sulochnanun lochandan - Khandkavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુલોચનાનું લોચનદાન

sulochnanun lochandan

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
સુલોચનાનું લોચનદાન
સુંદરજી બેટાઈ

(શાર્દૂલ વિક્રીડિત)

કાળા કાજળશા મહાતિમિરમાં ડૂબ્યુ' સહુ વિશ્વ આ,

હાલે ના ભયમુગ્ધશાં ગિરિ પરે ઊભાં તરુ જે મહા;

કાસારે પડ્યું શાન્ત કલાન્ત વિરમી, જાણે દુખી અન્તરે;

તીણાં તમરાં તીણું તમતમે, દાઝન્ત પાપે શું એ?

(વસન્તતિલકા)

કોઈ ધીમાં ભયધીમાં ડગલાં ગણંતું

અંધારથી વિકટ કૈં ગિરિમાર્ગ કાપે;

વક્ષ:સ્થલે કર ધરી ઘડી વિચારે,

હાવાં વળી ત્વરિત ગતિ કૈંક ધારે.

(અનુષ્ટુપ)

અચિન્તી ઠેસ ત્યાં વાગે શિલા એક તણી, અને

વળે મન જરા પાછું જવા, તોય કાં વધે? ૧૦

બિચારા બૌદ્ધ ભિક્ષુ યૌવનાનિલથી ભૂલ્યો;

ખુલ્લાં દૃગ હતાં તોયે કાંઈ નવ પેખતો.

(માલિની)

શિથિલ મન ઘવાયુ ભિક્ષુનું કામસાંગે,

હૃદયબલ રહ્યું ના યુદ્ધમાં ઘૂમવાને;

ઘુમરી ઘડિક આવી, દ્રષ્ટિ એની બિડાઈ, ૧પ

અવશ થઈ પડ્યો પાપને ગર્ત ઊંડે.

(અનુષ્ટુપ)

પુણ્યની શાન્ત મૂર્તિશી, સાધ્વી, લલિતલેાચના,

સુવર્ણા નીરવા જાણે નિર્વાણાગ્નિ તણી શિખા!

બુદ્ધબોધમયી બાલા, કૃશાંગી, કરુણાપરા,

પ્રેમથી ભરી જાણે જલગર્ભા વસુંધરા! ર૦

કુટિમાં એકલી બેઠી જ્ઞાનધ્યાનધુરંધરા,

વિલોકે વિશ્વ બંધાયું અંધારે આત્મલોચના.

(માલિની)

સુણી ધ્વનિ દમધીમો કોઈના ચાલવાનો,

હરિણીસમ વિકાસે દ્રષ્ટિ ઉત્કંઠ બાલા;

ચમકતી જરી હૈયે જોઈ આવન્ત ભિક્ષુ- રપ

નિજ કુટિ પ્રતિ આજે કેમ કોણ જાણે?

કરથી ઉર દબાવ્યું, ને જરા શાન્ત પાડ્યું,

લલિત નયનજ્યોતે હાસનું તેજ આવ્યું;

પુનિત મુખ પ્રકાશ્યુ. પુણ્યપીયૂષ હેતુ,

સકલ જગતને ચેતના પાય છે શું? ૩૦

(અનુષ્ટુપ)

ઊઠી સત્કારવા સાધ્વી બારણે જોઈ ભિક્ષુને;

છવાયેલી દીઠી આજે ગ્લાનિ સાધુ તણે મુખે.

બેસે આસને પાસે સ્વીકારી આવકારને,

કિન્તુ સહોદરવૃત્તિ આજ ના વદને રમે.

(વસન્તતિલકા)

આજે મટી સુર અસુર હતું થયેલું ૩પ

એનુ શુચિ હૃદય કામ વડે ગ્રહેલું;

સંબોધીએ નવ શકે શુભ બ્હેન શબ્દે,

ઊંડે ઊંડે ભગિનીભાવ છૂપેલ તોયે.

(અનુષ્ટુપ)

દીર્ઘકાલ ટક્યું મૌન, અન્તે બોલી સુલેાચનાઃ

“બંધુ, તું મૌન કાં સેવે? પીડે શી ઊંડી વેદના?” ૪૦

(વસન્તતિલકા)

ઉઠે જળી અનિલની લહુરી અડ્યેથી,

ધૂંધી રહ્યો અનલ જે ચિરકાલ સુધી;

ઊંઠ્યો જળી ઘુઘવતો સ્મર સાધુ કેરો,

વાણી શિખામહિં તપસ્વિની શબ્દ વાયો:

(અનુષ્ટુપ)

“બપૈયો હુ ઝુરું વ્હાલી, પ્રેમવહ્નિ વિશે મહા; ૪પ

શીળું પીયૂષ વર્ષીને ઠાર શિશીતલા!”

(વસન્તતિલકા)

વીંધાય કેવી હરિણી શરપાત થાતાં!

આશ્ચર્ય ને ભય થકી તડકે બિચારી;

વીંધાઈ તે હૃદયે અનભિજ્ઞ બાલા,

આશ્ચર્યમુગ્ધ ભયકંપિત કામિશબ્દે. પ૦

(વસન્તતિલકા)

દે ઢાંકી વાદળપટે મુખ તારકા શું

લજજાભરી નીરખી ભિક્ષુની પાપવૃત્તિ?

ક્રોધે ભરી પ્રલયચીસ પ્રચંડ દેતી

ગાજે શું ઘુરકતી સઘળી દિશાઓ?

