bilwmangal - Khandkavya | RekhtaGujarati

બિલ્વમંગલ

bilwmangal

કલાપી કલાપી
બિલ્વમંગલ
કલાપી

છૂપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમઅંકે,

નિદ્રા મીઠી ગિરિ નદી અને વિશ્વ આખુંય લે છે;

ને રૂપેરી શ્રમિત દિસતી વીજળી એક સ્થાને

સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્ર માંહી દિસે છે. ૧

આવી રાતે ધ્વનિ કરી મહા શ્યામ વ્હેતી યમુના,

તેના બ્હોળા જલ ઉપરની ભેખડે કોણ છે આ?

કૂદી નીચે જલ સમીપ તે માનવી આવી ઊભું,

ને શોધે છે કંઈ, પણ કશું હાથ તેને આવ્યું. ર

એવામાં ત્યાં શબ જલ પર કોઈ આવે તણાતું,

હોડી તેને સમજી જલદી જોરથી ઝાલી લીધું;

ને ચાલ્યો પુરુષ તરતો ઉપર તેની બેસી,

હર્ષે બોલ્યો, ‘પ્રિય! નકી થશે આજ તો આશ પૂરી.’

ત્યાં તો અભ્રે ધવલ ભડકા વીજળીએ કર્યા શા!

તેથી સર્વે તરુ નદી અને પ્હાડ તેજે છવાયાં;

ગાજી ઊઠ્યું ચમકી વન મેઘની ગર્જનાથી,

નિદ્રામાંથી મયૂર ટહુક્યા હર્ષથી જાગી ઊઠી! ૪

છો ઊઠીને મયૂર ટહુકે, પ્હાડ ગાજે ભલેને,

તેમાંથી તે મગજ નરનું કોઈથીયે જાગે;

દૃષ્ટિ તેથી શબ પર હતી તોય જોઈ શકે ના,

છોને આખું જગત સળગી વીજળીથી બળે આ! પ

તેની પત્ની હૃદયવિભૂતિ સ્નેહની જે સરિતા,

તેની પાસે જિગર ઘસડી જાય છે લેઈ હાવાં,

આલેખાયું હૃદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,

અંગોમાંથી જીવન સઘળું ત્યાં આવી રહ્યું છે. ૬

દોરાતો પ્રિયજન કને આમ આશા ધરીને;

પહોંચી ઊભો શબ ઉપરથી ઊતરીને કિનારે;

પાસે મૂકી મૃત શરીરને મસ્ત પ્રેમી વદે છે:

‘દીવા મારી પ્રિય સખી તણા ઓરડાના દિસે તે.’ ૭

અન્ધારામાં ત્વરિત પગલે ડોલતો ચાલતો આ,

આવી પહોંચી પ્રિયગૃહ કને જોઈ ઊંચે ઊભો ત્યાં;

ગોખેથી ત્યાં લટકી ઝૂલતું કાંઈ દોરી સમું છે,

ઝાલી તેને ઉપર ચડીને ગોખમાંહી ઊભો તે.

દીઠી તેને, હૃદય ધડકે જેમ ચીરાઈ જાતું,

દીઠી તેને અવયવ બધાં પીગળી જાય છે શું?

દીસે તેને ચકર ફરતો કંપતો ઓરડો એ;

કામી પ્રેમી અનિમિષ રહી પ્યારીને નીરખે છે!

***

જોઈ લેજે ફરી ફરી સુખે પ્રેમનું સ્થાન પ્રેમે,

આવી મીઠી સુખની વખતે કોઈ વેળા આવે;

આવી પ્રીતિ તુજ વખતે હોય કાલે પ્રભાતે,

આશાનું મધુર સુખ તો આજ ઊડી જાશે. ૧૦

જોઈ લેજે, ફરી ફરી ભલે દૂરથી જોઈ લેજે.

