંઈક-કંઈક ભાવ્યા.

૪૧. દીઠા વિલાસ મદ, ગમ્ભીર રુપ ભાળ્યાં,

સ્વચ્છન્દ ખેલન અનેક અને નિહાળ્યાં :

શીળું, સુહાગી, રસશુદ્ધ, પ્રસન્ન મીઠ્ઠું,

સૌન્દર્ય ત્ય્હાં પ્રભુજીનું નવ કોઈ દીઠું.

૪૨. જોયાં દિશાભવન, ને વિલસન્તું વ્યોમ,

જોયું વળી ઉઘડતું વિભુ અન્તરિક્ષે :

આનન્દી, નિર્મલ, હસન્ત પ્રભુ પ્રભા શી

દીઠી નહીં પણ પવિત્ર વિલાસશોભા.

૪૩. આત્માની એક હતી ઉણપ તો અગાધ,

આત્માની એક હતી વણપૂરી વાંછા :

મ્હારી રહી વિમલ ઉણપ અધૂરી,

ને કોઈએ પૂરી એટલી વાંછના યે.

૪૪. જોયાં વસન્તવન, કુંજ નિકુંજ જોયાં,

જોયાં સરિત સર પૃથ્વીની વાડીઓ યે :

દીઠી ત્હો મનઠારતી કાન્તિરેખ,

સ્વર્ગસ્મિતોની પ્રગટેલી દીઠી લીલા.

૪૫. શાન્તિ રમે રસભરી અલબેલ આંખે.

અંગે ઝગે લલિત શોભતી કોઈ લજ્જા :

ચાલે સદાય ચરણો પણ પુણ્યમાર્ગે

એવી કય્હાં હસતી દીઠી પુણ્યમૂર્તિ.

૪૬. સૌન્દર્યથી જગત રેલમછેલ ડોલે,

ત્યહાંથી વળ્યાં વિકલ વિશ્વનિરાશ નેત્રો :

જોયું પછીથી રસના ચિર તીર્થધામે,

નેત્રો પ્રસન્ન પ્રિયને નયને વિરામ્યાં.

૪૭. ને ત્ય્હાં હસન્તી કીકીને બુલન્દ તખ્તે,

સ્નેહને પરમ મન્દિરિયે સુહન્ત,

દીઠી પ્રકાશભર મંત્રની એક મૂર્તિ,

દીઠી વિલાસની પવિત્ર સાધુશોભા.

૪૮. કલ્યાણ વાંછી નરલોકનું સ્નેહ છે

ગૂંથી પ્રભાકિરણ એક રુચા લખી છે :

દીઠો પ્રિયાનયન રસમન્ત્ર, ને ત્ય્હાં

નેત્રે-ઉરે ઉભરી રહી શાન્તિશાન્તિ.

૪૯. સ્નેહનાં હૃદયઉજ્જવલ પુત્રપુત્રી!

મા ભૂલશો કદિ ત્હમે વિજ કુલધર્મ :

સંચ્યું ત્હમારું સહુ ભદ્ર સ્નેહલગ્ને,

ને લગ્નસ્નેહ માંહિ દિવ્ય વિલાસશોભા.

૫૦. તેજસ્વી કોઈ જગ સખીઓ સિધાવી,

ને સ્નેહમન્ત્ર પ્રિયલોચન માંહિ પોઢ્યો :

હું યે વળ્યો પ્રિયઉરે ઊંડું ઊંડું જોતો :

પ્રારબ્ધ શું ગહન ઉપર આભ છાયું.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ચિનુ મોદી, સતીશ વ્યાસ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1985