
૧
(અનુષ્ટુપ : મિશ્રોપજાતિ )
તુકારામ તુકારામ, રટતા કાં તુકા તુકા,
ઉર્વશીનૃત્યવેળાએ હતા અન્યમનસ્ક કાં?
દેવી, બન્યો એક વિચિત્ર યોગ :
આયુષ્ય ષણ્માસનું શેષ ભક્તનું.
જીવન્ છતાં મુક્ત જ ભક્ત એ તો,
આયુષ્યાન્તે મુક્તિને પામવાના,
ને એમના સંચિતનાં સુખો તે
ન ભોગવાયે વિણ સ્વર્ગ ક્યાંય;
ને ભક્તને સ્વર્ગ શી રીત લાવવા?—
જેને નિજેચ્છાથી જ અહીં અણાય.
જરા હસી ત્યાં વદતી શચી કે :
તમે રહ્યા તદ્વિદ તો પ્રતારણે :
દેવો અને દાનવને પ્રતાર્યા;
તો એક ભોળા ભક્તની વાત તે શી?
“અરે, અરે, દેવી તમે ભૂલો છો,
પ્રતારવાનું છિદ્ર છે વાસના જ.
જેને સ્પૃહા નહિ અને નહિ વાસનાયે,
તેને કહો સ્વર્ગની શી પડી છે?
બ્રહ્મર્ષિ મેં નારદનેય પૂછ્યું,
એયે કશો માર્ગ બતાવી ના શક્યા.
હાં! હાં! એમ કરો દેવ, બ્રહ્મર્ષિને જ પાઠવો,
કહો કે સ્વર્ગના દેવો, ભક્તનાં ભજનોત્સુક.
એક વાર કહો આવી અભંગો સુણવે સ્વયમ્,
ના નહીં ક્હે. ખરે દેવી! પુરુષોને પ્રતારણા
વિદ્યા હશે, સ્ત્રીઓનો તો જન્મપ્રાપ્ત સ્વભાવ છે.
ના, ના, પ્રતારણા એ ના, મારે ભક્ત નિહાળવા
તણા કોડ,—અને સાથે સતીનેયે— ભલે ભલે,
પતિસેવારતા નિત્યે પતિભોગાધિકારિણી.
અને હવે નારદને મળું છું જૈ.
૨
આજે ભક્ત તુકારામ, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં
ગુંજતા સ્વર ધીમાથી અભંગો સ્ફુરતા સ્વયમ.
ત્યાં સતીએ કહ્યું આવી : સ્નાનવેળા થઈ ગઈ.
જાગ્યાં છો? ન સુણી આજે વલોણું ધાર્યું મેં હતું
હજી ઊઠ્યાં નહિ હશો. વલોણું બંધ છે થયું.
કેમ કાંઈ હતું ક્હેવું? આજે સ્વપ્ન વિશે મને
વીણાપાણિ ઊર્ધ્વશિખ વિષ્ણુભક્ત મળ્યા, અને
કહ્યું દેવો નિમન્ત્રે છે સુણવા ભજનો મને
અને વળી ઉચ્ચર્યા કે સતીને કહી રાખજો
સાજ સંભાળવા માટે તમારી સાથે આવવા.
તો કહો— કર લંબાવી સતીને સ્કંધ મૂકતાં
પૂછ્યું ભક્તે : કહો સાથે તમેયે આવશો જ ને?
સતી નીચું રહી જોઈ, ઢીંચણે માથું ટેકવી.
પડ્યાં શું કૈં વિચારે કે? ના, ના, એવું કંઈ નથી.
મારે તો એ જ ક્હેવું'તું, તમે જે સ્વપ્નમાં દીઠું
તે બધું મેંય દીઠું'તું, મોટે પરોડ સ્વપ્નમાં.
ત્યારે તો ક્હો. કહે છે કે પ્રાતઃસ્વપ્નાં ખરાં પડે.
આવશો સાથ ને ત્યારે? કિંતુ નિશ્વાસ દૈ કહે :
મનેયે એ જ ચિંતા છે. તમારી સાથે આવું તો
ધન્યભાગ્ય થઈ જાઉં. કિન્તુ શું તમને કહું?
તમે ભોળા, અમો સ્ત્રીનાં ભાગ્ય ના સમજો તમે.
મહિષી વસૂકી ગૈ છે, વિયાશે ચાર માસમાં.