ઇચ્છે તેવું સુખ અનુભવી આજની રાત લેજે;

તારે માટે દિવસ ઊગતાં કાઈ જુદું ભાગ્ય,

તારો નિર્મ્યો કરુણ પ્રભુએ કાંઈ જુદો માર્ગ! ૧૧

જોને તારી યુવતી રમણી શાન્ત નિદ્રાસ્થ છે,

ને વેલી શું શરીર સુખમાં શાંત શય્યા પરે છે.

નિદ્રા મીઠી કર સુખભર્યા ફેરવે છે. કપાલે,

શું મૃત્યુથી કબજ થઈને અંગ સર્વે ઢળ્યાં છે? ૧ર

નિદ્રાનું સુખ ત્યજી દઈ ઊઠીને, સુંદરી, તું,

ચાંપી લેને હૃદયે હ્રદયે મિત્રનું, સુંદરી, તું;

હૈયાનો રસ તુજ પરે ખૂબ વર્ષી રહ્યો છે,

રાત્રિના બે પ્રહર સુખમાં પૂર્ણ માણી હવે લે! ૧૩

રાત્રિમાં તુજ પ્રિય કને મીઠડાં ગીત ગાવાં,

તારે તેની જરૂર કરવી આજ તો તૃપ્ત આશા;

તારે કાંઈ મધુર સુખમાં આજ છે ઝૂલવાનું,

કાલે તો કો નવીન રસના સિંધુમાં ડૂબવાનું. ૧૪

*

પેલો કામી પુરુષ હજી ત્યાં ગોખ માંહી ઊભો છે,

તેનાં કામી પ્રણયી નયનો પ્રેમીને નીરખે છે;

ત્યાં દીવામાં ચડચડી મર્યું એક ભોળું પતંગ,

જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન. ૧પ

બોલી ઊઠ્યો, ‘અહહહપ્રભુ! સ્નેહની દશા શી?

ઓહો કર્તા! તુજ કરણીમાં આવી તે ક્રૂરતા શી?

પ્રેમી ભોક્તા પ્રણયી હૃદયે ભોજ્યની પાસ આવે,

તે ભોક્તાનું જિગર કુમળું ભોજ્ય તે કેમ બાળે? ૧૬

કાંઈ મીઠું સુખ નકી હશે પ્રેમીને બાળવામાં,

ને કૈં તેથી વધુ સુખ હશે પ્રેમીને દાઝવામાં,

‘બાળી દે તો પ્રિય સખી મને!' એટલું બોલી દોડી,

સૂતેલીના હૃદય સહ તે ધ્રૂજતી છાતી ચાંપી! ૧૭

જાગી બોલી ચમકી લલના, ‘જીવના જીવ મારા,

શું અત્યારે તુજ સખી કને આમ આવ્યો વ્હાલા!’

ને બંનેયે હૃદય ધડક્યાં સાથસાથે દબાઈ,

ભાને ભૂલી પ્રણયી સુખિયાં શાંત પામ્યાં સમાધિ. ૧૮

*

બંનેની દૃઢ ક્ષણ મહીં છૂટશે ગ્રંથિ, હાય!

કેવો મીઠો સમય સુખનો, તોય કેવો ક્ષણિક!

જૂનાં થાતાં મધુર સુખડાં ચિત્ત શોધે નવાંને,

ને આશામાં વખત સઘળો આમ પ્રેમી ગુમાવે! ૧૯

સ્થાયી ક્યાંયે સુખ નવ મળે, સ્થાયી આશા ક્યાંયે,

રે સંધ્યાની સુરખીવત્ સૌ સ્નેહના રંગ ભાસે;

ને આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના?

