shakuntala - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શકુન્તલા

shakuntala

કાશ્મલન કાશ્મલન
શકુન્તલા
કાશ્મલન

ઉત્તુંગ શૃંગ રમતી રવિ—રશ્મિ—માલ,

વ્હેતી નીચે ઘુઘવતી સરિતા કરાલઃ

વચ્ચે સુપુષ્પ જ્યમ નન્દન વાટિકાનું,

તેવું પડેલ હસતું કઈ નાનું નાનું!

સુર્યમાં ચન્દ્રની શાંતિ, દિવ્ય સૌરભ સ્વર્ણમાં

તેમ આવ્યું અહીં કયાંથી શાંત વન પ્રાન્તમાં?!

ઉંચાં ઉંચાં સ્તિમિત નયને ન્યાળતાં વૃક્ષવૃન્દ,

વીંધી તેને દિનમણી તણી અંગુલીઓ અનંત

વીંટી લે છે સુભગ સરિતા શાંત કાન્તિ કેરી,

ગુંથી ઝીણી કમલવદને માલિકા શી અનેરી!

ઝરમર ગિરિ નિર્ઝરો ઝરે છે,

મધુ રસ-બીન નવીન વિસ્તરે છે;

સુખમય વહેતો સમીર ઘેલો

કુસુમ પ્રમોદ થકી થયો છકેલો.

ગંભીર ધીર તરૂકુંજ તણી ઘટામાં,

ખેલંત કૈં મૃગ તણાં યૂથ લાસ્ય ભાર્યા;

શૃંગે સુહે લટકતી બકુલાવલિઓ,

ઝીલે પરાગ ઝરતો પ્રણયાંગનાઓ!

પાસ શ્રેણી દીસતી લઘુ આશ્રમોની -

ત્રુટી પડેલ જ્યમ શૃંખલ મેખલાની -

નિઃસીમ પાછળ ઉઠે ગિરિશૃંગરાજિ,

આભા વિલોલ ધરી ભર્ગની દીપ્તિછાયી!

ઉભાં ઊભાં તરૂ તરૂણશાં વર્ણ સૌવર્ણ ધારે,

આછી આછી મૃદુ કુસુમની શ્વેત શય્યા પ્રસારે;

કૂજે કયાંથી મદભર કંઇ કોકિલા ગૂઢ મંત્ર!

મીઠો જાગે લલિત પડઘો છેડતો વિશ્વતંત્ર!

ઉંચે ચઢે શિશિર સીકર વાદળીઓ

તેમાં ભરે ભરત સ્વર્ગની સુંદરીઓ,

તેવાં વિલોલ તરતાં પ્રતિખીણ મધ્ય

સૌન્દર્ય મૂર્ત સમઇન્દ્રધનુ અનંત!

સોહંત ત્યાં કદલીનાં વન નીલ શાંત,

ચુંબે ચઢી ગગનને તહીં તાલ પ્રાંત,

તે પાર ભૂરી લસતી નભની સુરેખા,

રશ્મિ ક્ષણે ક્ષણ સુરંગ ભરે અનેરા.

સ્વર્ગની વાટિકા રૂડી, ચારૂતા મૂર્ત વિશ્વની,

અનન્ય છે તથા શોભા ઉંચા વન પ્રાન્તની!

નીચે નીચે ગુફામાં, ધમ ધમ કરતા ધોધના ઘોષ ગાજે!

ઘેરી ગંભીર ક્યાંથી મૃગપતિ ગણની ત્રાડ આકાશ ફાડે!

ભેટે કૈં ચીસ પાડી જલધર ઘનશા મત્ત માતંગ રાજ!

ફૂંફાડે કયાં વિકાસી દશન વિષભર્યાં ઉગ્ર ક્રોધાન્ધ નાગ!

સૌમ્યતા સુરખી ઉંચે, નીચે સાકાર ચંડતા,

જોડતું પુષ્પ બેને—નિશા આદિત્યને ઉષા!

મુકુલિત જગકેરી પૂર્ણ લાવણ્ય મૂર્તિ,

લલિત નયન જ્યોત્સના દિવ્ય દેવાંગનાની,

અહીં વિલસતી કયાંથી,કોણ કોમલાંગી?

નવીન શશિકલા શી, કુંજમાં લતાંગી?!

સૌન્દર્ય ને દિવ્ય તપ પ્રભાવનું,

સંતાન પુણ્ય પ્રણયાર્દ્ર ગ્રન્થીનું,

વસંતની ચન્દ્રસુધા શું નીર્મળા

શકુંતથી સેવિત શકુન્તલા!

વિલોલ મંજુ કલતાં વિહંગમો,

ધ્વનિ કરે પક્ષ પ્રહારથી મીઠો;

મૃદુ મૃદુ પલ્લવ પુષ્પ લેઈને

સપ્રેમ પોષે અતિથિ નવીનને!

જોઈ રહ્યો ઉપર સૂર્યરાજ,

વૃષ્ટિ કરે પુષ્પિત વૃક્ષમાલ;

પ્રસારતી શીતલ છાય મંજરી,

ઉત્સંગમાં જેમ સ્વપુત્રીને ધરી!

રૂડાં પ્રસારી નવ પિચ્છ નાચતો

કેકા કલાપી મધુરી પુકારતો;

મરીચ કેરાં વન છોડી, જોડલી

સોલ્લાસ ઉભી, શુક સારિકા તણી!

ચંચુ તણું ધાન્ય અનન્ય અર્પતાં,

મધુર ને અસ્ફુટ શબ્દ ગુંજતા,

હંસત બાલકને હસાવતાં,

વિહંગ જાણે નિજ સ્વર્ગ માણતાં!

