૧
ઊભા ઊંચા આલ્પ્સો હિમમય અને કુંદધવલ.
શશી-રવિનાં કિરણો ઝીલીને
અને ઝીલી તારક-તેજ-રશ્મિ
ક્ષણે ક્ષણે એ નવતા ધરે છે.
ત્યાં મુક્ત નિર્ઝર વહી ગિરિકન્દરાથી
સ્પર્ધા કરે હરિણબાળ શું ખેલવાને,
ને મસ્ત, માદક સુગંધ વહાવતો ત્યાં
વૃક્ષો ને વલ્લીઓમાં અધીર પ્રણયી શો માતરિશ્વા વહે છે.
૨
વીર એક હતો કિરીટી શો,
રૂપમાં મન્મથ શો યુવાન એ.
લઈ અશ્વ જતો સવારમાં,
મૃગયાએ ગિરિની તળેટીમાં.
*
જેવી કો મુગ્ધ બાલા પ્રથમ મિલનની રાત્રિ વીત્યે, સવારે
હૈયાના મોદભીનું મરકલડું કરી જોઈ રહેતી પિયુને,
-પ્રાચી હજી નેન ઉઘાડતી હવે,
હેમન્તનો સૂર્ય જગાડવાને.
સવારની એ વનની વનશ્રી,
ને અભ્રજૂથો ગિરિમાળ વચ્ચે
કિલ્લોલતાં પંખી, સુગંધભીની
ધરિત્રી, ને નિર્ઝરગાન મીઠા;
જગાવે શી હૈયે ભ્રમણમનીષા એ વનમહીં,
વીણાનાદે જેવું હરિણ શિશુ કો મુગ્ધ થઈને
જતું ખેંચાઈને રવ ભણી, થઈ લુબ્ધ વીર આ
વનાન્તમાં ને ગિરિકન્દરામાં,
દૂરે જતાં એ નિજ માર્ગ ભૂલે.
સવાર વીતી, દિવસેય વીત્યો,
હેમન્ત વીતી, વરસો વીત્યાં કૈં,
એ વીર આવ્યો નહિ એ વનેથી.
જનો કહેતા રતિનો નિવાસ
તહીં હતો કોઈ કન્દરામાં.
હતી લોકની કિંવદંતી કે
રતિ-ધામે નહિ કો જશો કદી,
યદિ કોઈ પ્રવાસી ત્યાં જતો,
નહિ પાછો ફરતો કદી ય તે.
૩
હેમાંગી ઉત્સવ-રતા અનુરાગ-રાજ્ઞી,
આ વીરને ડૂબવતી રસમાં લુભાવી.
એણે ય અર્પણ કર્યું નિજનું હતું જે,
એ રાજ્ઞીને હૃદય-રાજ્ઞી થવા દઈને.
લાવણ્ય કાન્તિ રતિનાં અભિરામ એવાં,
ઉરના ઉરમાંહી શાં વસ્યાં,
નહિ જેવી વસી ઉર્વશી કદી.
અકુતોભય લાલને હતો,
શિશુ શો મુગ્ધ હતો યુવાન એ.
એ વૈભવોમાં લયલીન, તો યે
આજન્મ એના હૃદયે વસેલી
અપૂર્ણ વાંછાતણું શલ્ય એને
કોરતું, બાળતું હૈયું, મન્થને ગાત્ર ગાળતું.
૪
કલ્પાન્તે યે શમે ના, હૃદયમહીં હતી એવી જે ગૂઢ વાંછા,
તેને એ પામવાને કરમહીં લઈને કાષ્ઠનો દંડ શુષ્ક
વિદાય લેતો રતિની, જવાને
તીર્થાટને ચીવરધારી વીર.
વિદાય દેતી સ્મિતપુષ્પ આપી
રતિ, જતો ખિન્નમને પ્રવાસી.
રતિના સ્મિતના જેવું શેખરે રમતું હતું,
દિગન્તે ડૂબતા સૂર્યે ફેંકેલું એક રશ્મિ જે.
સંધ્યાના એ સ્મિતતણખનો અંતરે રક્તરંગ
ધારી શો ત્યાં શશી પૂનમનો પૂર્વમાં ઊગતો’તો.
વિષાદછાયા ઉરમાં ગ્રહી એ,
વિદાય લેતો ગિરિકન્દરાની.
૫
તીર્થે તીર્થે અશ્રુગંગા વહાવી,
તીર્થે તીર્થે શોધતો સાન્ત્વના એ,
ઊંડે ઊંડે કોઈ કાર્પણ્યભાન,
ગાળી એને દીન દુઃખ બનાવે.
તીર્થરાજ તહીં રોમ-ધામમાં,
ધર્મમાં રત ગુરુ વિરાજતા.