રે! તોયે સૌ હૃદય ધરતાં તૃપ્તિની કેમ આશા? ર૦

જે છે તે છે સુખદુઃખ અને તૃપ્તિ-આશા અહીં તો,

જે પામો તે અનુભવી સુખે સ્નેહી લેજો તમે તો;

સંયોગી સુભગ દિલડાં! તૃપ્તિનું આજ લ્હાણું,

ઊઠો, ઊઠો, અતિ સુખ મહીં ભાન ના ભૂલવાનું. ર૧

ધીમે અર્ધી રવિકર વતી પોયણી જેમ ખીલે,

બન્ને તેવી મૃગનયનીની આંખડી ઊઘડે છે;

તે આંખો તો પીયૂષ પિયુનાં અંગને લેપી દેતી,

આંખોમાં વશીકરણ શી પ્રેમમૂર્છા વહેતી! રર

ને ઘેરાતાં નયન પિયુનાં ઊઘડચાં દીર્ઘ સ્નિગ્ધ,

અર્પી દેતાં હૃદય પ્રિયના પાદમાં જેમ હોય;

પી લેઈ ને શરીર પ્રિયનું નેત્રથી નેત્ર ચોંટ્યાં,

મીઠા ભાવે રતિમય તહીં પૂર્ણ સત્કાર પામ્યાં. ર૩

દૃષ્ટિના અમીઝરણમાં ગાન દૈવી ગવાતું,

બન્ને આત્મા રસમય થતાં ઐક્યનું પાન થાતું;

દૃષ્ટિમાં લય થઈ ગઈ વિશ્વની સૌ ઉપાધિ,

વેળા વહેતી સતત ગતિએ તેમ ત્યાં સ્તંભી ઊભી. ર૪

ના ના, રે રે! વખતનદ તો જાય ચાલ્યો સપાટે;

તે રોકાતો પલ પણ નહીં પ્રેમનાં કાર્ય માટે;

બિચારાંની સફળ ઘડી લેશ ના દીર્ઘ થાતી,

ઓહો! તો જલદી જલદી આવી કે ઊડી જાતી! રપ

જ્યારે બન્ને રસમય દિલો સાથસાથે દબાયાં,

ત્યારે તેના ગૃહ ઉપર કૈં વાદળાં દોડતાં'તાં;

ને હાવાં તો ઘનદલ સહુ વિખરાઈ ગયાં છે,

તારા સાથે શશી ચળકતો પશ્ચિમે ઊતરે છે. ર૬

ઓહો! મીઠું જરૂર દિસતું તૃપ્તિનું આજ લ્હાણું,

કેવું ઘેલું કૂદી કૂદી ઊઠી ગીત ગાતું ચકોરું!

કેવાં નાચી પ્રતિવીચિ ઉરે ચન્દ્રનું બિમ્બ ધારે,

ને વાયુના અધર ફરકે પુષ્પના ઓષ્ઠ સાથે! ર૭

હિમે ઢાંક્યા ગિરિવર તણા શૃંગશૃંગે શશી છે,

ને ગુલ્મોના પ્રતિફૂલ ઉરે ભૃંગ બાઝી રહ્યા છે;

આજે ક્યાંયે વિરહદુ:ખનાં મ્લાનિ કે અશ્રુ છે ના,

ક્યાંયે છે ના જગત પરની સર્વવ્યાપી કટુતા. ર૮

પૂર્વે લાલી ચળકતી દિસે આભમાં કેસુડાં શી,

જે જોઈને કલરવ કરી ઊડતાં કૈંક પક્ષી;

પિયુ સાથે શયન કરતી સાંભળી સુંદરી તે

બોલી, ‘મારા પ્રિયતમ! ગઈ રાત્રિ ચાલી, અરેરે!' ર૯

આહા! અન્તે જનહૃદયને બોલવાનું ‘અરેરે!'