રે આમ કાં અનિલ ઉગ્ર ઉઠ્યો અચિન્ત્યો? પપ

કાં ત્રાડતાં વનપશુ ભયભીત નાસે?

ગાજે મહાધ્વનિથી ઘોર ઊંડી ગુફાઓ,

ઉઠે છળી મૃદુલ કોકિલ મોરલા શે?

(વસન્તતિલકા)

ઊઠેયો મહા-અનલ સાધ્વી તણે દિલ, ને

તેની પ્રચંડ સળગી નયને શિખાઓ; ૬૦

એને મહાબલથી સંયમઆડ બાંધી,

બાલા દયાર્દ્ર ભર-પ્રેમ સુશાન્ત બોલીઃ

“રે બન્ધુ, તું ક્યમ ભૂલે હું છું બુદ્ધપુત્રી?

તારા મા વિસર છે ગુરુ બુદ્ધદેવ;

બાંધ્યા સખા! ઉર સહોદરભાવસૂત્રે, ૬પ

તે તોડવા વિતથ યત્ન કરે તું શાને?

હોયે કદી મુજશું તુજ બ્હેનભાવ,

તોયે ઘટે શું કરવી મુજ શીલહિંસા?

ભૂલે તુ કાં શુભ વ્રતો ગુરુ બુદ્ધ કેરાં?

શેણે બુઝ્યો પુનિત આત્મ તણેા પ્રદીપ?” ૭૦

(અનુષ્ટુપ)

“જ્ઞાન ને નીતિનાં ઠાલાં થોથાં ના મુજને રુચે;

ઠારતાં પ્રેમની આગ શીલહિંસા થતી હશે?

ઠેલવો સુન્દરી, આમ આવેલા પ્રેમભિક્ષુને

ઘેલું ઘેલું લવી, તેથી પ્રેમહિંસા શું ના બને?”

(માલિની)

“નહિ નહિ ભ્રમ કેરી જાળ ગૂંથી ગૂંથીને ૭પ

વધુ વધુ સપડાવું આમ તુંને ઘટે છે;

નવ નવ કદિ હોયે પ્રેમ ને કામ એક;

નવ પરખી શકે શું અગ્નિ ને આગિયાને?

સ્મર, સ્મર જરી હૈયે તાતના બોધ મોંઘા,

ગહન તિમિરમાંહે જ્યોતિ દર્શાવનારા; ૮૦

પતન સમજે પાપ કેરી ખીણોમાં,

નવ નીકળી શકાશે જો પડ્યો એક વાર.

તુ વિપથ ગતિ ધારે, કેમ એના વિચારે?

જરી ઊતર ઊંડાણે, ભાઈ, તું ઊર કેરે;

નીરખ, નીરખ કે તું કોણ ને કોણ હું એ? ૮પ

અશુભ સમજજે દેહનો મોહ કૂડો,

મધુપુટ ગણી આવે કિન્તુ ઝેરપાત્ર;

ઊડી ઊડી વીંધી નાખે આકરા દંશશૂળ,

લગીર અડકતાંમાં પ્રાણિનો પુણ્યદેહ.”

(અનુષ્ટુપ)

મેઘલી ઘુરકે ઘેરી રજની રાક્ષસી સમી, ૯૦

તમિસ્રા કામની કાળી ભિક્ષુને ઉર શોરતી.

સુબોલ ભગિની કેરા શકયા ના અન્તરે અડી,

સુણ્યું નવ કંઈ જાણે હોય તેમ બંકે વળી:

(વસન્તતિલકા)

“ઓ સુન્દરી! રસિકને રસલ્હાણહીણો—

તું રાખ કાં, રસિકડી, બહુ વાર આમ? ૯પ

હું રસાર્ત સહતો રસશોષ ઊંડો,

તો ચે દયા નવ સ્ફુરે ક્યમ, ચારુગાત્રી?

(અનુષ્ટુપ)

લજ્જાહીન વદી આામ સાધ્વીને સ્પર્શવા ઊઠે

પરંતુ તપ્તબાલાની દૃષ્ટિની વિજળી પડે.

ચસી નવ શકે ભિક્ષુ, કિન્તુ કામ ઘટે નહીં; ૧૦૦

અંધ જોઈ રહે કાંઈ બાલાના મુખની મહીં.

(માલિની)

દુખી થઈ અતિ બાલા પાપીની જોઈ પીડા,

બળતી હૃદયમાંહે શોભના ચારુશીલા;

હૃદયમહીં વહ્યાં કૈં વારિ મીઠાં દયાનાં,

સરલ હૃદય ઇચ્છે પાપીને પ્રેમ પાવા. ૧૦પ

હૃદયદુખ દબાવી બુદ્ધબાલા દઢા

વદન જરા નમાવી પાપીને આમ પૂછેઃ

“વદ, નીરખી રહ્યો શું આમ ચામે મઢેલા

મુજ મુખમહીં, ઘેલા, રક્તમાંસે ભરેલા?”

(અનુષ્ટુપ)

“અમીનિર્ગળતાં તારાં લોચનો શાં સુલોચના! ૧૧૦

(દ્રુતવિલમ્બિત)

“હં! હં! હં! બ્હેન, શું આ?” વદતો રહે,

લલિત લોચન હસ્ત વિશે પડે;

હૃદયરુંધતી સ્થૂલ શિલા ખસે,

ઉર તણાં જલ આંખથી ઊલટે. ૧૧૪

સ્રોત

  • પુસ્તક : જ્યોતિરેખા (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : રમણલાલ જોશી
  • પ્રકાશક : કુમકુમ પ્રકાશન
  • વર્ષ : 1985