મારે કૌતુક છે મોટું, પાડો કે પાડી આવશે?
તમે ભાગ્યવિધાતા છો, ચાહો તેમ કરી શકો,
અમે સંસારગૂંથાયાં, ધાર્યું ન શકીએ કરી.
કાલે જવાબ છે દેવો, શી ઉતાવળ છે હજી,
વિચારીને પછી ક્હેજો. કહી ભક્ત વિરામિયા.
જોડાયા નિત્યકર્મમાં.
૩
“હજી કહો કાં ગમગીન દેવ :
આવી ગયા ભક્ત તુકાજી સ્વર્ગે,
ગાયા અભંગો, સાંભળી હું કૃતાર્થ.
છતાંય અસ્વસ્થ, વિમાસણે કાં?
શચી, કહું શું? ક્ષતિ એક ટાળવા
અનેક મેં દુર્ઘટના ઘટાવી :
આ કિન્નરો ના સમજ્યા અભંગનું
સંગીત સાદું ઋજુ ભવ્ય ભાવનું;
ને અપ્સરા તો સુણી વાત ભક્તની
સતી ન આવ્યાં કુતુકે મહિષીના,
રોકી શકી ના સ્મિત કે કટાક્ષો.
ને ભક્ત તો ત્રાસી ગયા છે સ્વર્ગથી—
આ સ્વર્ગ, આ સ્વર્ગ તણા વિલાસથી.
સ્મરો તમે ના ભક્તના એ અભંગો
ગાયા હતા તે દિન ખિન્ન થૈ જે.
(અભંગને ઢાળે)
[પરાત્પર પરબ્રહ્મ, એક તુંથી મારે પ્રેમ,
એક પ્રેમ એ જ ધર્મ, બીજી આડી કેડી.
મર્ત્યલોકે કર્મપાશ, સ્વર્ગે માત્ર છે વિલાસ,
બન્ને એક સમા ત્રાસ, દેવા ઉગારીએ.
રહ્યો હું મર્ત્યે આથડી, સ્વર્ગ એ છે ભુલામણી,
હાવાં દેવા લે આપણી પાસે મને.
દેવા દાસ તારો, દાસને ઉગારો,
ભવમાંથી તારો, ભવાતીત.]
બીજું કશું તો મનમાં લઉં ના
કિન્તુ જાણો શી દશા છે સતીની?
કહો કહો, કેવી દશા સતીની?
ઊંડી મુજેચ્છા તો સતી નિર્ખવાની,
અહીં રહે ને કૈં આરામ પામે,
ત્યાં તો શુંનું શું થયું, એ જ નાવ્યાં?
જોવા ઇચ્છ્યું, કિન્તુ ના હામ ચાલી.
તમે કહો કેવી દશા સતીની?
એ પાટ પાસે, જહીં ભક્ત બેસતા,
ત્યાં ભોંય બેસી, મૂકીને શીર્ષ પાટે,
ત્રુટ્યા શબ્દે ગદ્ગદ થે વિલાપતી :
(અભંગને ઢાળે)
મારા રાજા, મારા રાજા,
ભોળા ભક્ત, હરિભક્ત,
તારા ચરણે આસક્ત,
હું એકલી સ્વયંત્યક્ત,
કિન્તુ તારી દાસી નિત્ય,
સાર કરો.
સાથે રહો, નીરખું હુંય, એનું દુઃખનિમિત્ત હું.
અરેરે હજી એ બેઠી, હજી એ જ વિલાપતી.
અરે! દેવ, તમે જોયું? હા, હા, હું સમજી હવે.
સતી સસત્ત્વ છે, માત્ર મહિષી તો હતી મિષ.
અગાધ આ માનવભાવ કેરા
સંવેદને શક્ર અને શચીયે
ક્ષણેક તો શાન્ત થઈ રહ્યાં. પછી
ક્હે શક્ર : હું તો સમજી શકું ના
કે બેમાંથી કોણ સાચું જ મોટું?
સંસારથી ઊર્ધ્વ જતા તુકા વા
સંસારચક્ર અનુવર્તતી વા જિજાઈ.



સ્રોત
- પુસ્તક : રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ (પહેલો ભાગ) (પૃષ્ઠ ક્રમાંક 180)
- સંપાદક : હીરા રા. પાઠક, ચિમનલાલ ત્રિવેદી, સુરેશ દલાલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1990