કંપી રહેતાં જિગર સુખમાં ઉષ્ણ નિઃશ્વાસ આવે;

આંસુડાં જ્યાં નયન પરથી હર્ષનાં ના સુકાયાં,

ત્યાં તો નેત્રો દુઃખમય બને આંસુની ધારવાળાં! ૩૦

ચોંટી મ્લાનિ પિયુહૃદયને સાંભળી તે ‘અરેરે,’

ને અંગોમાં દુઃખમય અરે મ્લાનિની સુસ્તી આવે;

ફેંકી દૃષ્ટિ અતિદુઃખભરી પ્યારીના નેત્ર સામે,

જે દૃષ્ટિમાં દુઃખમય અમી વ્હાલનું વર્ષી રહે છે. ૩૧

બન્ને ઊઠી શિથિલ પગલે ગોખમાં આવી ઊભાં,

ભારે હૈયે કુદરત તણું શાન્ત સૌંદર્ય જોતાં;

ઊગે છે ત્યાં ઝળહળ થતો પૂર્વમાં લાલ ગોળો,

નાચી રહે છે કિરણ સલિલે રેડતાં રંગ રાતો. ૩ર

‘કેવું, વ્હાલા! ખૂબસૂરત છે વિશ્વનું રૂપ ભવ્ય!

નાચે કેવો સુખમય તહીં ઢેલ સાથે મયૂર!

અશ્રુ ઝીલે પ્રિયતમ કને હેતથી તે મયૂરી,

ને તે દે છે મયૂર પ્રણયી પ્રેમની ચીસ પાડી. ૩૩

ચુમ્બી અશ્રુ તુજ પ્રિય સખે! ગાલથી લૂછી નાખું,

જાવું ના, ના, મુજ સહ રહે, એટલું નાથ! યાચું;

બોલી એ, ત્યાં નજર યમુનાતીર પાસે પડે છે,

ને ત્યાં પેલું શબ નિરખતાં નાથને પૂછે છેઃ ૩૪

‘જોને, વ્હાલા! મૃત શરીર કો કેમ ત્યાં છે પડેલું?

રે રે! શું ના જગત પર છે કોઈ યે મિત્ર તેનું?

રોવા તેને જગ પર નથી, કોઈ ના દાહ દેવા!

વ્હાલા! તેનું સુખમય હશે મૃત્યુ કેવું થયું હા!' ૩પ

જોઈ તેને પ્રણયી વદતો શાન્ત ગંભીર વાણી:

હું આવ્યો છું ઊતરી યમુના રાત્રિએ હોડી માની!

વ્હાલી તે શબ જરૂર છે, મિત્ર તેનો બનું હું,

ચાલો તેને નદીતટ જઈ અગ્નિનો દાહ દેશું,' ૩૬

આભારે કે પ્રણયઉભરે શીર્ષ નીચું નમાવે,

ને પ્યારાના હૃદય સહ સુન્દરી ગાલ ચાંપે;

ત્યાં તો ‘વહાલા! સરપ લટકે ગોખની બારીએ છે!’

બોલી એવું કૂદી પડી નીચે સુન્દરી ગાભરી એ. ૩૭

જોઈ તેને પ્રિયતમ કહે ઉરથી ઉર ચાંપી:-

‘આવ્યો હું તો ઉપર ચડી સાપને દોરી માની’

સૂણી આવું ચકિત થઈ ને મૂક વિચારતી કૈં,

ચિન્તાવાળાં સજલ નયને સ્વામીને જોઈ રહેતી. ૩૮

ત્યાં હોલાયે છત ઉપરથી ઝૂલતો એક દીવો,

હાંડીમાંથી સરકી નીકળ્યો ધૂમ્રનો શ્યામ ગોટો;

તે જોઈને દઢ થઈ જરા ઉચ્ચરે આમ શ્યામા:

‘મારા વ્હાલા! સુર! હૃદયથી દાસ તું ઈશનો થા! ૩૯

ફાની છે જગત સઘળું, અન્ત જીવવાને.