કલાન્ત યાત્રી, ચરણારવિન્દમાં,
અર્પવા જીવન એમને જતો.
शिष्यस्तेहं शाधिमां त्वां प्रप्रन्नम्
અકથ્ય ને કો અણપ્રીછી વાંછા
તણું લઈ શલ્ય ઉરે ફરું છું...
ધન્વી હતો હું, જય ને પરાજય
જોયા ઘણા મેં, જય શો છતાં યે
સંસારમાં તે—
ન હું જાણતો હજી!
અનેક વર્ષો રતિધામમાં રહ્યો,
તહીં જરી શલ્ય ભૂલ્યો હતો જૂનું.
સૌન્દર્યનું જે શિવ પામવા તે,
પીવું ક્યું ઝેર કહો પ્રભુ મને?
*
“રતિનો અતિથિ થયો હતો?
ભૂલતો’તો તુજ શલ્ય ત્યાં વળી?
શિવ પામવું? પામવુંય છે
તુજને સુંદર? ને થવું જયી?
જીવને વરમાળ પ્હેરવી
યશની, શી તુજ ધૃષ્ટતા ખરે!
રતિને સઘળું સમર્પીને,
પ્રણયે જીવન હોમતો બધું!
અવ અંજલિ અર્ચના લઈ,
ગ્રહવાની વિનતિ કરે મને?
નિજનું સઘળું ભૂલ્યો, અને
વીસર્યો જીવન, શ્રેય તું ભૂલ્યો.
નહિ માર્ગ કશો હવે રહ્યો
ફર પાછો, પતને પડેલ તું!
નહિ કિલ્બિષ એ છૂટે હવે,
અવ જા, તું અહીંથી વિદાય લે,
નવપલ્લવ શુષ્ક દંડ આ
ધરશે, તો તુજને ગ્રહું હું યે.”
*
ગયો હતો આત્મસમર્પણે એ,
થવા ગણ્યું કિલ્બિષ મોચનાર્થે
તેના, અને સાન્ત્વન યાચવા તે,
કઠોર સુણી વચનો, દુભાયલો,
નિરોધતાં અશ્રુપ્રવાહ એનો,
પડ્યો થઈ મૂર્છિત, દંડ યે સર્યો.
મૂર્ચ્છા કૈં વળતા જાગી, અસ્વસ્થ સ્વસ્થ એ થતાં,
વિદાયનું જે રતિએ દીધેલું,
ઉરે સ્મરી એ સ્મિત પ્રેમભીનું,
જતો પાછો આઘે પરિચિત અને કુંદધવલાં
ભમી શૃંગે શૃંગે, ચિરપ્રણય ગોદે વિરમવા.
*
અરે, પરંતુ થયું એક કૌતુક.
ત્રણેક વીત્યા દિવસો, તહીં તો
ફૂટ્યાં નવાં પાલવ શુષ્ક દંડને!
(કવિની નોંધ : ‘જય જીવનમાં છે ના કોઈ, જહીં ન પરાજય' : જર્મનીમાં ઇસેનેક અને ગોથાની વચ્ચે હોર્સેલબર્ગની કોઈ ગિરિકંદરામાં વિનસબર્ગને નામે ઓળખાતું સ્થળ હતું. ત્યાં વિનસ (રતિ) મોટા વૈભવ અને વિલાસથી રાજ્ય કરતી હતી. વિનસબર્ગની મોહિનીમાંથી ટાનહોસર નામે એક વીર (Knight) સિવાય કોઈ પાછું ફર્યું નહોતું. વિનસબર્ગના વિલાસી જીવનમાંથી નાસી છૂટી, અધમોચનાર્થ ટાનહોસર રોમમાં પોપ પાસે જાય છે. પોપે એને કહ્યું : ‘તારા હાથમાં શુષ્ક કાષ્ઠનો જે યાત્રિક દંડ છે તે જો નવ-પલ્લવિત થાય તો જ તારે માટે સાન્ત્વના (absolution) અને મુક્તિ છે.' સાચે જ પેલો શુષ્ક કાષ્ઠદંડ ત્રીજે દિવસે નવપલ્લવિત થાય છે. પણ ઘણું મોડું થયું હતું, કારણ કે ટાનહોસર પાછો વિનસબર્ગ ચાલ્યો ગયો હતો. પરાજય એટલે મૂલ્યાંકનનું નવું દૃષ્ટિ બિંદુ. એ રીતે અહી ત્રણેયનો પરાજય કલ્પ્યો છે. અહીં કથાવસ્તુમાં થોડો ફેરફાર કર્યો છે.)
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી
- વર્ષ : 1959