રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિથિલ રવિકલા ત્યાં સિન્ધુને નીર ડૂબે,
અવનિ ભરી ભરીને શાં તમ:સૈન્ય છૂટે!
અનિલ મહીં દિસે છે ઘોર કૈં ચડંતા, ને
ઉદધિ પ્રલયઘેલો ઘોરતો વિભ્રમે છે.
ગહન ગગનમાંહે જો મહામેઘસેના
ઉલટી ઉલટી રોધી દેતી સર્વે દિશાને
કટકતી સળગે શી વીજળી ઘોર, જાણે—
યુગપ્રલયવિધાત્રી શક્તિની ક્રોધજ્વાલા!
લડતી જલદસેના વ્યોમમાં મૃત્યુયુદ્ધ
વરસતી પૃથ્વીમાં નાશનાં ઘોર નીર;
પલ પલ બલવન્તા સિન્ધુના આ તરંગ
પ્રબલ કરી રહ્યા! શો આજ મર્યાદાભંગ!
જલબલ અતિઘેલાં દ્વારિકાને સીમાડે
વધુ વધુ વધતાં એ ફીણ દંષ્ટ્રાકરાલ;
પ્રકૃતિ પ્રબલ રોષે ભાન ભૂલી ગયેલી
સુણતી નવ લગારે પૌરના આર્તનાદ.
પડું પડું કંઈ થાતા પેમના ઊર્ધ્વ દુર્ગ,
અતલ સરતી જાતી પૃથ્વીની પીઠ લાગે;
યદુકુલ વિભવોના ભવ્ય પ્રાસાદ રમ્ય
લવણગૃહસમા હા! ઓગળી આજ જાયે.
લલિત શુભ ગ્રસાતી દ્વારિકા-આસ્યચંદા
અમૃતઘવલ આજે મૃત્યુની શ્યામ પાંખે;
ધસતી ધસતી આવે ઉગ્ર આ વારિસેના,
પલ મહીં રચશે એ મૃત્યુનાં ઘોર રાજ્ય.
વિલસતી વિઘુબાલા વા’લુડી વ્યોમહૈયે
વિખૂટી થઈ પડે શું આજ અંધારદેશે?
સુરભિભર સુહાગી સ્નિગ્ધ શું વેલડીને
કઠિન લઈ કુહાડી કોઈ પાડે પ્રહારે?
સભર નિજ જવાની માણતી સુન્દરી શું
નવલ હૃદયકોડે કલ્પતી ભાવિસ્વપ્નો,
ઘડીકમહીં કપાઈ ચેતના વૃક્ષથી, ને
વણતલ પટકાતી મોતની ખાઈમાંહે?
કંઈ કંઈ બહુ આવાં સામ્યદૃષ્ટાન્ત શોધું,
પણ નવ નવ કોઈ પૂર્ણ સાદૃશ્યવાળાં;
નથી નથી કદી જાણ્યો ભવ્ય દારુણ નાશ
મનુકુલ-ઈતિહાસે પૃથ્વીની પુત્રી કેરો.
યુગક્ષયસમાં નીરે ડૂબી હા ભવ્ય દ્વારિકા;
અડૂબ્યા ભૂમિને ભાગે પરન્તુ ઊભું કોણ આ?
કલ્પાન્તે શંભુના જેવું ઘોર અંધાર માપતું,
કૃતકૃત્યસમું કો આ વિનિષ્ટ ભાવે લક્ષતું?
વિલોકે વિશ્વને ઘોર ડૂબેલું નાશશાન્તિમાં
ઉદાસીન રહી પીપો ભક્ત કૃષ્ણ તણો મહા.
“સિન્ધુના જલમાં સૂતી કૃષ્ણની રમ્ય દ્વારિકા;
સુવાડું બ્રહ્મને વારિ આત્માની દ્વારિકા ન કાં?”
વિચારી અન્તરે આવું દિવ્યમોદવિલાસમાં
દેહને લળતો મૂક્યો સિન્ઘુની ઊર્મિમાળમાં.
સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ચિનુ મોદી, સતીશ વ્યાસ
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1985