જે છે તે ના ટકી કદી રહે સર્વદાકાલ ક્યાંયે;

શોધી લેને પ્રિય, પ્રિય સખે! સર્વદા જે રહેશે,

આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દે ને! ૪૦

હું તારી ને મુજ પણ સખે! પ્રેમી દિલ તારું:

તે જાણીને હૃદય મમ તો આજ ચીરાઈ જાતું;

તારું તે ના તુજ રહી શકે, તૂટશે સર્વ મારું,

માટે છોડી ‘તુજ’ ‘મુજ’ હવે, દાસ થા ઈશનો તું! ૪૧

દીવો જો તુજ ગૃહ બધુ તેજથી પૂરી દેતો,

દીપ્તિહીણો તિમિરમય છે ધૂમ્ર તો અંત તેનો;

ભોળા તારા હૃદય સહ પ્રેમનું જે શરીર,

તેનો વાયુ વતી ઊડી જતી આખરે અંત ખાક! ૪ર

શું છે હું માં? સુખરૂપ તને દેહ થવાની,

વહાલા! તેને મરણ પછી તો કાષ્ઠમાં બાળવાની,

ટેકો જ્યારે તુજ હૃદયનો કોઈ ક્યાંયે રહેશે,

રોતાં ત્યારે જીવિત સઘળું પૂર્ણ તે કેમ થાશે ? ૪૩

તૈયારી તું પ્રિયતમ! કરી મૃત્યુની લે અગાડી;

ને મારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;

તોડી ભીંતો તિમિરગઢની દિવ્ય સ્થાને ઊડી જા,

ને તે માટે સુર! હૃદયથી દાસ તું ઈશનો થા. ૪૪

તેં શીખાવ્યો રસ ઉર ભરી પ્રેમ સંસારનો જો,

દોરી જા તું મુજ ઉર હવે દૂર સંસારથી તો;

શું શીખાવું? શિખવ મુજને પ્રેમ વૈરાગ્યમાં તું,

જાગી ચેતી ઊડ ઊઠ હવે, ઊંઘ વા સર્વદા તું!’ ૪પ

ઊંડું ઊંડું હૃદય ઊતરી સાંભળી રહ્યું 'તું,

ને પ્રેમીના મગજ ઉપર ઉષ્ણ લોહી ફરતું:

નિદ્રામાંથી દિવસ ઊગતાં ઊઠતો જેમ હોય,

રાતું તેનું મુખ ત્યમ દિસે શાન્ત ગંભીર ભવ્ય! ૪૬

દૃષ્ટિ ફેંકી પ્રિયમુખ ભણી પ્રેમઔદાર્યભીની,

બોલ્યો વાણી ગદગદ થઈ મેઘની ગર્જના શી:

“રે કલ્યાણી! સખિ! ગુરુ! પ્રિયે! પ્રેમની દિવ્યજ્યોતિ!

તારે પન્થે વિહરીશ હવે જાળજંજાળ તોડી! ૪૭

સંસારીને શીખવીશ હવે સ્નેહ, વૈરાગ્ય, ભક્તિ,

ને અંતે હું મરીશ સુખમાં ઈશનું નામ બોલી;

ચાલો, ચાલો, નદીતટ પરે ઝૂંપડી બાંધશું, ને

વહાલા મારા પરમ પ્રભુનાં ગીત ગાશું પ્રેમે! ૪૮

શૃંગારી હૃદય તુજ ક્યાં? શાંત વૈરાગ્ય તે ક્યાં?

સંસારી તુજ હૃદયમાં જ્ઞાનનું ઊગવું ક્યાં?

શું વિચારું? મુજ મગજ તો બ્હાવરું બને છે,

શું વિચારું? મુજ હૃદયમાં આંસુડાં ઊભરે છે! ૪૯

જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!

પાસા ફેંકે જનો સર્વે, દા દેવો હરિહાથ છે;

‘કરું છું’ ને ‘કર્યું છે મેં,’ જૂઠું અભિમાન હા!

કરી તે શું શકે પ્રાણી, અનંત અગાધમાં?” પ૦

પણ પિયુકરમાં લટકી પડી,

‘નહિ, પિયુ!’ લવતી રહી સુન્દરી

પિયુ રહ્યો મુખ નિરખી, અને

જલ તણી ઝરી પાંપણને ભરે! પ૧

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