તમાલ ને અંબુજ પ્રાંતની કરી

શય્યા લઘુ, પુષ્પ પરાગથી ભરી;

રમી રહ્યું બાલક દિવ્ય ત્યાં કંઈઃ

પીયૂષ કેરા પરિવેષમાં શશિ!

ઝીણી ઝીણી, વિરલ, ઉડતી કેશવાલિ સમીરે,

નાચે જેવી અમિમય મૃદુ ચન્દ્રિકા વ્યોમ તીરે;

છુટી છૂટી કુસુમકળી શી દંતપંકિત અભંગા,

શોભે તન્વી, ઉડુગણ ભરી જેમ આકાશ ગંગા!

અવિરત સ્મિત શું મુખારવિન્દે!

બકુલ કલી સમ મુક્ત ઓષ્ટ દીસે!

મુદિત સ્તિામત નેત્ર પ્રેમ ઘેલાં

અમિ ઝરતાં જ્યમ કૌમુદી ભરેલાં!

અંગો અંગે અવિરત ઝરે દિવ્ય શી જ્યોત રેખા!

નીચે આવી નયન સુભગા મૂર્ત શું ચન્દ્ર લેખા!

કુંળાં કુંળાં લલિત કદલી-ગર્ભશાં ગાત્ર નાનાં

દેખાયે છે ધવલ ઘનશાં વ્યોમમાં ક્ષીર ભાર્યા!

પ્રકૃતિ-મંડપે ઉગ્યું પુષ્પ નાનું સુકોમલ!

અખંડ વધતું જાયે ચન્દ્રથી ચન્દ્રિકા જ્યમ!

ચોપાસ ગંભીર પ્રશાંત સૌ દિસે

મૃદુ મૃદુ અસ્ફુટ બાલુડુ લવે;

થયો તહીં હા! પદઘોષ ક્યાં થકી?!

ઉચ્ચાર માનવ બોલનો તહીં?!

બ્રહ્મસ્વરૂપ જ્યમ મંગલ શૂન્યમાંથી,

આદિત્ય ચંડ ગિરિની જ્યમ મેખલાથી -

ભેદી ઘટા ઘન તરુવર કેરી તેમ,

ઉભો તપોનિધિ ત્યહાં, ગિરિરાજ જેમ!

ભસ્મ દ્યુતિ ભાલ અહો! મહોજ્જવલ!

અનન્ય છે પુણ્ય પ્રદીપ્ત નેત્ર!

વિભૂતિ સાકાર મહેશ કેરી!

દિનેશની મૂર્ત પ્રભા અનેરી!

ધ્યાનમાં લીન છે પૂર, सोहं सोहं સ્તવે મુખ

આત્મને બ્રહ્મમાં જોતો આવતો તપોધન!

ઉડી ગયાં પક્ષી કરી નિનાદ

આવંત પેખી અહીં સૂર્યરાજ!

વિભ્રાંત, એકાકી,શિશુ હસે, રડે!

પીયૂષ ધારા પ્રતિ શબ્દમાં સ્ત્રવે!

જાણે થયો રવમૃદુ સુર દુંદુભીનો,

કર્ણે ચઢ્યો ધ્વનિ હરિવચનાવલીનો,

સાશંક, સ્તબ્ધ, બનીને શ્રૃણી બાલશબ્દ

યોગી ઉભો નિજ સમાધિ વિષે નિરુદ્ધ!

નીચાં ઢાળ્યાં નયન તપને ઘેન ઘેરે ભરેલાં,

હૈયા કેરાં કઇ વિકસીયાં દ્વાર વૈરાગ્ય દીધાં;

કંપી ઉઠી ક્ષણભરી ઉંડી આત્મની આર્ષ જ્યોતિ,

ક્યાંથી કલ્પી, કદી નવ લહી, દિવ્યતા અત્ર સુતી?!

મીંચાય ને નેત્ર સુરેખ ઉઘડે!

રોમાંચ સ્વેદ કૃષ કાયને વીંટે!

પ્રચંડ કોલાહલ આત્મમાં થતો!

ગભીર કો શાંતિ શું ઘેાષ ઉઠતો!

ધીમે ધીમે કંઈ પ્રણમતી શ્યામ સપ્રેમ કાય!

આછી આછી વિરલ મૃદુતા શુષ્ક કંઠે જણાય!

વર્ષે હા! કૃષ તનુ થકી સ્નેહ સૌજન્ય ધાર!

છેડે સીમા નિધિજલ! હવાં ના સ્થળે કો સમાય!

શુષ્કમાં મિષ્ટનાં બિન્દુ! ક્ષારમાં ક્ષીર તો સ્ત્રવે!

જીવનારણ્યમાં પ્રેમ—પુણ્યર પીયૂષ નિર્ઝરે!

પંપાળીને હૃદય શું લીધું તાપસે મૃણાલ!

મીઠું મીઠું કંઈ કહી રહે કર્ણ યોગી સુહાસ!

જોડે ખેલે અધર અધરે નાસિકા સાથ નાસા!

ભૂલ્યો, ભૂલ્યો, વ્રત થકી ચળ્યો! યોગી તેં મુકી માઝા!

કરી કરી ચુંબન ચુંબનો પર,

શિશુ લઇ પદ્મ પ્રફુલ્લ શું કર,

ચાલ્યો સહર્ષે યતિ નિકુંજથીઃ

આભા ત્યજે ગ્રસ્ત તથાપિ ના રવિ!

સ્રોત

  • પુસ્તક : પ્રથમપદ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : કાશ્મલન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1933